અમદાવાદના બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં પોલીસે હવે આરોપીને શોધવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આરોપી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતો હોવાથી તેણે પોસ્ટ કરેલી વિડિયો એફએસએલમાં મોકલવા માટેની તજવીજ હાથ ધરાઈ છે જેમાં આરોપી હવામાં ફાયરિંગ કરતા તેમ જ હાઈ સ્પીડથી કાર ચલાવતો હોય તેવું દેખાઈ રહ્યું છે આ વિગતો સ્પષ્ટ થયા બાદ આરોપી સામે વધુ એ ગુનો દાખલ થાય તેવી પણ શક્યતા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપીના ભાજપના એક નેતા સાથે ખૂબ જ નજીકના સંબંધો છે જે જમીન અને કન્સ્ટ્રક્શનના વેપાર માટે તેની સાથે કનેક્ટ થયો હોવાની શક્યતા છે.
આ અંગે ટ્રાફિક ટ્રાફિક વિભાગના એસીપી અશોક રાઠવાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમે આરોપીને શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આરોપીના મોબાઇલના સી ડી આર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં સ્ટંટ અને ફાયરિંગના વીડિયો
થલતેજમાં ગઈકાલે BMW હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જે બનાવ બાદ કાર ચાલક સત્યમ શર્મા ફરાર થઇ ગયો હતો.સત્યમ શર્મા કાર મૂકીને જ ફરાર થઇ ગયો છે જે મામલે પોલીસ આરોપી સત્યમ શર્માની શોધખોળ કરી રહી છે.સમગ્ર મામલે સત્યમ શરમના સોશિયલ મીડિયાના વીડિયો, ફોનનો CDR તથા તેની મદદ કરનાર સામે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. સત્યમ શર્માએ હિટ એન્ડ રન તો કર્યો છે, પરંતુ સોશિયલ મીડિયામાં પણ સ્ટંટ અને ફાયરિંગ કરતા વીડિયો પણ સામે આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે અલગથી ગુનો પણ નોંધવામાં આવી શકે છે.
અકસ્માત સર્જી સત્યમ શર્મા બે દિવસથી ફરાર
સત્યમ શર્મા અકસ્માત કરીને ફરાર જ થઈ ગયો છે. જે અકસ્માતના 2 દિવસ પૂરા થવા આવ્યા છતાં હાજર થયો નથી. બીજી તરફ પરિવાર પણ સત્યમ તેમના સંપર્કમાં ના હોવાનું જણાવી રહ્યો છે. આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.અલગ અલગ પાસના આધારે હવે પોલીસ તપાસને આગળની દિશામાં લઈ જઈ રહી છે. પોલીસ દ્વારા સત્યમના સોશિયલ મીડિયા, કોલ ડિટેઈલ સહિતની વિગતો તપાસવામાં આવી રહી છે.
ફાયરિંગ કર્યું, કાર પણ 160થી વધુની સ્પીડે ચલાવી
સત્યમ શર્માના સોશિયલ મીડિયા પરથી અનેક વીડિયો સામે આવ્યા હતા. જેમાં સત્યમ રિવોલ્વર વડે ફાયરિંગ કરી રહ્યો હતો. ગાડીની સ્પીડ 160થી વધુ દેખાઈ રહી હતી. ગાડીમાં પણ સત્યમે સ્ટંટ કર્યા હતા.સમગ્ર સોશિયલ મીડિયા તથા તેમાંથી સામે આવેલા વીડિયો મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. વીડિયો અને સોશિયલ મીડિયા અંગે FSL પણ તપાસ કરી રહી છે. વીડિયો અંગેની પૃષ્ટિ થતાં પોલીસ દ્વારા સત્યમ વિરુદ્ધમાં વધુ એક ગુનો નોંધવામાં આવી શકે છે.
છેલ્લે પરિવાર સાથે વાત કરી એટલે તેમના પર શંકા
આ ઉપરાંત સત્યમ શર્મા અકસ્માત કરીને દોઢ કિમી દૂર ગાડી મૂકી ફરાર થઈ ગયો છે. સત્યમે ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો છે, તો સત્યમ અત્યારે ક્યાં છે તેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે સત્યમના CDR પણ નિકાળ્યાં છે, જેમાં તેને અંતમાં પરિવાર સાથે વાતચીત કરી હતી. આ અંગે પોલીસ પરિવારની પણ પૂછપરછ કરી રહી છે. સત્યમના પરિવારને સત્યમના લોકેશન અંગેની જાણ હોવાની પૂરી શંકા છે, જે આધારે તપાસ વધુ તેજ કરવામાં આવી રહી છે.
સત્યમની મદદમાં કોણ છે તેની પણ તપાસ
સત્યમ શર્માની કોલ ડિટેઈલ અને CDR સહિત સત્યમની કોણ-કોણ મદદ કરી રહ્યું છે, તે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા સત્યમના પરિવાર અને મિત્રો પર પણ નજર રાખવામાં આવી રહી છે.સત્યમે અત્યાર સુધી કોની મદદ લીધી અને હવે કોઈની મદદ મેળવે તો પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.સત્યમને મદદ કરનાર વ્યક્તિ સામે પણ પોલીસ ગુનો નોંધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.