અમદાવાદમાં મોડીરાતે વરસાદની જમાવટ:પૂર્વ વિસ્તારના સરદારનગર, નરોડા અને નિકોલમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ4 દિવસ પહેલા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો નરોડા, કોતરપુર, સરદારનગર, મેમ્કો, નિકોલ શાહપુર દરિયાપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો. છેલ્લા બે કલાકમાં શહેરમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારના માત્ર સરદારનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે નિકોલ અને નરોડા વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. પૂર્વ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. સૌથી વધુ વરસાદ નિકોલ, નરોડા, સરદારનગર અને કોતરપુરમાં પડ્યો હતો.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં બે દિવસથી છૂટા છવાયા વરસાદની આગાહી વચ્ચે આજે મોડી રાત્રે માત્ર પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નિકોલ, નરોડા અને સરદાર નગરના વિસ્તારમાં ભારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના અન્ય વિસ્તારોમાં માત્ર છાંટા પડ્યા હતા પરંતુ સૌથી વધુ વરસાદ પૂર્વ વિસ્તારમાં પડ્યો હતો. પશ્ચિમ વિસ્તારના એક માત્ર ઉસ્માનપુરા, વાડજ અને ઇન્કમટેક્સ પાસે થોડો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...