એક્સક્લૂઝિવ:સરદારધામ હવે પાટીદાર યુવાનોને આદર્શ રાજનીતિ શીખવશે, અન્ય વર્ગના યુવાનો પણ તાલીમ લઈ શકશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • તર્કબદ્ધ અને મુદ્દા આધારિત રાજનીતિ માટે પાટીદાર યુવાનોને તૈયારનો પ્રયોગ
  • પ્રોજેક્ટમાં પાટીદારો સમાજના યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે

પાટીદાર સમાજ હવે યુવાનોને સક્રિય રાજકારણની તાલીમ આપવાની દિશામાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. અમદાવાદ સ્થિત પાટીદારોની સંસ્થા સરદારધામ સમાજના યુવાનોને રાજનીતિના પાઠ શીખવશે. ગુજરાતના રાજકારણમાં અવારનવાર પાટીદાર સમાજના મહત્ત્વના વિષયો ચર્ચામાં રહે છે. એમાંના માત્ર પાટીદાર સમાજ નહિ, પરંતુ તમામ સમાજના લોકોને રાજનીતિજ્ઞ તાલીમ આપશે.

રાજકારણમાં જવા માગતી વ્યક્તિ અને નેતાઓને તાલીમ અપાશે
અમદાવાદના વૈષ્ણોદેવી સ્થિત સરદારધામ ખાતે આવનારા દિવસોમાં રાજનીતિમાં જવા ઇચ્છુક યુવાનો અથવા તો હાલ રાજનીતિમાં સક્રિય કાર્યકર્તાઓ માટે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરાશે. સરદારધામ દ્વારા 'રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર' શરૂ કરવામાં આવશે. એમાં રાજકારણમાં જવા માગતા હોય, હાલ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સદસ્યો અથવા તો રાજકીય પક્ષના કાર્યકર્તા માટે આદર્શ રાજનીતિ વિષયને કેન્દ્રમાં રાખી ખાસ પ્રકારની તાલીમ અપાશે.

તર્કબદ્ધ અને મુદ્દા આધારિત રાજનીતિ માટે યુવાઓને તૈયાર કરાશે
આ બાબતે DivyaBhaskar સાથે વાત કરતાં સરદારધામ સંસ્થાના માનદ મંત્રી ત્રિકમભાઈ ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે 'દેશ અને સમાજને સારા રાજકારણી મળે એ હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. એમાં રાજનીતિની મુદ્દાસર સમજ આપવાનો પ્રયાસ છે. યુવાનોને રાજનીતિના કેન્દ્રમાં રાખી તેના સામાજિક, ભૌગોલિક, મનોવૈજ્ઞાનિક પરિબળો બાબતે માહિતગાર કરવામાં આવશે. હાલના સમયમાં કાર્યકર્તાઓ તો મળે છે, પરંતુ તર્કબદ્ધ અને મુદ્દા આધારિત રાજનીતિ માટે તૈયાર કરવા આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે'. આ પ્રોજેક્ટમાં પાટીદારો સમાજના યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે, પરંતુ સાથે સાથે અન્ય લોકો પણ આ તાલીમ મેળવી શકશે.

MS યુનિ.માં ચાલતા તાલીમ કેન્દ્ર જેવી જ તાલીમ અપાશે
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ તાલીમ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં નહિ આવે. સમાજશાસ્ત્રી, સાઇકોલોજિસ્ટ, રાજકીય નિષ્ણાત ઉપરાંત હાલ સક્રિય રાજકારણમાં હોય એવા શ્રેષ્ઠ નેતાઓને બોલાવીને રાજનીતિજ્ઞ તાલીમ આપવામાં આવશે. આ માટે હાલ વડોદરા MS યુનિવર્સિટીમાં ચાલતા રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્રના અભ્યાસક્રમની જેમ જ અહીં પણ આ પ્રકારે તાલીમ આપવામાં આવશે.

આ ઉપરાંત સરદારધામ ખાતે મીડિયા તાલીમ કેન્દ્ર પણ શરૂ કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે, જેમાં ડીગ્રી-ડિપ્લોમા પ્રકારના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. એ માટે માન્ય યુનિવર્સિટીનું જોડાણ લેવા માટે કાર્યવાહી પણ ચાલી રહી છે.

રાજકારણમાં આવો છે પાટીદાર પાવર
રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જોતાં વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.

15 ટકા પાટીદારો અને 71 વિધાનસભા બેઠક પર પ્રભુત્વ
વર્ષોથી ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. રાજ્યના કુલ મતદારોના 15 ટકા મતદારો પાટીદાર છે તેમજ વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવે છે. બાબુભાઈ જશભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને હાલ ભૂપેન્દ્ર પટેલ, એમ રાજ્યને કુલ પાંચ પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. ગુજરાતમાં હાલ 44 ધારાસભ્ય, 6 લોકસભા અને 3 રાજ્યસભા સાંસદ પાટીદાર છે. તેવામાં સરદારધામ દ્વારા શરૂ કરવામાં આવનારા આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.