સરકાર હવે એલર્ટ થઈ:રાજ્યના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ, તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો

અમદાવાદએક વર્ષ પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • ટ્રેડ શો, ફ્લાવર શો, પતંગોત્સવ સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ
  • ગાંધીનગરમાં LRDની શારીરિક પરીક્ષા મૂળ તારીખે લેવામાં આવશે
  • અમદાવાદમાં સંત સંમેલનમાં સામેલ થયેલા શહેર ભાજપના 40 નેતા પોઝિટિવ

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે તેમજ ટ્રેડ શો સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે. ધોરણ 1થી 8ની સ્કૂલો ઓફલાઇન સંપૂર્ણ બંધ કરી ઓનલાઇન ચાલુ રાખશે, જ્યારે 9થી 11ની સ્કૂલો ઓડ ઇવન પદ્ધતિથી 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખશે.

રાજ્યના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ
રાજ્યમાં પ્રવર્તી રહેલ કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહી.

આરોગ્ય વિભાગે દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં રોગનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી, કોવિડ-19નાં દર્દીઓને સમયસ૨ સા૨વા૨ મળી રહે તથા આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે જાહેર આરોગ્યને લગત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ જો ૨જા ૫૨ હોય તો તેઓની ૨જા ૨દ કરીને તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવવામાં આવે છે, તથા આગામી સમય માટે કોઇ પણ અધિકારી/કર્મચારીની અનિવાર્ય સંજોગ સિવાય રજા મંજૂ૨ ક૨વામા આવશે નહીં.

સુરતમાં 7મીએ કિશોરોનું વેક્સિનેશન બંધ
સુરતમાં વેક્સિનનો સ્ટોક ખૂટી પડતા 7 જાન્યુઆરીએ કિશોરોનું વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે.

અમદાવાદનો ફ્લાવર શો રદ
ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને એ પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. એની સાથે સાથે પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.

ધો.1થી 8ની સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરોઃ ગુજરાત વાલી એકતા મંડળ
ગુજરાત વાલી એકતા મંડળે પણ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ બંધ કરીને ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ શરૂ કરવાની માંગ કરી છે. જ્યારે રાજ્યની સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરાવવા માટે NSUIએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ધોરણ 1 થી 8ની સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવાની માંગ સાથે NSUI જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે 24 કલાકમા વિદ્યાર્થીહીતમા નિર્ણય લેવા માંગ કર હતી.

વાઇબ્રન્ટ મોકૂફ રહેતાં LRDની શારીરિક કસોટી મૂળ તારીખે જ લેવાશે
વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં હવે ગાંધીનગર ખાતે 10,11,12 જાન્યુઆરીથી પાછળ લઈ જવામાં આવેલી LRDની શારીરિક પરીક્ષા મૂળ તારીખે લેવામાં આવશે. કોલ લેટરમાં જણાવેલી તારીખ અને સમયે કસોટી માટે પહોંચવાનું રહેશે. આ અંગે LRD ભરતી બોર્ડના ચેરમેન હસુમખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળની કોલેજો ઓફલાઇન બંધ કરવા રજૂઆત
કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી ગુજરાત રાજ્ય અધ્યાપકમંડળે કોલેજમાં શૈક્ષણિક કાર્યવાહી ઓફલાઈન બંધ કરીને ઓનલાઇન શરૂ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. અધ્યાપક મહામંડળે લખેલા પત્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ અધ્યાપકો સહિત શૈક્ષણિક સ્ટાફને કોરોના ન ફેલાય એ માટે વિનંતી કરવામાં આવી છે.

સંત સંમેલન બન્યું સુપર સ્પ્રેડરઃ શહેર ભાજપના 40 નેતા પોઝિટિવ
અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ કાર્યક્રમને કારણે અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટી શકે છે એવી DivyaBhaskarએ આશંકા વ્યક્ત કરી હતી.

ઉત્તરપ્રદેશમાં દિવ્ય કાશી- ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના માટે 4 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું. સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ-સંતો હાજર રહ્યા હતા.

આ સંતો હાજર રહ્યા હતા
આ સમારોહમાં યોગીશ્રી શેરનાથ બાપુ (જૂનાગઢ),નૌતમ સ્વામી, કથાકાર ગીતાદીદી, પ.પૂ હરિહરાનંદ (ભારતી આશ્રમ, અમદાવાદ), અક્ષરવત્સલ સ્વામી, આચાર્ય અવિચલદાસ મહારાજ, પ.પૂ લલિત કિશોરજી મહારાજ (લીંબડી), પરમાત્માનંદ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.

સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વિના આવ્યા હતા
આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી 50થી 100 લોકોને લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. AMTS બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ધજાગરા ઉડાવતા હોય એમ લોકો માસ્ક વગર ભીડમાં બેઠા હતા.

સંત સંમેલનમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે સાધુ-સંતોને ભોજન પીરસ્યું હતું.
સંત સંમેલનમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે સાધુ-સંતોને ભોજન પીરસ્યું હતું.

CM-CRએ સંતોને ભોજન પીરસ્યું હતું
આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

ડાબેથી પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણિ મહારાજ સહિત 500થી વધુ સંતો હાજર રહ્યા હતા.
ડાબેથી પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણિ મહારાજ સહિત 500થી વધુ સંતો હાજર રહ્યા હતા.

રાજ્યમાં 10994 એક્ટિવ કેસ અને 32 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યારસુધીમાં 8 લાખ 40 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 126 છે. તેમજ અત્યારસુધીમાં 8 લાખ 19 હજાર 523 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10994 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 10962 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં 1 જાન્યુઆરીથી નોંધાયેલાં કેસ, ડિસ્ચાર્જ અને મોત

તારીખકેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
કુલ89118718