કોણ બનશે ગુજરાતના DGP:DGPની રેસમાં સંજય શ્રીવાસ્તવ TOP પર, વિકાસ સહાય કે અજય તોમર અમદાવાદના પોલીસ કમિશનર બની શકે છે

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ કમિશનરની બદલીનો તખતો પણ તૈયાર

ગુજરાતમાં ચાલુ વર્ષે ઘણા સિનિયર IPS અધિકારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાનો પણ સમાવેશ થાય છે, જોકે તેમને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એને લીધે હવે તેઓ જુલાઈ સુધી રાજ્ય પોલીસવડાના પદે રહેશે. બીજી તરફ, નવા પોલીસવડા માટે પેનલ નામ મોકલવાની તૈયારી થઈ ગઈ છે, જેમાં હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ ટોપ પર છે, તેમનું લગભગ નક્કી થઈ ચૂક્યું છે.

ગુજરાતના હાલના DGP આશિષ ભાટિયા ઇન્વેસ્ટિગેશન અને મુશ્કેલમાં મુશ્કેલ કેસો ઉકેલવામાં માહેર છે. તેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે તેમની જગ્યા 1987ના બેચના સંજય શ્રીવાસ્તવ લે એ વાત લગભગ નક્કી છે.

તોમરનું નામ કેન્સલ થાય તો સહાય અમદાવાદ પોલીસ કમિશનર બની શકે
જ્યારે અજય તોમર અને વિકાસ સહાય બન્નેમાંથી એકને અમદાવાદ પોલિસ કમિશનર બનાવવામાં આવે એવી શક્યતા છે. જો અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશનર બનાવવામાં આવે તો તેમને ડીજી રેન્કનું પ્રમોશન આપવું પડશે. જો અજય તોમરનું નામ કેન્સલ થાય તો વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર બને એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેની સાથે સાથે ઘણા સમયથી રાજકોટ પોલીસ કમિશનરની પોસ્ટ ઈન્ચાર્જ દ્વારા ચાલી રહી છે, જે ચૂંટણી પહેલાં કાયમી કરવી પડશે અને એના માટે રાજુ ભાર્ગવનું નામ નક્કી માનવમાં આવે છે. જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમર અને રાજકુમાર પાંડિયનનાં નામ ચર્ચામાં છે.

નિવૃત્તિ આડે છ મહિના બાકી હોય તો જ DGP બની શકાય
રાજ્યના પોલીસવડા ક્યારે નિવૃત્ત થશે અને નવા DGP તરીકે કોને મૂકવામાં આવશે એ અંગે IPS લોબીની સાથે રાજકીય લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે પોલીસવડા આશિષ ભાટિયા નવી ગાઇડલાઇન પ્રમાણે, બે મહિના એક્સટેન્શન મેળવી જુલાઇમાં વિધિવત રીતે નિવૃત્ત થશે. તેવામાં નવા DGP ઓગસ્ટ મહિનામાં ચાર્જ સંભાળશે. નવા પોલીસવડાનો નિર્ણય દિલ્હીથી કરવામાં આવશે. રાજ્ય સરકારે તો ફક્ત નિયમ પ્રમાણે પેનલ નામ મોકલવાનાં રહેશે. આમ, નવા આવનારા DGPને નિવૃત્તિનો સમય બે વર્ષથી ઓછો બાકી હોય તો તેમને એક્સટેન્શન આપવાની ફરજ પડશે. છ મહિનાનો સમય બાકી હોય તે જ IPS રાજ્યના નવા પોલીસવડા બની શકે એવો નિયમ હોવાથી એ રીતે જ પેનલમાં નામ જઇ શકે છે. જો સંજય શ્રીવાસ્તવને પોલીસવડા બનાવવામાં આવે તો તેમને સૌથી વધુ એક્સટેન્શન આપવું પડશે.

કરવાલ ડેપ્યુટેશન પરથી પરત ફરશે તો સ્પર્ધા થશે
તાજેતરમાં ચર્ચા ચાલી હતી કે અતુલ કરવાલ ફરી ગુજરાત પરત આવે તો તેમનું નામ સંજય શ્રીવાસ્તવની સમકક્ષ થઈ જશે અને તેમની DGP બનવાની શક્યતા પણ વધી શકે છે, પરંતુ હાલપૂરતી અતુલ કરવાલ ગુજરાત આવે એવી કોઈ શક્યતા દેખાતી નથી, જેથી સંજય શ્રીવાસ્તવ ગુજરાતના નવા પોલીસવડા બનશે.

1985ની બેચના રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા નિવૃત્ત થયા બાદ 1987ની બેચના IPS અધિકારી સંજય શ્રીવાસ્તવ અને તેમના પછીના અધિકારીઓની પેનલમાં નામ જશે. જોકે નવા DGPની રેસમાં પ્રથમ નંબરે સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ અને વિકાસ સહાયનું નામ પેનલમાં આવી શકે તેમ છે. અતુલ કરવાલ હાલ ડેપ્યુટેશન પર છે, જેથી તેઓ ગુજરાત આવ્યા બાદ જ તેમનું નામ આગળ જશે અન્યથા અનિલ પ્રથમ પણ એમાં સામેલ થશે, જોકે અંતિમ નિર્ણય સરકારનો જ રહશે.

પોલીસવડા તરીકે બે વર્ષનો કાર્યકાળ ફરજિયાત
બે વર્ષ પહેલાં એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે રાજ્યના પોલીસવડા માટે હવે બે વર્ષનો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો છે. એના આધારે યુપી, મધ્યપ્રદેશ, કેરળ, તામિલનાડુ સહિતનાં રાજ્યોમાં પણ બે વર્ષમાં સમય ખૂટતો હોય તેવા રાજ્ય પોલીસવડાને એક્સટેન્શન આપવામાં આવ્યા છે. આમ હવે તમામ રાજ્યના પોલીસવડાઓને બે વર્ષમાં જેટલો સમય ખૂટતો હશે એ નિયમ પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે.

ACBના ફુલ ચાર્જ માટે પણ વિકાસ સહાયનું નામ પણ ચર્ચામાં
આ બધાની વચ્ચે ACBનો ફુલ ચાર્જ વિકાસ સહાયને સોંપીને રાજ્યમાં લાંચ-રુશ્વત સંદર્ભે કડક કાર્યવાહી કરવા માટે નિમણૂક થશે, એમ પણ માનવામાં આવી રહ્યું છે. વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહની જગ્યાએ પ્રમોશન સાથે આવનારા અધિકારી કે.એલ.એન. રાવ પણ દાવેદાર છે. હવે આગામી મહિનાઓમાં ગુજરાતમાં મહત્ત્વની પોલીસની જગ્યા બદલાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...