અમદાવાદમાં 31 ડિસેમ્બરે ઘણી જગ્યાએ દારૂની મહેફિલો યોજાઈ હતી અને ઘણા પોલીસ સ્ટેશનમાં પોલીસે દારૂડિયાને પકડ્યા પણ ખરા પરંતુ હવે આજે અમદાવાદની અંદર આવેલી સૌથી મોટી સિવિલ હોસ્પિટલને અડીને આવેલી મેન્ટલ હોસ્પિટલ પાસે દારૂની મહેફિલ યોજાઈ હતી અને પોલીસે આરોપીને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. આ મહેફિલ કોઈ સામાન્ય લોકો નહીં પણ હોસ્પિટલના કર્મચારીઓ જ માણતા હોવાની વિગતો સામે આવી છે. જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થઈ રહ્યો છે.
લોકોએ સેનેટરી ઇન્સ્પેક્ટર પકડીને પોલીસને જાણ કરી
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર મેઘાણીનગરની હદમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દારૂની મહેફીલ માણી રહ્યા હતા. ત્યારે કેટલાક જાગૃત લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ જોઇને સેનેટરી ઇન્સ્પેક્ટર ત્યાંથી ભાગ્યા હતા. જોકે, તેમાંથી એક સેનેટરી ઇન્સ્પેક્ટર સિવિલ હોસ્પિટલ તરફ ભાગી રહ્યો હતો જેને લોકોએ પકડીને પોલીસને જાણ કરી હતી.
હોસ્પિટલમાં દારૂની મહેફિલ મામલે હદનો વિવાદ શરૂ
સૌ પ્રથમ મેઘાણીનગર પોલીસ પહોંચી હતી અને આ મામલે હદનો વિવાદ શરૂ થયો હતો. મેઘાણીનગર પોલીસે આ બનાવ શાહીબાગની હદમાં બન્યો હોવાનું જણાવતા લોકો શાહીબાગ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા. શાહીબાગ પોલીસે આ બનાવ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાનું કહીને હાથ ઊંચા કર્યા અને ફરિયાદ દેવામાં આવી ન હતી.
જોકે, આ અંગે ઝોન ચારના ડીસીપી કાનન દેસાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ અંગે ફરિયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.