ભાસ્કર ઇનડેપ્થભાજપનું 'O' ફોર ઓપરેશન:સંઘાણીએ દિવાળીના રામ રામ કહેવા ફોન કર્યો, હાઈકમાન્ડે કહ્યું- આગળ વધો; આમ પાર પડ્યું ઓપરેશન મોહનસિંહ રાઠવા

અમદાવાદએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

સતત 11 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા કોંગ્રેસના છોટાઉદેપુર બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ એકાએક કોંગ્રેસને અલવિદા કરી ભાજપની ટોપી પહેરી લીધી છે. મોહનસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે તો યથાવત જ રહ્યા છે પણ કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે આદિવાસી વોટ બેંકમાં બહુ મોટો સંદેશો ભાજપની તરફેણમાં ગયો છે. સમગ્ર મામલો અને ઓપરેશન રાઠવા સંઘનાં દિગ્ગજ નેતા અને મોદીની નજીકનાં ગણાતા દિલીપ સંઘાણીએ પાર પાડ્યું છે.

સબંધ સાચવવામાં દિલીપ સંઘાણીની ખૂબ સારી આવડત
વાત કરીએ છીએ દિલીપ સંઘાણીની કે જેઓ ગુજકોમાસોલ સાથે હાલ સક્રિય રીતે કામ કરે છે પરંતુ એટલી જ સક્રિયતા પક્ષ માટે પણ તેઓ રાખી રહ્યાં છે. દિલીપ સંઘાણી માટે એમ કહેવાય કે તેઓ પોતાનો ગમે એટલો જૂનો સબંધ હોય, એ સબંધ સાચવવામાં તેઓ ખૂબ સારી આવડત ધરાવે છે. આવું જ કંઈક થયું છે મોહનસિંહ રાઠવાના કિસ્સામાં.

દિલીપ સંઘાણી સાથે મોહનસિંહ રાઠવા
દિલીપ સંઘાણી સાથે મોહનસિંહ રાઠવા

નવા વર્ષના રામ રામ કહેવા મોહનસિંહ રાઠવાને ફોન
ગત અઠવાડિયે નિયમિતપણે દિલીપ સંઘાણીએ નવા વર્ષના રામ રામ કહેવા મોહનસિંહ રાઠવાને ફોન કર્યો હતો. આ દરમિયાન તેમની વચ્ચે લગભગ 17 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ વાતચીતમાં સામાન્ય, સામાજિક અને ચૂંટણીલક્ષી વાત તો હતી પરંતુ સાથે સાથે તેમાં આદિવાસી વિસ્તાર માટેની સરકારી યોજનાઓ અંગેની વાતચીત પણ ઉમેરાઈ હતી.

મોહનસિંહ રાઠવાને ભાજપનો ખેસ પહેરાવાયો
મોહનસિંહ રાઠવાને ભાજપનો ખેસ પહેરાવાયો

દિલીપ સંઘાણીના વિદેશ પ્રવાસથી વાતચીત અટકી
આ વાતચીતમાં એકાએક દિલીપ સંઘાણીએ મોહનસિંહ રાઠવાને ભાજપમાં જોડાવવા માટેની ઈચ્છા પુછતાં તેમણે વિચારી અને રૂબરૂ મળીશું તેવી વાત કરી અને ફોન પૂરો કર્યો હતો. આ વાતચીત બાદ દિલીપ સંઘાણીને વિદેશ પ્રવાસ જવાનું થતાં મોહનસિંહ રાઠવા સાથેની વાતચીત અટકી પડી હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચિમનભાઈ પટેલ સાથે મોહનસિંહ રાઠવા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચિમનભાઈ પટેલ સાથે મોહનસિંહ રાઠવા

વિદેશ પ્રવાસથી પરત ફરતા મુલાકાત કરી
ગત રોજ જ દિલીપ સંઘાણી વિદેશ પ્રવાસ કરી પરત કર્યા બાદ તેમણે અધુરી વાત પૂરી કરવા માટે મોહનસિંહ રાઠવા સાથે ફરી વાતચીત કરીને રૂબરૂ મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગત મોડી રાત્રે અંદાજે 10 વાગ્યે મોહનસિંહ રાઠવા દિલીપ સંઘાણીના ઘરે પહોંચ્યા હતા અને વાતચીતનો દૌર શરૂ થયો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મોહનસિંહ રાઠવા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મોહનસિંહ રાઠવા

દોઢ કલાક સુધી વાતચીતનો દૌર ચાલ્યો
અંદાજે દોઢ કલાક એટલે કે રાત્રીના 11.30 વાગ્યા સુધી વાતચીત ચાલી હતી જેમાં દિલીપ સંઘાણીએ મોહનસિંહ રાઠવાને કહ્યું કે, સરકાર તો ભાજપની બનવાની જ છે પણ સરકારની આદિવાસી સમાજ માટેની જે વિવિધ યોજનાઓ છે તેના અમલીકરણ અને અસરકારક કામગીરી માટે મોહનસિંહ રાઠવા જેવા સક્ષમ વ્યક્તિની ભાજપ પાર્ટીને જરૂર હોવાની વાત કરી હતી.

વાતચીત બાદ ભાજપમાં જોડાવાની ઈચ્છા વ્યકત કરી
આ પ્રકારની વાતચીત અંદાજે દોઢ કલાક સુધી ચાલ્યા બાદ બંને નેતાઓ છુટા પડ્યા હતા. છુટા પડતી વખતે મોહનસિંહ રાઠવા ભાજપ સાથે જોડાવાની ઈચ્છા વ્યકત કરી રવાના થયા હતા. આ મુલાકાત બાદ તાત્કાલિક જ દિલીપ સંઘાણીએ કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી અને મોહનસિંહ રાઠવાની ઈચ્છા અંગે માહિતગાર કરતાં કેન્દ્રીય નેતૃત્વએ પણ લીલી ઝંડી આપી હતી.

2019ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે મોહનસિંહ રાઠવાની પસંદગી
2019ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે મોહનસિંહ રાઠવાની પસંદગી

મંજૂરી મળતા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી મળી ગઈ હોવાની મોહનસિંહ રાઠવાને જાણ કરવા દિલીપ સંઘાણીએ મોહનસિંહ રાઠવાને ફોન કર્યો અને તેમની સાથે ગાંધીનગરની ગુજકોમાસોલ ઓફિસ ખાતે મુલાકાત કરવા જણાવતાં બંને નેતાઓ ગુજકોમાસોલ ઓફિસ ખાતે મળ્યા હતા. જ્યાં ભાજપ કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી મળ્યાની વાતચીત થતાં જ તાત્કાલિક મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસના તમામ સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

આમ, દિલીપ સંઘાણીનો 17 મિનિટ સુધી મોહનસિંહ રાઠવાને કરવામાં આવેલો ફોન ભાજપ માટે બહુ મોટું કામ કરી ગયો હતો. જો દિલીપ સંઘાણીને વિદેશ પ્રવાસ ના જવાનું થયું હોત તો કોંગ્રેસને એક સપ્તાહ અગાઉ જ આંચકો આવી ગયો હોત.

કોંગ્રેસ નેતા અહેમદ પટેલ સાથે મોહનસિંહ રાઠવા
કોંગ્રેસ નેતા અહેમદ પટેલ સાથે મોહનસિંહ રાઠવા

મોદી સરકારે આપ્યું તે ક્યારેય કોંગ્રેસે નથી આપ્યું: સંઘાણી
ત્યારે આ અંગે દિલીપ સંઘાણીએ આ અંગે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજ માટે જે યોજનાઓ જાહેર કરી તેનાથી આદિવાસીઓમાં ખૂબ ખુશી હતી. આ યોજનાને ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક શ્રેષ્ઠ નેતૃત્વની જરૂર હતી. આદિવાસી સમાજની લાગણી હતી કે, 11 વખતથી ચૂંટાઈ આવો છો, મોદી સરકારે આપ્યું તે ક્યારેય કોંગ્રેસે નથી આપ્યું તો તમે ભાજપ સાથે જોડાઈ જાવ.

સોમવારે પરત આવતા ફરી રાઠવાનો સંપર્ક કર્યો
હું મારા સ્વભાવ મુજબ થોડા થોડા દિવસે બધા મિત્રો સાથે વાતચીત કરતો હોઉં છું. એ જ રીતે રાઠવા સાથે પણ વાતચીત કરતો હતો. દિવાળીમાં નવા વર્ષનાં રામ રામ કરવાની સાથે સાથે ભાજપમાં આવવા મેં તેઓને કહ્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તમે ફોરેનથી પરત આવી જાવ પછી મળીશું અને નિરાંતે બેસીને ચર્ચા કરીશું. સોમવારે પોતે પરત આવતા ફરી રાઠવાનો સંપર્ક કર્યો હતો. અને ગઈકાલે સાંજે તેઓ મારા ઘરે આવ્યા હતા અને રાત્રે 11 વાગ્યા સુધી ચર્ચા કરી હતી.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ સાથે મોહનસિંહ રાઠવા
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ સાથે મોહનસિંહ રાઠવા

ભાજપ કાર્યાલયે તેમના સ્વાગતનો ખાસ કાર્યક્રમ યોજાયો
દરમિયાન તેમણે ભાજપમાં આવવાની તૈયારી દર્શાવતા મેં હાઈકમાન્ડને જાણ કરી હતી અને હાઈકમાન્ડ દ્વારા મને આગળ વધવાની સૂચના આપવામાં આવી હતી. આ પછી મંગળવાર સવારે મેં તેમને મારી ઓફિસે બોલાવ્યા હતા. જ્યાંથી સ્થાનિક નેતાઓને આ અંગે જાણ કરવામાં આવી હતી અને પછી ભાજપ કાર્યાલય ખાતે તેમનું સ્વાગત કરવા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ સાથે તાલાલાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભગાભાઈ બારડ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે જેને લઇ પણ સંઘાણીએ જણાવ્યું હતું કે ભગભાઇ ભાજપમાં જોડાય માટે બે વર્ષ પૂર્વે પણ વાત થઇ હતી. હાલની મને ખબર નથી પણ આવે તેવી પુરી શક્યતાઓ જોડાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...