ચૂંટણી પહેલાં અધિકારીની ભેદી રીતે આત્મહત્યા:સાણંદના પ્રાંત ઓફિસર રાજેન્દ્ર પટેલનું ફ્લેટના પાંચમા માળેથી નીચે પડતાં મોત, પરિવારને હત્યાની આશંકા

અમદાવાદ9 દિવસ પહેલા

ગુજરાતમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ડેપ્યુટી કલેકટર (SDM) તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી આર કે પટેલનું આજે વહેલી સવારે ભેદી સંજોગોમાં મોત થયું છે. SDM પટેલનો મૃતદેહ સાણંદ ખાતે તેમના ફ્લેટની પ્રિમાઈસીસમાં મળ્યો હતો. પોલીસનું અનુમાન છે કે SDM પટેલે ધાબા પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હોઈ શકે છે. જ્યારે તેમના પરિવારનો આક્ષેપ છે કે આ આપઘાત નથી પરંતુ હત્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંત અધિકારી તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને મોડી રાત્રે 3 વાગ્યા સુધી તેઓ ચૂંટણીનું કામકાજ કરી રહ્યા હતા. જ્યારે આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું.

કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે, આખી રાત સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને વહેલી સવારે તેઓ ઘરે આવ્યા બાદ તેમણે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તેમના આપઘાત બાદ રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે. અગાઉ તેઓ અંબાજી દેવસ્થાનના વહીવટદાર પણ હતા. અચાનક આપઘાત કરી લેવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલના અચાનક આપઘાત બાદ આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

નિર્મિત ફ્લોરામાં 15 દિવસ પહેલાં જ રહેવા આવ્યા હતા.
નિર્મિત ફ્લોરામાં 15 દિવસ પહેલાં જ રહેવા આવ્યા હતા.

પરિવારને આપઘાત નહીં હત્યાની આશંકા
રાજેન્દ્ર પટેલના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ ક્યારેય આત્મહત્યા કરી જ શકે નહીં. અમને લાગે છે કે, તેમની સાથે અન્ય કોઈ બનાવ બન્યો હશે. એટલે તેની તપાસ કરવામાં આવે તો વાત સ્પષ્ટ થઈ જશે. આમ કહીને પરિવાર એસડીએમની હત્યા તરફ શંકા કરી રહ્યું છે. એટલું જ નહીં, પરિવારજનો કહી રહ્યા હતા કે, તે જરા પણ ડિપ્રેશનમાં નથી અને તે માતાજીના ઉપાસક હતા. ઘણા વર્ષથી તે માતાજીની ઉપાસના કરે છે અને તેને જરા પણ ક્યારેય ચિંતા હોય એવું લાગ્યું નથી. સતત માતાજીની ઉપાસના કરતા હતા અને અંબાજીમાં સારી ફરજ નિભાવી હતી. ગુજરાતનો મોટો ભાદરવી પૂનમના મેળામાં સારી વ્યવસ્થા કરી હતી. આમ પોતાની ફરજને સારી રીતે નિભાવવા માટે કટીબદ્ધ અધિકારી છે. એટલે આત્મહત્યા કરી કેમ એ માનવવા આવે એવી વાત નથી.

કોંગ્રેસે શોક વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસની માગ કરી
કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સાણંદના SDM રાજેન્દ્ર પટેલના આપઘાત પર શોક વ્યક્ત કરીએ છીએ. અને માંગ કરીએ છીએ કે, આ આપઘાત પાછળના કારણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. શું ભાજપ સરકારને કોઈના જીવની પરવા જ નથી? ચૂંટણીની જવાબદારી નિભાવી રહેલા અધિકારીના મૃત્યુના કારણોની શું ચૂંટણી પંચ કોઈ તપાસ કરશે? તેવો સવાલ કર્યો હતો.

ફ્લેટના પાંચમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી
અમદાવાદના સાણંદ SDM રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી છે, જેમાં ફ્લેટના પાંચમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી છે. એમાં પ્રેરણાતીર્થ સોસાયટી પાસેની ઘટના છે. થોડા સમય પહેલાં જ સાણંદ પોસ્ટિંગ થયું હતું, જેમાં સાણંદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ તેમજ પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. તેઓ અમદાવાદના સાણંદના પ્રાંત ઓફિસર હતા.

ઘટનાસ્થળની તસવીર.
ઘટનાસ્થળની તસવીર.

15 દિવસ પહેલાં જ રહેવા આવ્યા હતા
રાજેન્દ્ર પટેલ નિર્મિત ફ્લોરા સોસાયટીના B-403 માં રહેતા હતા. તેઓ 15 દિવસ પહેલાં જ અહીં રહેવા આવ્યા હતા. આપઘાત પહેલાં તેમણે કોઈ ચિઠ્ઠી લખી છે કે નહીં એ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ તેમજ પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...