9 વર્ષની બાળકીની મોટી સિદ્ધિ:ધો.4માં ભણતી સામ્યાએ તબિયત બગડી છતાં હિંમત ન હારી, 17 હજાર ફૂટ ઊંચાઈએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

'કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો' આ કહેવતને સાચા અર્થમાં 9 વર્ષની બાળકીએ સાકાર કરી બતાવી છે. અમદાવાદના મેમનગરમાં રહેતી અને ચોથા ધોરણમાં ભણતી સામ્યા પંચાલ તેનાં માતા-પિતા સાથે રહે છે. તેને નવ વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ જે 17,598 ફૂટ ઊંચાઈએ આવેલો છે એને સર કર્યો છે. એના માટે મુખ્યમંત્રીથી લઈને અનેક મંત્રીઓ તેને અભિનંદન આપી ચૂક્યા છે.

સામ્યા ગુજરાતની નાની ઉંમરની પહેલી છોકરી બની
સામ્યાના પિતા મૌલિક પંચાલ એક બિઝનેસમેન છે અને પર્વતારોહણ કરે છે. તેમને વિચાર આવ્યો કે તેમની દીકરીને સૌથી નાની ઉંમરની છોકરી બનાવવી છે, જે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી હોય. જોકે બે વર્ષ કોરોનાને કારણે તેઓ જઈ ન શક્યા. નહિતર સામ્યા ઇન્ડિયાની સૌથી નાની ઉંમરે બાળકી બનત, જેણે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો હોય. કોરોના બાદ એપ્રિલ 2022માં સામ્યા નવ વર્ષની હતી ત્યારે તેના પિતા અને માતા સાથે 17,598 ફૂટ ઊંચાઈએ આવેલો બેઝ કેમ્પ સર કરવાનું નક્કી કર્યું અને ગુજરાતની નાની ઉંમરની પહેલી છોકરી બની, જેણે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો હોય.

માઉન્ટ એવરેસ્ટ સર કરવવા માટે ત્રણ મહિના ટ્રેનિંગ
સામ્યા માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે તેના પિતા પાસે ત્રણ મહિનાની ટ્રેનિંગ લીધી હતી. એમાં તે ફિઝિકલ ટ્રેનિંગ તેમજ એક કલાક વોકિંગ કરતી હતી, સાથે જ ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. આ સાથે તેના પિતાએ પણ તેમનું વજન ઉતાર્યું હતું, જેથી કરીને એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચવા માટે કોઈ તકલીફ ન પડે.

9 વર્ષની સામ્યાને અનેક અવૉર્ડ મળ્યા
સામ્યા આ સિદ્ધિ બદલ તેને અને અનેક અવૉર્ડ મળ્યા છે. એમાં નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવા માટે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ અવૉર્ડ મળ્યો છે. આ પહેલાં પણ તે મનાલીના 10 હજાર ફૂટ ઊંચા ટ્રેક પર જઈને આવી છે. આ ઉપરાંત વિશ્વકર્મા સમાજ દ્વારા પણ તેની આ સિદ્વિુ માટે સન્માન કરવામાં આવ્યું છે.

બેઝ કેમ્પ સર કરવાના સમયે સામ્યાની પરીક્ષા
માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાનું સામ્યાએ નક્કી કર્યું ત્યારે તેની સ્કૂલમાં પરીક્ષા હતી. એને કારણે અમે મૂંઝવણમાં મુકાયા હતા. જોકે ત્યાર બાદ સ્કૂલને રિકવેસ્ટ કરી અને સ્કૂલ દ્વારા એકલી સામ્યા માટે વહેલી પરીક્ષા લીધી અને એ પરીક્ષા આપ્યા પછી તે ટ્રેક માટે નીકળી હતી.

જીવનમાં સફળતાનો એવરેસ્ટ સર કરે: CM
નાની વયે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચવા બદલ CM ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા સંદેશ આપ્યો હતો. એમા લખ્યું હતું કે નવ વર્ષની નાનકડી વયે 17,598 ફૂટ ઊંચાઇએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવા બદલ અનેકાનેક અભિનંદન. બાળપણની જિજ્ઞાસા તથા ઉત્સાહ અને વડીલોનું માર્ગદર્શન તથા સાથ-સહકાર, સફળતાનો પથ નિશ્ચિત કરે છે. વળી, કેમ્પિંગ તથા રમત-ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓ આત્મવિશ્વાસ અને ધીરજ જેવા ગુણો વિકસાવે છે. વિવિધ કપરી પરિસ્થિતિનો સામનો કરીને પણ તું જે રીતે આગળ વધી છે અને એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો છે એવી જ રીતે જીવનમાં સફળતાનો એવરેસ્ટ સર કરે એવા શુભાશિષ.

7 વર્ષની હતી ત્યારે બેઝ કેમ્પ સર કરવાનો ઇરદો: મૌલિક પંચાલ
સામ્યાના પિતા મૌલિક પંચાલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સાત વર્ષની સામ્યા હતી ત્યારે તેને મારે માઉન્ટેઇન બેઝ કેમ્પ સર કરવાનો ઇરાદો હતો. ત્યારે આ બેઝ કેમ્પ સર કર્યો હોત તો ઇન્ડિયા લેવલની સૌથી નાની વયની આ સિદ્ધિ હાંસલ કરનાર છોકરી બનત, પરંતુ કોરોનાના કારણે બે વર્ષ અમારે રાહ જોવી પડી. માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચવા અમે ત્રણ મહિનાથી ફિઝિકલ ટ્રેનિંગ લેતા હતા. બેઝ કેમ્પ પર પહોંચવા માટે અમને 12 દિવસ લાગ્યા. સામ્યાને આટલી હાઈટ પર લઈ જતી વખતે અમને કચવાટ પણ હતો કે તેને કંઈ થઈ જશે. કોઈ તકલીફ ઊભી થશે તો? જોકે નાનીમોટી તકલીફો પડી પણ મેજર કોઈ તકલીફ અમને નથી પડી. આ બેઝ કેમ્પ સર કરવા અમારે 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે.

7 ખંડનાં સૌથી ઊંચાં ત્રણ શિખર સર કર્યા
સામ્યાના પિતા મૌલિક પંચાલને પર્વતારોહણનો શોખ છે. તેમણે કહ્યું, તેમણે સાત ખંડનાં સૌથી ઊંચાં ત્રણ શિખર સર કર્યા છે અને તેમની દીકરી સૌમ્યાને પણ આ ત્રણ શિખરો જે યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં છે તેને સર કરાવવા છે એવી ઈચ્છા છે. જોકે એનો ખર્ચ વધી જાય એમ છે, જેને લઈને અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ.

'મને બધી સીઝનનો અનુભવ આ ટ્રેક દરમિયાન થયો'
નવ વર્ષની ગુજરાતની સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનારી સામ્યાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ટ્રેક દરમિયાન મને બધી સીઝનનો અનુભવ થયો. ગરમી, બરફ વરસાદનો પણ અનુભવ થયો અને આ દરમિયાન તબિયત પણ બગડી હતી, પરંતુ હિંમત હાર્યા વગર મેં આ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો. ખૂબ જ એક્સાઈટ હતી, પણ મને એવું પણ હતું કે હું કરી શકીશ કે નહીં. મારી તબિયત બગડશે તો? એટલે તમામ પડકારો વચ્ચે અમે બેઝ કેમ્પ સુધી પહોંચ્યા આગળ મારે એકોન્કાગુઆ ટ્રેક પર જવું છે.

અન્ય સમાચારો પણ છે...