હાટકેશ્વર બ્રિજમાં નબળી ગુણવત્તાના બાંધકામના કારણે બ્રિજમાં અવારનવાર ગાબડાં પડ્યા છે જેના કારણે બ્રિજ 7 મહિનાથી બંધ છે. હાટકેશ્વર બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર કંપની અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રગતિનગર- પલ્લવ ચાર રસ્તા પર બની રહેલા બ્રિજની કામગીરી પણ સોંપવામાં આવી છે. હાટકેશ્વર બ્રિજની ગુણવત્તા સામે સવાલ ઊભા થતા સાથે જ પલ્લવ બ્રિજની વિજિલન્સ ખાતા દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 30થી 40 ટકા જેટલી બ્રિજની કામગીરી કરવામાં આવી છે. ત્યારે બ્રિજના કોલમ ભરવાથી લઈને તેમાં વપરાતું મટીરીયલ વગેરેના સેમ્પલો પણ લેવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે અને હાલમાં આ બ્રિજની કામગીરી પર ખાસ નજર વિજિલન્સ દ્વારા રાખવામાં આવી રહી છે.
પ્રગતિનગર બ્રિજના સેમ્પલો લેવામાં આવ્યા
પ્રગતિનગર- પલ્લવ બ્રિજ 104 કરોડથી વધુના ખર્ચે બનવા જઈ રહ્યો છે. વર્ષ 2019માં આ બ્રિજ બનાવવાનું ટેન્ડર પ્રક્રિયા કરી અને વર્ષ 2021માં આ બ્રિજ બનાવવાની કામગીરી અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવી હતી. આ બ્રિજની કામગીરી અત્યારે ચાલી રહી છે ત્યારે હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ પ્રિન્સિપલ કોર્પોરેશન તંત્ર હવે ફરીથી આ કોન્ટ્રાક્ટર કંપની દ્વારા બનાવવામાં આવતા બ્રિજમાં કોઈ બેદરકારી ન રાખવામાં આવે તેના પગલે પ્રગતિનગર બ્રિજના કામગીરીના સેમ્પલો લેવામાં આવ્યા છે. બ્રિજના બનાવેલા કોલમ, બ્રિજના જોઈન્ટ વગેરે જગ્યા ઉપરથી સેમ્પલો લઈ અને સરકારી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલ્યા છે. વિજિલન્સ ખાતાના અધિકારીઓ દ્વારા પણ આ બ્રિજની મુલાકાત લેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અધિકારીઓ અને કર્મચારીઓ પર વિજિલન્સ તપાસ
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજની વિજિલન્સ તપાસની સૂચના આપવામાં આવતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. વર્ષ 2014-15માં ટેન્ડર થયું અને 2015માં બ્રિજ બનવાની શરૂઆત થઈ ત્યારથી લઇ અને વર્ષ 2017માં બ્રિજ બનીને લોકોના વપરાશ માટે શરૂ થયો ત્યાર સુધીમાં બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બ્રિજમાં કામગીરી કરનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર વિજિલન્સ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પાંચ જેટલા અધિકારી- કર્મચારીઓને બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. રોડ એન્ડ બિલ્ડીંગ તેમજ બ્રિજ પ્રોજેક્ટના સિટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રાક્ટર સહિતના અધિકારીઓ હતા તેમની સામે તપાસ થશે.
2022માં બ્રિજને બંધ કરવાની ફરજ પડી
હાટકેશ્વર બ્રિજમાં ગાબડાં પડ્યા બાદ બ્રિજની ચાર અલગ અલગ ખાનગી લેબોરેટરીઓમાં બ્રિજના કરવામાં આવ્યા હતા. જેમાં બ્રિજ બનાવનાર કંપની અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ બ્રિજ અવારનવાર ગાબડાં પડતા હતા જેથી ઓગસ્ટ 2022માં બ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી. ભાજપના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.