શહેરમાં ચાઇનીઝ દોરીના ઉપયોગ, વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ હોવા છતાં કેટલીક ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ઓનલાઇન વેચાણ થઈ રહ્યું છે. જોકે હાલ આ વેબસાઇટ પર દોરીનો સ્ટોક અવેલેબલ ન હોવાનું દર્શાવાય છે. એક વેપારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ચાંદખેડા, સાબરમતી અને સરદારનગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાઈ રહી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ, ધોળકા અને દસ્ક્રોઈમાંથી પતંગ-દોરીનો વ્યવસાય કરનારા કેટલાક વેપારીઓ કાર ભરીને ચાઇનીઝ દોરી વેચવા માટે લઈ ગયા છે.
પતંગ અને દોરીનું વેચાણ કરનારા સરદારનગર વિસ્તારના એક વેપારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, યુવાનો દ્વારા દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક વેપારીઓએ દોરીનો જથ્થો ગોડાઉનમાં છુપાવીને રાખ્યો છે તેમ જ ઓનલાઇન પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. શનિવારે જાહેરનામું બહાર પડ્યા પછી ઓનલાઇન વેચાણ કરતી વેબસાઇટ પર સ્ટોક નહીં હોવાનું દર્શાવાયું હતું. ચાંદખેડા, સાબરમતી અને સરદારનગરમાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરનારા વેપારીઓ પાસેથી લોકો બેરોકટોક ચાઇનીઝ દોરીની ખરીદી કરી રહ્યા છે, એટલું જ નહીં બાળકો પણ પ્રતિબંધિત દોરીનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે.
શનિવારે ગૃહ વિભાગ દ્વારા ચાઇનીઝ દોરીના ઉપયોગ, વેચાણ અને ખરીદી સહિત કોઈ પણ રીતે આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા પ્રતિબંધ હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે તે પહેલાં જ પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા ઘણા લોકોની ધરપકડ કરી હતી.
ચાઇનીઝ દોરીના 59 રીલ સાથે વધુ એકની ધરપકડ કરાઈ
દહેગામથી એક રિક્ષાચાલક પ્રતિબંધિત ચાઇનીઝ દોરી લઈને નરોડા આવતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હંસપુરામાં એસટી બસ સ્ટેન્ડ પાસેથી રિક્ષાચાલકને પકડી પાડ્યો અને તેની પાસેથી ચાઇનીઝ દોરીના 59 રીલ જપ્ત કર્યાં હતાં. આ સાથે પોલીસે રિક્ષાચાલક પ્રદીપ જેઠાનંદ મુલચંદાની (ઉં.38, માયા ફ્લેટ, કુબેરનગર)ની ધરપકડ કરી હતી. આ દોરી તે દહેગામના કેતન ઉર્ફે બિન્ટુ પાસેથી લાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.