ગાંધીજીની આત્મકથા પર કોરોનાનું ગ્રહણ:વાર્ષિક સરેરાશ 1.25 લાખ સામે બે વર્ષમાં 81 હજારનું વેચાણ!

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સત્યના પ્રયોગોની હિન્દી ઉપરાંત 14 પ્રાદેશિક ભાષામાં 59 લાખ નકલ વેચાઈ

ગાંધીજીની આત્મકથાના વેચાણ પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. વાર્ષિક સરેરાશ 1.25 લાખ નકલોના વેચાણ સામે કોરોનાકાળનાં બે વર્ષમાં 81 હજાર નકલોનું જ વેચાણ થયું છે. વર્ષ 2009માં ગાંધી નિર્વાણને 60 વર્ષ થતાં કોપીરાઇટ એક્ટ મુજબ તેમણે લખેલાં તમામ પુસ્તકો અને લખાણો પબ્લિક ડોમેન ઉપર આવી ગયાં હતાં. મહાત્મા ગાંધીની મૂળ ગુજરાતીમાં લખેલી આત્મકથા ‘મારા સત્યના પ્રયોગો’ અથવા આત્મકથાની કુલ 16 ભાષામાં 59 લાખ નકલો નવજીવન ટ્રસ્ટે વેચી છે.

સૌથી વધુ 21.24 લાખ નકલો અંગ્રેજી આવૃત્તિની વેચાઈ છે. ત્યારબાદ મલયાલમમાં 8.52 લાખ અને તમિલમાં 7.61 લાખ નકલો વેચાઈ છે. ગુજરાતીમાં 6.87 લાખ નકલો વેચાઈ છે. કોરોના અને લૉકડાઉનના કારણે આત્મકથાના વેચાણ પર ગંભીર અસર પડી જેના કારણે તમામ ભાષાની સરેરાશ 1.25 લાખ નકલોને બદલે વર્ષ 2020-21માં 27,433 નકલો અને વર્ષ 2021-22માં સ્થિતિ થોડી સુધરતાં 53,511 નકલોનું વેચાણ થયું.

નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી કપિલ રાવલે જણાવ્યું કે 2009માં સંસ્થાએ ગાંધીજીનાં લખાણો પબ્લિક ડોમેનમાં આવતાં સંસ્થાને ચિંતા હતી કે મોટા પ્રકાશકો માર્કેટમાં આધિપત્ય મેળવી શકે છે પરંતુ નવજીવને નક્કી કર્યું કે સસ્તા દર અને સારી ગુણવત્તાના મહાત્માનાં પુસ્તકો લોકો સુધી પહોંચાડતાં રહીશું તો ચોક્કસ લોકો તેને આવકારશે. હાલમાં તમામ ભાષાની આવૃત્તિઓની કિંમત માત્ર 80 રૂપિયા રાખવામાં આવી છે, આ ભાવે પ્રાઇવેટ પબ્લિશરોને આત્મકથા પ્રકાશિત કરવી પોષાય જ નહીં તેથી નવજીવનના પુસ્તકોની હંમેશા માંગ રહે છે.

કેરળમાં શરૂઆતનાં ચાર વર્ષમાં લાખ-લાખ નકલો વેચાતાં બેસ્ટસેલર
મલયાલમ ભાષામાં ગાંધીજીની આત્મકથાની પહેલી આવૃત્તિ 1997માં પ્રકાશિત થઈ. ગુજરાતી અને અંગ્રેજીની પ્રથમ આવૃત્તિથી તે 70 વર્ષ બાદ પ્રકાશિત થઈ છતાં કેરળમાં પૂર્ણોદય બુક ટ્રસ્ટે ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોંચાડવાની ઝુંબેશ મિશન મોડમાં લીધી. શરૂઆતનાં ચાર વર્ષમાં આત્મકથાની એક લાખ નકલ વેચાઈ હતી જે રાજ્યમાં બેસ્ટસેલર રહી હતી. કપિલ રાવલે મલયાલમ આવૃત્તિના વધુ વેચાણને લઈ જણાવ્યું કે, કેરળમાં શિક્ષણનું પ્રમાણ વધારે હોવા ઉપરાંત લોકોમાં હજુ પણ વાંચવાની ટેવ છે, આ ઉપરાંત પૂર્ણોદય બુક ટ્રસ્ટે વિવિધ શિબિરો અને કાર્યક્રમો યોજી રાહતદરે આત્મકથા લોકો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું જેના કારણે હાલની સ્થિતિમાં પણ સૌથી વધુ ડિમાન્ડ મલયાલમ ભાષાની જ છે.

કાશ્મીરી અને બોડો ભાષામાં પણ મળશે સત્યના પ્રયોગો
2021માં ગાંધી જયંતીના અવસરે સાબરમતી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં કાશ્મીરી અને બોડો ભાષામાં ગાંધીજીની આત્મકથાનું વિમોચન થયું હતું.

વિદેશની 30 ભાષામાં પ્રકાશન
નવજીવન ટ્રસ્ટ ગાંધીજીની આત્મકથાને 18 ભાષામાં પ્રકાશિત કરે છે. આ ઉપરાંત ડોગરી, મૈથિલી સહિત પાંચ ભાષામાં તથા વિદેશની 30 ભાષામાં પ્રકાશન કરાય છે.

સંસ્કૃત આવૃત્તિની 3 હજાર નકલો વેચાઈ

ભાષાપહેલી આવૃત્તિનું વર્ષ

કુલ નકલોનું વેચાણ

ગુજરાતી1,927687000
અંગ્રેજી1,9272123500
હિન્દી1,957683000
મરાઠી1,965229,000
તેલુગુ1,993170,000
તમિલ1,994760,500
કન્નડ1995225000
બંગાળી199725000
મલયાલમ1997852,000
આસામી199823000
સંસ્કૃત20093000
અન્ય સમાચારો પણ છે...