કોરોનામાં માનવતા:લોકડાઉનમાં નિઃસહાય ભટકતી ગર્ભવતી પરપ્રાંતિય મહિલાની મદદે "સખી વન સ્ટોપ સેન્ટર": એક મહિનો સાચવી, બાળકને જન્મ આપ્યો

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • પશ્ચિમ બંગાળની વતની જેવી લાગતી મહિલાની વાત ન સમજાય તો પણ સેન્ટરના સ્ટાફે માનવીય સંવેદનાની ભાષામાં વ્યવહાર કર્યો
  • અત્યારે સિવિલના ગાયનેક વોર્ડમાં માતા-દિકરો દાખલઃ હવે મહિપતરામ આશ્રમમાં બંનેને મોકલી આપવાની ચાલી રહેલી પ્રક્રિયા

કોરોના વાઇરસની મહામારીને લીધે બે મહિનાથી ગુજરાત સહિત દેશ આખો લોકડાઉન છે ત્યારે તેમાં ભલભલા લોકો અટવાઈ ગયા છે. હજારો બેઘર અને ગરીબ લોકો બદથી બદતર સ્થિતિમાં મૂકાઈ ગયા છે. પરંતુ આવી વિકટ સ્થિતિમાં પણ આપણે ત્યાં માનવતા મરી પરવારી નથી. આવી જ એક ઘટનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલતું "સખી વન સ્ટોપ સેન્ટર" સજ્જડ લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ફસાયેલી એક રખડતી ભટકતી ગર્ભવતી મહિલાની મદદે આવ્યું છે. મૂળ પશ્ચિમ બંગાળની રહેવાસી લાગતી 30 વર્ષની આ યુવતીને ક્યાંકથી એક મહિના અગાઉ લોકડાઉનની વચ્ચે સખી વન સ્ટોપ સેન્ટરમાં આવી ચઢી હતી. ત્યાંના સ્ટાફે અત્યારસુધી તેને સાચવી અને બે દિવસ પહેલા તેને પ્રસવપીડા ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં જ દાખલ કરી હતી. અહીં તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે અને આ સેન્ટરનો સ્ટાફ દ્વારા હાલમાં આ મહિલાના પિયરજનો બનીને તેની સંભાળ પણ લઈ રહ્યા છે.

બોલવાની ભાષા ન આવડે તો શું થયું, માનવીય સંવેદનાની તો એક જ ભાષા છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઘરેલુ હિંસા સહિતના બનાવોમાં મહિલાઓને કાઉન્સેલિંગ અને મદદ કરવામાં આવે છે. લોકડાઉનમાં એપ્રિલ મહિનામાં 181 અભ્યમ હેલ્પલાઇને કોલ મળ્યો હતો કે એક રખડતી ભટકતી ગર્ભવતી મહિલા રોડ પર બેસી છે અને તે કઈ બોલતી નથી. અન્ય રાજ્યની હોય તેવું લાગે છે જેથી અભ્યમ હેલ્પલાઇનના લોકો મહિલાને સિવિલના સખી વન સ્ટોપ સેન્ટર પર લઈ આવ્યા હતા. સખી સેન્ટરના એડમિનિસ્ટ્રેટરે મહિલાને તેનું નામ અને સરનામું પૂછતાં તે બોલી શકી નહતી. પશ્ચિમ બંગાળની હોય તેવી લાગતી આ મહિલાની બોલચાલની ભાષા સેન્ટરમાં કોઈને આવડતી નહોતી પણ તે બંગાળી બોલતી હોય તેવું લાગ્યું. પરંતુ આ મહિલા ગર્ભવતી હોવાનો તુરત ખ્યાલ આવી જતાં સેન્ટરના સ્ટાફે તેને ખૂબ પ્રેમપૂર્વક સાચવી હતી અને તેના રહેવા-જમવાની તથા પોષણયુક્ત આહાર મળે તેની પણ કાળજી રાખી હતી.

શું ચાલી રહ્યું છે તે સમજી ન શકતા મહિલા ઉત્પાત મચાવતી તો સ્ટાફ તેને શાંત પાડતો

સખી સેન્ટરમાં આ મહિલાને રાખવામાં આવી તો બીજી એક સમસ્યા શરૂ થઈ ગઈ. સ્ટાફના એક મહિલાએ જણાવ્યું કે, આ મહિલાને કાંઈ ખબર પડી રહી નહોતી કે અહીં કે દેશમાં શું ચાલી રહ્યું છે. તેનું સગું કોણ છે અને ક્યાં છે... કેમ કોઈ તેને લેવા આવતું નથી અને શા માટે કોઈ તેની વાતને સમજી શકતું નથી. આ મહિલા અચાનક તોફાન પણ મચાવતી હતી. વાંરવાર સ્ટાફ સાથે બોલાચાલી પણ કરતી હતી. છતાં પણ સ્ટાફ તેને સમજાવતો હતો. ગર્ભવતી હોવાથી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. બિનવારસી મળી આવેલી આ મહિલાના પરિવારજનોને શોધવા માટે બહુ પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે પોલીસની કોઈ મદદ જોવા મળતી નહતી.

તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો, પણ આ મહિલાનું કોઈ સ્વજન હજી મળ્યું નથી

ચાર દિવસ પહેલાં આ મહિલાને પ્રસવપીડા ઉપડી હોય તેવું લાગતાં તેને સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં ભરતી કરવામાં આવી હતી. અહીં તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. અત્યારે પણ આ મહિલા સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં જ દાખલ છે. તેના કોઈ વાલીવારસ ન હોવાથી હાલમાં સખી વન સ્ટોપ સેન્ટર જ તેનું તમામ ધ્યાન રાખી રહી છે. સેન્ટરનો સ્ટાફ વારાફરતી તેને દિવસમાં એકવાર જોવા પણ જાય છે. જો સખી સેન્ટર તેની મદદે ન આવતું અને તેને રાખતું નહિ તો કદાચ રોડ પર રહેતા તે બાળકને જન્મ આપત અને બંનેના જીવને જોખમ થાત. મહિલાના કોરોના ટેસ્ટની પ્રક્રિયા પણ કરવામા આવી છે. મહિલાને રજા આપ્યા બાદ રાયપુર મહિપતરામ આશ્રમમાં મૂકવાની પ્રક્રિયા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...