કોરોનાનો પગ પેસારો થયો ત્યારથી કેસ છુપાવવાના પ્રયાસો કરી રહેલી સરકારે શનિવારે ફરી એકવાર ભાંગરો વાટી સરકારી તંત્રની લાલિયાવાડી બતાવી છે. શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં અમદાવાદમાં કોરોનાનો એકપણ કેસ નહીં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એ પછી માત્ર દોઢ કલાકમાં લગભગ 8.25એ જારી કરવામાં આવેલી બીજી સુધારેલી અખબારી યાદીમાં બે કેસ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર કોરોના કેસોમાં અનેક વખત ભાંગરો વાટે છે. રાજ્યમાં થયેલા મૃ્ત્યુ અને અમદાવાદ શહેરમાં થયેલા મૃત્યુ બાબતે પણ સરકારે જાહેર કરેલા આંકડા અને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા આંકડામાં આસમાન જમીનનો તફાવત હતો. શહેરમાં જ્યારે બીજી લહેરમાં હોસ્પિટલમાં દર્દીઓ અને લાશોની કતારો જોવા મળી રહી હતી ત્યારે પણ આંકડા સાથે રમત થતી હતી. રાજ્યમાં કોરોનાના કેટલા કેસો સામે આવ્યા તે બાબતથી લોકો માહિતગાર થાય અને તેનાથી લોકોમાં જાગૃતિ આવે તે માટે રાજ્ય સરકાર અખબારી યાદી જાહેર કરતી હોય છે.
શનિવારે સાંજે 7 વાગે રાજ્ય સરકારે અખબારી યાદી જાહેર કરી હતી. જેમાં વડોદરા કોર્પોરેશનમાં બે કેસ, સાબરકાંઠામાં એક કેસ તથા વડોદરા ગ્રામ્યમાં એક કેસ આવ્યાનું દર્શાવ્યું હતું. જોકે બાદમાં દોઢ કલાક પછી રાજ્ય સરકારે ફરીથી તેની સુધારેલી અખબારી યાદી જાહેર કરી હતી. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં બે કેસ, સુરત ગ્રામ્યમાં 1 કેસ તથા વડોદરા કોર્પોરેશનમાં એક કેસ દર્શાવાયો હતો.
સરકારને સુધારો મોકલાયો હતો
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 નવા કેસ આવ્યા હોવાનો ઉલ્લેખ કરી હકીકતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.સરકારે તે મુજબ સુધારેલી યાદીમાં કેસ દર્શાવ્યા હોવા જોઈએ. - ભાવિન સોલંકી, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ
કોરોનાના 1600 ટેસ્ટમાંથી માત્ર 2 પોઝિટિવ
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1600 જેટલા ટેસ્ટ થયા હતા. જે ટેસ્ટમાં 2 જ કોરોના દર્દીઓ સામે આવ્યા હતા. શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટર તેમજ ખાનગી લેબોરેટરીમાં મળીને કુલ 1600 જેટલા ટેસ્ટ થયા હતા. એટલે કે કોરોના દર્દીઓ પોઝિટિવ આવવાનો રેશિયો ઘટીને હવે માત્ર 0.1 ટકા જેટલો થઈ ગયો કહેવાય.આ મુજબ શહેરમાં કોઈપણ દિવસે એકપણ કેસ નહીં નોંધાવાની શક્યતા વધી જાય છે.
વધુ 7962 લોકોએ કોવિડ વેક્સિન લીધી
શહેરમાં 7,962 લોકોએ કોરોનાની રસી લીધી હતી. જેમાં 650એ પ્રથમ, 4489એ બીજો અને 2823 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. જેમાં 12થી 14 વર્ષના 535 બાળકોએ પ્રથમ અને 726એ બીજો ડોઝ લીધો છે. 15થી 18 વર્ષના 80 કિશોરોએ પ્રથમ, 260 કિશોરોએ બીજો ડોઝ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.