'ચૂંટણીપંચ ભાજપના ખોળે બેસી ગયું છે':કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ગંભીર આરોપ, જગદીશ ઠાકોરે મતદાન બાદ કહ્યું- કોંગ્રેસની સીટવાળી બેઠકો પર ખૂબ જ ધીમું મતદાન

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. નરોડા ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે ચૂંટણીપંચ ભાજપના ખોળે બેસી ગયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં કોંગ્રેસની સીટવાળી બેઠકો છે ત્યાં ખૂબ જ ધીમું મતદાન થઈ રહ્યું છે.

ભાજપના ગુંડાઓ-લુખ્ખાઓનો આતંક
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. કોઈપણ પ્રકારના ભય-ડર વગર, ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી, ગુંડાગીરી, ધીમું મતદાન કરવાની સાથે ચૂંટણીપંચ જાણે ભાજપના ખોળે બેઠું હોય એવું લાગે છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ-લુખ્ખાઓનો આતંક મચ્યો છે. ત્યારે એવા વાતાવરણની અંદર પ્રજા નિર્ભય થઈને મતદાન કરી રહી છે.

કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા.
કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા.

ઉમેદવાર અને ધારાસભ્ય પર જીવલેણ હુમલો થયો
ગઈકાલે રાત્રે 12 વાગ્યે જાણ થઈ કે અમારા ઉમેદવાર અને ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો થયો હતો. સાડાત્રણ કલાક સુધી અમારા ઉમેદવાર અને કાર્યકરોની ભાળ ન મળી. રાત્રે દોઢ વાગ્યે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી પાસે અમે રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ મળે નહીં. ફોન પર વાત કરી કે જ્યાં સુધી અમારા ઉમેદવાર અને કાર્યકરો નહીં મળે ત્યાં સુધી ગાંધીનગર તમારા બંગલે આમરણ અનસન પર બેસીશું. એવી વાત કરી ત્યારે અંદાજે 2થી અઢી વાગ્યા આસપાસ કાંતિ ખરાડી સાથે અર્જુનભાઈની વાત કરાવી.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મતદાન કર્યું.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મતદાન કર્યું.

125 સીટ સાથે કોંગ્રેસની સરકાર બનાવશે
અમારી ફરિયાદો નથી લેતા. અત્યારે સવારથી જાણ થઈ રહી છે કે અમારાં બૂથો છે ત્યાં ધીમું મતદાન ચાલે છે. પહેલા ફેઝમાં 63 એવીએમ મશીનો બંધ પડ્યાં છે. એના રિઝલ્ટનું શું? એનો કોઈ જવાબ નથી આપી રહ્યા. ધીમું મતદાન કોંગ્રેસનાં બૂથો પર ચાલી રહ્યું છે તેની ફરિયાદો કરી રહ્યા છીએ તેનો કોઈ નિકાલ નથી થતો. પોલીસની ધાક-ધમકી, ગુંડાગારી અને આખું ચૂંટણીપંચ ભારતીય જનતા પાર્ટીના ખોળે બેઠું એવું વાતાવરણ ગુજરાતમાં છે છતાં પણ ગુજરાતની પ્રજા આ વખતે 125 સીટ સાથે કોંગ્રેસની સરકાર બનાવે છે અને ગુજરાતની પ્રજા કોંગ્રેસને આશીર્વાદ આપે છે.

મતદાન બાદ જગદીશ ઠાકોરે આક્ષેપો કર્યા.
મતદાન બાદ જગદીશ ઠાકોરે આક્ષેપો કર્યા.

શાસકોને પાઠ ભણાવવા મતદાન કરવું જોઈએ
પ્રથમ તબક્કામાં નીરસ અને બીજા તબક્કામાં મતદાન માટે લાઈનો લાગી છે એ અંગે તેમણે જણાવ્યું હતું કે મતદાન કરવું જ જોઈએ. મતદારનો આ હક્ક છે. શાસકોને પાઠ ભણાવવાનો, મનગમતી પાર્ટીને પસંદ કરવાનો અને જે રીતે મતદાન થઈ રહ્યું છે એ આવકારદાયક મતદાન છે, સાથે-સાથે મતદાન બધી જગ્યાએ સરખું થવું જોઈએ. મતદાનની સ્પીડ સરખી હોવી જોઈએ. કોંગ્રેસનાં બૂથો છે ત્યાં મશીન ન ચાલે, મતદાનની સ્પીડ ધીમી ચાલે. ભાજપનાં જ્યાં બૂથો છે ત્યાં ધમધોકાર ચાલે. આ કેવું ચૂંટણીપંચ છે, આ કેવી વ્યવસ્થા છે. સવાલો ઊભા થાય છે અને સવાલો પણ છે.

ધીમું મતદાન ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.
ધીમું મતદાન ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.

એક મત માટે 20 મિનિટ લાઈન અને રૂમમાં 7 મિનિટ લાગે
મતદાન કરનાર એક મતદારે જણાવ્યું હતું કે દાણીલીમડાના બૂથ પર ખૂબ જ ધીમું મતદાન ચાલી રહ્યું છે. એક વ્યક્તિની પાછળ લગભગ 5થી 7 મિનિટનો સમય લાગી રહ્યો છે. તે લોકો ખૂબ જ ધીરી પ્રોસેસ કરી રહ્યા છે. રૂમ ખાલી રાખી રહ્યા છે અને બહાર લાઈનો લાગી છે. પહેલાં આવું થતું નહોતું. ખબર નહીં, અંદર જે લોકો બેઠા છે તે કોઈ પાર્ટીના છે કે ચૂંટણીપંચના છે એ કહી નથી શકાતું. એક મત માટે બહાર 20 મિનિટ ઊભા રહેવું પડે છે. ત્યાર બાદ રૂમમાં અંદર 7 મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે. મશીનમાં બીપનો અવાજ 3થી 4 સેકન્ડે આવી રહ્યો છે. દાણીલીમડામાં બૂથના રૂમ નંબર એકમાં જે ચૂંટણી અધિકારી બેઠા છે તેઓ વોટિંગની જે સાઈન કરે છે એ પહેલાં આખો હાથ ખરાબ કરે છે પછી વોટિંગનું સાઈન કરે છે. જો વોટિંગ આવી રીતે ચાલતું રહ્યું તો આ દાણીલીમડા વિસ્તાર ઘણો મોટો છે, જેથી સાંજે 5 વાગ્યે પણ વોટિંગ પૂરું નહીં થાય. મારું માનવું છે કે ઘણા મતદારો મતદાનથી વંચિત રહી જશે.

મતદારો દ્વારા મહિલાઓની અલગ વ્યવસ્થાની માગ કરાઈ.
મતદારો દ્વારા મહિલાઓની અલગ વ્યવસ્થાની માગ કરાઈ.

મહિલાઓ માટે અલગ વ્યવસ્થાની માગ
અન્ય એક મતદારે જણાવ્યું હતું કે મહિલાઓ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. પ્રશાસન દુરુપયોગ કરી રહ્યું છે. સવારથી આવ્યા છીએ, હજુ પણ લાઈનમાં જ ઊભા છીએ. ખૂબ જ ધીમું મતદાન ચાલી રહ્યું છે. પ્રશાસનને રજૂઆત છે કે તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ થવો જોઈએ. ચૂંટણીપંચ સુધી આ ફરિયાદ પહોંચવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...