સાહેબ મિટિંગમાં છે:એવું તે શું થયું કે પાટીલને હાઇકમાન્ડે કહી દીધું, 'ભાઉસાહેબ... હવે બસ કરો!' અને પાટીલ ચૂપ પણ થઈ ગયા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

બોલો, કોંગ્રેસે તો સરકાર બનાવી દીધી પણ 'મોક'
વર્ષોથી કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવાનાં સપનાં તો જુએ છે, પણ એ સપનાં સાકાર થતાં નથી એ અલગ વાત છે. જોકે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક થયા બાદ સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસમાં જાણે જાન આવી ગઈ હોય એવું લાગે છે. અરે, કૉંગ્રેસ હવે તો એટલી 'જાનદાર' થઈ ગઈ છે કે એ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર આવવા માટેનું રિહર્સલ કરવા મોક વિધાનસભા યોજવા લાગી છે. જોકે પક્ષના નેતાઓને ડર એક જ વાતનો છે કે મોક વિધાનસભામાં મુખ્યમંત્રીનો રોલ ભજવનાર પોતે અસલ ચૂંટણીમાં કોંગ્રેસના સીએમપદના દાવેદાર ના થઇ જાય..

વાઇબ્રન્ટમાં પેન ડ્રાઈવ નહીં, જર્મન પેન અપાશે
10 જાન્યુઆરીથી આ વખતની વાઇબ્રન્ટ સમિટ શરૂ થાય છે. આ વખતે એમાં આવનારા ડેલિગેટ્સને વિકાસગાથાથી ભરેલી પેનડ્રાઈવ નહીં, પણ મોંઘી પેન અપાશે. એલ્યુમિનિયમ બોડી અને સિલ્વર પ્લેટિંગ ધરાવતી જર્મન રોલર રિફિલ સાથે આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. વાઇબ્રન્ટના આમંત્રિતોમાં લહાણી કરવા ગુજરાત સરકારે પાંચ હજાર પેન ખરીદવા ખાસ ટેન્ડર પણ બહાર પાડ્યું હતું, જેમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે પેન પર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 લખીને આપવાનું રહેશે.

પાટીલને હાઇકમાન્ડે ચૂપ કરાવી દીધા..!
ભાજપમાં આમ તો વિધાનસભા ટિકિટની ફાળવણીનો આખરી નિર્ણય પાર્લમેન્ટરી બોર્ડ લેતું હોય છે. અલબત્ત, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જાહેર કાર્યક્રમોથી લઈને પક્ષની બેઠકોમાં કડક માસ્તરની જેમ વિધાનસભાની ટિકિટની સત્તા પોતાના હાથમાં હોય એવો ઉલ્લેખ કરતા હતા. આ કારણે સિનિયર નેતાઓમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા અને છેક દિલ્હી દરબાર સુધી ફરિયાદ પહોંચી ગઈ. કદાચ આ કારણથી જ હાઈકમાન્ડે પાટીલને સ્પષ્ટ સૂચના આપી હોવાનું કહેવાય છે કે ભાઉસાહેબ...બસ થયું, વિધાનસભાની ટિકિટના મામલે નિવેદન કરવાનું બંધ કરી સંગઠનનું કામ કરો.

"બહુત સાલ તો ગુજારે ટીસીજીએલ મેં"
2006 બેચના IASમાં હવે 16 વર્ષ પૂરાં થતાં બઢતીને લઇને નવી નિમણૂકનો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાંય ટૂરિઝમ કોર્પોરેશનના (TCGL) મેનેજિંગ ડિરેકટર જેનુ દેવન તો કંઈક વધુ જ ઉત્સાહમાં છે. આમેય મે-2017થી TCGLના એમડી રહેલા દેવનને બીજા ડિપાર્ટમેન્ટનો પ્રવાસ કરવો છે, પરંતુ સરકાર તેમને નવી જગ્યાએ ખસેડતી નથી તો એ પણ શું કરે. હવે તેમને પણ એવી ફીલિંગ આવે છે કે "બહુત સાલ ગુજાર લિયે TCGL મેં". તેમના જેવા 2006ની બેચના તો બીજા પાંચ મુરતિયા છે, જેઓ ક્યારે બઢતીની દુલ્હન વરમાળા પહેરાવે તેની રાહમાં છે, જેમાં એમ.ડી. મોડિયા, આરબી બારડ , રવિકુમાર અરોરા, આલોક પાંડે અને અજય કુમારનો સમાવેશ થાય છે. જોઇએ હવે પટેલ સાહેબ ક્યારે ગંજીફો ચીપે છે.

હવે તો IAS અધિકારીઓ પણ CSની ઝપટે ચઢવા લાગ્યા
ચીફ સેક્રેટરી (CS) પંકજ કુમાર હવે કડક સાહેબ થઈ ગયા છે. આ જ કારણ છે કે વિભાગીય કામગીરીને લીધે હવે તો IAS પણ તેમની ઝપટમાં આવવા લાગ્યા છે. આલમ એ છે કે, CS સાહેબનું તેડું આવે તો IAS અધિકારીઓ મનમાં ફફડવા લાગે છે કે તેમના વિભાગે કામગીરી કેવી કરી, આ કામગીરી કેમ નથી કરી તેવા સવાલોનો મારો ચાલશે. લાગે છે કે જેમ CRનું સરકારમાં ચાલે છે તેમ CS પણ સરકારનું રેન્કિંગ સુધારવા દંડો ઉગામી રહ્યા છે. તાજેતરમાં એક મિટિંગમાં શિક્ષણ વિભાગના વિનોદ રાવ મોડા આવ્યા તો તેમને પણ કડક હેડમાસ્તરની શૈલીમાં CSએ લઢી લીધું. તે મિટિંગમાં મુકેશ પુરી અને અંજુ શર્મા પણ ઝપટમાં આવી ગયાં હતાં.

આ પણ વાંચો

જિતુભાઈ તો ભૂપેન્દ્રસિંહને સારા કહેવડાવે છે, યાદ છે કોણ છે નાણામંત્રી?, સચિવાલયના ઉંદરડાઓ જાડા થઈ ગયા

ભૂપેન્દ્ર પટેલ CM તો બની ગયા, પણ હાલત ‘દિલીપ પરીખ’ જેવી છે, AMC-ઔડામાં કાબે અર્જુન લૂંટિયો; વહી ધનુષ વહી બાણ

જિતુભાઈ તો ભૂપેન્દ્રસિંહને સારા કહેવડાવે છે, યાદ છે કોણ છે નાણામંત્રી?, સચિવાલયના ઉંદરડાઓ જાડા થઈ ગયા

નવા-જૂના મંત્રીઓની સ્થિતિ સરખી-"હમ ઉન્હેં અપના બનાયે કૈસે, વો હમેં અપના સમજતે હી નહીં", દેશની પહેલી એરસ્ટ્રાઈક હનુમાનજીએ કરી હતી!

અન્ય સમાચારો પણ છે...