એક જ મહિનામાં બીજી ઘટના:સોલા સિવિલમાંથી સગીરા ગુમ, 31 ઓગસ્ટે નવજાત બાળકીનું મહિલાએ અપહરણ કર્યું હતું

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ

સોલા સિવિલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાના બરાબર 1 મહિના બાદ આ જ હોસ્પિટલમાંથી સગીરાનું અપહરણ થયુ છે. વિરમગામમાં રહેતી સાડા 17 વર્ષની અનુને ડાયાબિટીસ વધી જતા 27 સપ્ટેમ્બરે સોલા સિવિલમાં દાખલ કરાઈ હતી. 28 સપ્ટેમ્બરે માતા કોકીલાબેન ટિફિન લઈને વોર્ડમાં પાછા આવ્યાં અને જોયું તો તેમની દીકરી પથારીમાં ન હતી. સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલના સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન
એક મહિના પહેલા બનેલી બાળકીની અપહરણની ઘટનામાં પણ સોલા સિવિલના સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા હતા. જોકે આ ઘટનામાં પણ સગીરા હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ક્યાંય દેખાઈ નથી. આથી પોલીસે આ ઘટનામાં પણ હોસ્પિટલની બહારના સીસીટીવી ફૂટેજના આધારે સગીરાની ભાળ મેળવવા તજવીજ શરૂ કરી છે.

અપહ્યત બાળકીને પોલીસે 9 દિવસે શોધી હતી
સોલા સિવિલમાં 31 ઓગસ્ટે સરસ્વતીબેને સવારે 6 વાગ્યે બાળકીને જન્મ આપ્યો હતો. આથી બાળકી અને માતાને હોસ્પિટલના પીએનસી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાંથી 2 સપ્ટેમ્બરની રાત્રે 3 વાગ્યે એક મહિલા બાળકીનું અપહરણ કરીને લઈ ગઈ હતી. જોકે સોલા હાઈકોર્ટ પોલીસે 250 કરતાં પણ વધારે સીસીટીવીના આધારે ફતેવાડીમાં રહેતી મહિલાને ઝડપી લઈ બાળકીને હેમખેમ શોધી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...