આ IPS છે ગુજરાતી યૂથના 'મોસ્ટ ફેવરિટ':મળો સફિન હસનને... કૃષ્ણ અને ભગવદગીતા વિશે તેઓ વાત કરે ત્યારે સાધુ-સંતો પણ દંગ રહી જાય છે!

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી

IPS જ કેમ? ઘણા ઓપ્શન હતા તો આ જ કેમ? "તમને કહી દઉં કે વર્દીમાં ચાર્મ છે. લોકોનાં કામ કરવાની સાથે તેમના આશીર્વાદ મેળવવાની તક જે આ વર્દીમાં છે એ બીજા કોઈમાં મને નથી દેખાતી...." આ શબ્દો છે ગુજરાતના યંગેસ્ટ IPS અને મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતા સફિન હસનના... આજે વર્લ્ડ યૂથ ડે છે ત્યારે એક IPS કેવી રીતે ગુજરાતના યૂથ આઈકન બન્યા એ અંગે જણાવી રહ્યા છીએ. તો ચાલો... બાળપણમાં સંઘર્ષ અને એક જ લક્ષ્ય થકી આ સ્થાને પહોંચેલા સફિન હસન અંગે જાણીએ...

સરકારી સ્કૂલમાં ભણીને આકાશને આંબવા નીકળ્યા...
બનાસકાંઠાના પાલનપુર પાસેના કાણોદર ગામમાં સફિન હસનનો જન્મ 21 જુલાઈ 1995ના રોજ થયો હતો. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ થયો એટલે ખૂબ જ કરકસરપૂર્વક જીવન જીવવામાં આવ્યું હતું. સફિન હસનનાં માતા નસીમબેન અને પિતા મુસ્તાફભાઈએ સફિનનું શિક્ષણ કાણોદરની સરકારી પ્રાથમિક શાળામાં કરાવ્યું હતું. એ બાદ ગામની જ સરકારી માધ્યમિક સ્કૂલમાં ધોરણ-10 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ સુરત ગયા અને ત્યાં જ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો.

IPS બનવું હતું એટલે કોલેજમાં પ્લેસમેન્ટ ન લીધું
સફિન હસનનાં માતા હીરા ઘસતાં હતાં અને લગ્નના જમણવારમાં રોટલી બનાવતાં હતાં, તો પિતા ઇલેક્ટ્રિશિયન હતા. પરિવારમાં એક નાનો ભાઈ પણ છે અસનેન, જે અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળામાં હતા ત્યારથી જ સફિન હસનનું IAS-IPS બનવાનું સપનું હતું. ગોલ નક્કી હોવાથી શરૂઆતથી જ એ રીતે તૈયારી કરતા હતા. એન્જિનિયરિંગના અભ્યાસ પૂરો થયા બાદ કોલેજમાં પ્લેસમેન્ટ આવ્યું તોપણ પ્લેસમેન્ટ લીધું નહોતું. તેમણે સીધી UPSC માટે તૈયારી શરૂ કરી હતી. UPSCની પરીક્ષા સાથે GPSCની પરીક્ષા પણ આવવાની હતી, પરંતુ એ પરીક્ષા આપવી ન હોવાથી એ માટે તૈયારી પણ નહોતી કરી.

GPSCમાં તૈયારી ન કરી છતાં પરીક્ષા પાસ કરી
પરિવાર અને પિતરાઈ ભાઈ-બહેનના દબાણના કારણે સફિને GPSCની પરીક્ષા કમને આપી હતી. એમાં સફિને શરત મૂકી હતી કે GPSCની મેન્સની પરીક્ષા પાલનપુરમાં આપવાની આવશે તો જ પરીક્ષા આપશે. જોકે પાલનપુરમાં નંબર આવતાં સફિને પરીક્ષા આપી હતી. GPSCની પરીક્ષા આપ્યા બાદ પરિણામ પણ આવ્યું હતું. GPSCની પરીક્ષામાં રાજ્યમાં 34મો ક્રમાંક મેળવી સફિને એ પાસ કરી હતી. GPSC પાસ કરતાં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે નિમણૂક થઈ હતી, પરંતુ બાળપણથી જ UPSC પાસ કરવાનું લક્ષ્ય હતું.

22 વર્ષની ઉંમરે જ UPSC ક્રેક કરી
GPSCના પરિણામ આવ્યા બાદ 1 મહિનામાં UPSCનું પરિણામ આવ્યું હતું, જેમાં સફિન હસનનો ઓલ ઈન્ડિયામાં 570મો ક્રમ આવ્યો હતો. UPSC પાસ કરતાં IPS માટે 22 વર્ષીય સફિનની પસંદગી થઈ હતી. સફિન હસનનું તો સપનું સાકાર થઈ ગયું, કારણ કે આ માટે જ તો તેમણે જિલ્લા રજિસ્ટ્રારની જોબ નકારી હતી. ત્યાર બાદ હૈદ્રાબાદ ખાતે ટ્રેનિંગ મેળવી IPS અધિકારી તરીકે સૌપ્રથમ જામનગર ખાતે પોસ્ટિંગ મેળવ્યું હતું.

એક્ટિવા લઈને પરીક્ષા આપવા જતાં અકસ્માત થયો
UPSCની મેન્સની પરીક્ષા અમદાવાદમાં આપવાની હતી. કુલ 9 પેપર આપવાનાં હતાં. અમદાવાદ આવીને પરીક્ષાની તૈયારી કરીને એક્ટિવા લઈને સફિન હસન પરીક્ષા આપવા જતા હતા. શરૂઆતના 3 પેપર પૂરાં થયાં બાદ ચોથું પેપર આપવા જતા હતા ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતમાં પગમાં ગંભીર ઇજા થઇ હતી છતાં હિંમત રાખીને સફિન 2 પેઇન કિલર લઈને પરીક્ષા આપવા ગયા. ચોથું પેપર પૂરું થતાં 2 કલાકના બ્રેક બાદ પાંચમું પેપર હતું. આ બ્રેક દરમિયાન સફિન નજીકમાં ડોક્ટરને ત્યાં બતાવવા ગયા ત્યારે પગમાં લેગામેન્ટમાં નુકસાન થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું અને પાટો બાંધી આપ્યો હતો. પાટો બાંધીને સફિને પાંચમું પેપર આપ્યું હતું.

સફિન માતા અને ભાઈ સાથે.
સફિન માતા અને ભાઈ સાથે.

ઈન્ટરવ્યૂના 7 દિવસ પહેલાં તો હોસ્પિટલમાં હતા
સફિન હસન અને સંઘર્ષ જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય એમ મેન્સની પરીક્ષા કરતાં વધુ ખરાબ પરિસ્થિતિ ઇન્ટરવ્યૂ સમયે થઈ હતી. 23 માર્ચ 2018ના રોજ સફિનનો ઇન્ટરવ્યૂ હતો, પણ એ પહેલાં 20 ફેબ્રુઆરીએ તેમને ગંભીર ઇન્ફેક્શન થયું. સફિનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડી તબિયત સુધરતાં 2 માર્ચે UPSCના ઇન્ટરવ્યૂની તૈયારી માટે સફિન દિલ્હી ગયા હતા. તબિયત ફરીથી બગડતાં 4 કલાકમાં 6 ડોલો લઈને સફિન અમદાવાદ આવ્યા હતા. ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 16 માર્ચે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 23 માર્ચે ઇન્ટરવ્યૂ હતો. ઇન્ટરવ્યૂ પાસ કરીને સફિન હસન ઓલ ઇન્ડિયામાં બીજા નંબરે આવ્યા હતા.

સફિનની સફળતા માટે માતા-પિતાએ પણ સંઘર્ષ કર્યો.
સફિનની સફળતા માટે માતા-પિતાએ પણ સંઘર્ષ કર્યો.

પરીક્ષા ગુજરાતી અને ઈન્ટરવ્યૂ ઈંગ્લિશમાં આપ્યો
લોકોને પરીક્ષા આપ્યા પહેલાં જ ભાષાનો ડર લાગે છે. જોકે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાષાનો વિકલ્પ આપવામાં આવે છે. સફિને આ વિકલ્પનો લાભ લીધો હતો. 2થી 12 ધોરણ સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો હોવાથી UPSCની લેખિત પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી હતી. ઇન્ટરવ્યૂ માટે પણ વિકલ્પ હતો ત્યારે સફિને ઈંગ્લિશ ભાષા પસંદ કરી હતી. ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપીને દેશભરમાં બીજા ક્રમે સફિન આવ્યા હતા અને IPS તરીકે પસંદ થયા હતા.

નાનપણથી જ એક મોટિવેશનલ સ્પીકર.
નાનપણથી જ એક મોટિવેશનલ સ્પીકર.

ભાવનગરમાં ભગવાન કૃષ્ણ અંગે કરેલી વાતે 'ફેમસ' બનાવ્યા
ભાવગરમાં શક્તિ આરાધના ધરોત્સવમાં સફિન હસનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે તેમણે ભગવાન કૃષ્ણ અને શ્રીમદ ભગવદગીતા પર જે વક્તવ્ય આપ્યું એ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. તેમણે આ વક્તવ્ય આપ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને મોટા મોટા સાધુ-સંતો પણ ઉપસ્થિત હતા. ભગવાન કૃષ્ણને એક શ્રેષ્ઠ અને સંપૂર્ણ પુરુષ હોવાની પણ તેમણે વાત કરી હતી. આ સાથે સનાતન ધર્મ વિશે પણ ઊંડાણપૂર્વક જે વાત કરી એ સાંભળીને લોકો અને સંતો ખૂબ જ ખુશ થઇ ગયા. સફિન હસને વક્તવ્યમાં ગીતાના અલગ અલગ મુદ્દા ઊંડાણપૂર્વક સમજાવ્યા હતા. જે સાંભળીને સંતોએ તેનાં ખૂબ જ વખાણ પણ કર્યા હતા. આ વક્તવ્યના વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.

સ્કૂલથી જ અનેક અવોર્ડ મેળવ્યા.
સ્કૂલથી જ અનેક અવોર્ડ મેળવ્યા.

સફિને અમદાવાદમાં ટ્રાફિકની જવાબદારી સંભાળી
2018માં માત્ર 22 વર્ષની ઉંમરે UPSCની પરીક્ષા પાસ કરીને સફિન હસન સૌથી યંગેસ્ટ IPS બન્યા હતા. પસંદગી બાદ ટ્રેનિંગમાં ગયા હતા. ટ્રેનિંગ પુરી કરીને 6 મહિના જામનગરમાં ASP તરીકે ફરજ બજાવી હતી ત્યાંથી બદલી આવતા 2.5 વર્ષ ભાવનગરમાં ASP તરીકે ફરજ બજાવી હતી. અત્યારે સફિન હસન અમદાવાદમાં ટ્રાફિક DCP તરીકે ફરજ બજાવે છે. અમદાવાદમાં પણ સફિન હસનને પૂર્વ વિસ્તારના ટ્રાફિકની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે જે માટે એક બાદ એક પ્રોજેકટ પર સફિન હસન કામ કરી રહ્યા છે.

IPS તરીકે પસંદ થયા બાદ 2019માં વિજય રૂપાણી સાથે મુલાકાત.
IPS તરીકે પસંદ થયા બાદ 2019માં વિજય રૂપાણી સાથે મુલાકાત.

લોકોને મદદ કરવા IPS બનવાનું પસંદ કર્યું
હું નાનો હતો ત્યારથી જ IPS બનવાનું સપનું હતું. યુનિફોર્મનો ચાર્મ, લોકોને મદદ કરવાની શક્તિ, ડિસિપ્લિન ફોર્સ હોવાથી IPS બનવાનું પસંદ કર્યું હતું. કોરોનામાં લોકોને મદદ કરવા પોલીસ તરીકે જે તક મળી એ માટે ગર્વ છે. લોકો પણ શરૂઆતથી ગોલ નક્કી કરીને આગળ વધે તો મારી જેમ સફળ થઈ શકે છે. ગોલ નક્કી કર્યા બાદ ક્યાંય ધ્યાન ન ભટકે એ તકેદારી રાખવી.

ગુજરાતમાં પોસ્ટિંગ બાદ રાજ્યપાલ સાથે મુલાકાત.
ગુજરાતમાં પોસ્ટિંગ બાદ રાજ્યપાલ સાથે મુલાકાત.

IPSની ટ્રેનિંગ સુધી પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી
મારી પાછળ મારા પરિવારનો અઢળક સપોર્ટ છે. પરિવારે મારા તમામ નિર્ણયમાં સાથ આપ્યો છે. મેં સ્કૂલ, કોલેજ, કોચિંગ, પરીક્ષા બધું જાતે જ પસંદ કર્યું હતું. મારા નિર્ણયને પરિવારે આવકાર્યો છે. મારા પર ક્યારેય કોઈ દબાણ કરવામાં નથી આવ્યું. હું ટ્રેનિંગમાં હતો ત્યાં સુધી આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. અત્યારે પરિવાર ખૂબ ખુશ છે. માતા-પિતા અને નાના ભાઈ સાથે ખૂબ જ સારી રીતે જીવન જીવી રહ્યો છું.

અમદાવાદ ટ્રાફિક ડીસીપીની જવાબદારી.
અમદાવાદ ટ્રાફિક ડીસીપીની જવાબદારી.

ધર્મ જ્ઞાન આપે છે, હું માત્ર વિદ્યાર્થી છું અને ધર્મમાંથી શીખતો રહીશ
સફિન હસનનો ધર્મ મુસ્લિમ છે, પરંતુ તેમને તમામ ધર્મનું જ્ઞાન છે. ભાગવત ગીતા, રામાયણ, બાઇબલ, કુરાન સહિતના અનેક ગ્રંથોનું જ્ઞાન છે. સતત ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ કરે છે. તેઓ ખૂબ સારા વક્તા પણ છે, સોશિયલ મીડિયામાં તેમનાં અનેક પ્રવચન વાઇરલ પણ થયાં છે. સંપ્રદાય અંગે સફિને જણાવ્યું હતું કે મારા માટે સંપ્રદાયની વ્યાખ્યા અલગ છે. એક જ સૂરજ તમામને પ્રકાશ આપે, તમામની એક જેવી બોડી છે, તમામનું લોહી લાલ છે તો હું નથી માનતો કે ઈશ્વર પણ અલગ હોય. તમામ ધર્મના ઈશ્વર એક છે. તમામ ધર્મમાંથી જે સારું શીખવા મળે એ હું શીખું છું. ધર્મ જ્ઞાન આપે છે, હું માત્ર વિદ્યાર્થી છું અને ધર્મમાંથી શીખતો રહીશ.

2019માં ટ્રેનિંગ દરમિયાનની તસવીર.
2019માં ટ્રેનિંગ દરમિયાનની તસવીર.

શોર્ટ ટર્મ ફેલ્યરથી હાર ન માનવી જોઈએ
યુવાઓ માટે સફળતા અંગે સફિને જણાવ્યું હતું કે ટેકનોલોજી વધી, સોશિયલ જીવન બદલાયાં, કોવિડના કારણે લોકોમાં કન્ફ્યુઝન ઉભા થયા, પરંતુ ટેકનોલોજીના કારણે ડેવલપમેન્ટની તક મળી છે તો તકનો યુવાઓએ ઉપયોગ કરવો જોઈએ. શોર્ટ ટર્મ ફેલ્યરથી હાર ન માનવી જોઈએ. ગોલ ફિક્સ કરીને માત્ર એના પર ફોક્સ કરીને આગળ વધે તો સફળતા જરૂરથી મળશે. UPSC અનેક લોકો ક્લિયર કરે છે. ઘણા લોકો ગુજરાતીમાં ભણતા હોય, આર્થિક સંકડામણ હોય, ફેમિલીમાં તકલીફ હોય, ઈંગ્લિશ ન આવડતું હોય જેવા અનેક પ્રશ્નો હોય તો તેવા લોકોએ હાર ન માનવી, તમારા પાસે જે છે તેમાંથી બેસ્ટ બનાવીને આગળ વધવું જોઈએ.

ટ્રેનિંગ પૂરી કરીને 6 મહિના જામનગરમાં ASP તરીકે ફરજ બજાવી હતી.
ટ્રેનિંગ પૂરી કરીને 6 મહિના જામનગરમાં ASP તરીકે ફરજ બજાવી હતી.

જીવનના દરેક તબક્કે અનુભવ કરો ને એમાંથી શીખો
લોકોના ગોલ મોટા હોય ત્યારે આજુબાજુનું બેકગ્રાન્ડના કારણે, અનેક લોકો ડિમોટિવ કરે, દરેક તબક્કે તમારી પ્રગતિમાં ખુશ ન હોય તેવા લોકોને સફળતા પ્રાપ્ત કરીને જવાબ આપવો જોઈએ. જીવનના દરેક તબક્કે મેં અનુભવ લીધા છે અને એમાંથી શીખ્યો છું. લોકોને પણ સલાહ છે કે અનુભવમાંથી શીખીને આગળ વધો. હું અનેક મુશ્કેલીઓ જેવી કે ભાષા, પરિવારની સ્થિતિ, ફેમિલી બેકગ્રાઉન્ડ જેવી મુશ્કેલીઓ વચ્ચે આગળ વધ્યો, તો કોઈપણ વધી જ શકે છે.

2.5 વર્ષ ભાવનગરમાં ASP તરીકે ફરજ બજાવી.
2.5 વર્ષ ભાવનગરમાં ASP તરીકે ફરજ બજાવી.

અકસ્માતો ઘટે એ માટે અનેક આયોજનો
સફિન હસને જણાવ્યું હતું કે અત્યારે યુવાઓને ઉતાવળ બહુ હોય છે, જેને કારણે જીવ પણ ગુમાવવો પડે છે. લોકોમાં ટ્રાફિકની અવેરનેસ નથી. અકસ્માત ઘટે એ માટે ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રોડ સેફ્ટી વિભાગ સાથે સતત સંકલન કરીને અનેક આયોજન કરી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા અનેક ટ્રાફિક સિગ્નલ ચાલુ કર્યા છે. લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા અવેરનેસ આવે, લોકો નિયમિત નિયમોનું પાલન કરે એ ઉદ્દેશ સાથે અત્યારે અનેક પ્રોજેકટ પર કામ કરવામાં આવી રહ્યું છે.

અત્યારે સફિન હસન અમદાવાદમાં ટ્રાફિક DCP તરીકે ફરજ બજાવે છે.
અત્યારે સફિન હસન અમદાવાદમાં ટ્રાફિક DCP તરીકે ફરજ બજાવે છે.

મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતા થયા
જામનગર, ભાવનગર અને હવે અમદાવાદમાં મહત્ત્વની ટ્રાફિકની જવાબદારી નિભાવતા સફિન હસન હાલ યંગેસ્ટ IPSની સાથે મોટિવેશનલ સ્પીકર કરીકે પણ જાણીતા છે. સોશિયલ મીડિયામાં સફિન હસનના 9 લાખથી વધુ ફોલોઅર્સ છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સફિન હસનના મોટિવેશન વીડિયોને 10 લાખથી વધુ લોકો જુએ છે.

અન્ય સમાચારો પણ છે...