ઉનાળાની શરૂઆત પહેલાં જ આ વર્ષે રાજ્યમાં બેથી ત્રણ માવઠા થતાં કેસર કેરીના પાક પર અસર થઈ છે.માવઠાને લીધે કેસર કેરીની આવક 15 દિવસ મોડી પડી શકે છે. સામાન્ય પણે માર્ચના અંત સુધીમાં બજારમાં કેસર કેરીની આવક શરૂ થઈ જતી હોય છે.
માવઠા થતાં કેસર કેરીના પાક પર અસર
ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાને લીધે કેસરીના પાક પર પણ અસર પડી છે. હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવક ધીરે ધીરે શરૂ થઈ છે. વેપારીઓના કહેવા મુજબ એપ્રિલના પહેલા સપ્તાહથી સારી કેસરની આવક શરૂ થઈ જશે. જો કે, માવઠાને કારણે પાક ઓછો ઉતરવાની ધારણા હોવાથી હાલ કેરીના ભાવ ઊંચા બોલાય છે.
માવઠાને કારણે પાક ઓછો ઉતરવાની ધારણા
સામાન્ય પણે સિઝનમાં વિવિધ જાતની કેરીની રોજની 40થી 45 ટ્રક આવક થતી હોય છે. હાલ રોજ માંડ 4થી 5 ટ્રક કેરી આવે છે. રત્નાગીરી હાફૂસનો બે ડઝનનો ભાવ 1500થી 1700 છે પરંતુ છૂટક બજારમાં રૂ.2 હજારે વેચાય છે. હજુ કેસરની આવક પૂરતા પ્રમાણમાં નહીં થઈ હોવાથી ગત વર્ષની સરખામણીએ ભાવ 25થી 30 ટકા વધુ ચાલે છે. ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર જૂનાગઢ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી એકવાર કેસર કેરીની આવક મોટાપાયે શરૂ થશે પછી ભાવ સપાટી આપોઆપ જળવાઈ રહેશે.
રત્નાગીરી હાફૂસના 1 ડઝનના રૂ.1500
કેરી | હોલસેલ ભાવ | છૂટક ભાવ |
કેરળ | ||
હાફૂસ 24નંગ | 1500 | 1700થી 2000 |
પાયરી કિલો | 150થી 200 | 200થી 250 |
સુંદરી 12નંગ | 1000 | 1400થી 1500 |
બદામ કિલો | 80થી 100 | 110થી 150 |
રત્નાગીરી | ||
કેસર | 200થી 250 | 250થી 300 |
હાફૂસ 12 નંગ | 1500 | 2000 |
આવક વધ્યા પછી ભાવ ઘટશે
ખરાબ હવામાનના કારણે સમગ્ર દેશમાં કેરીનું ઉત્પાદન 15 દિવસ મોડું ચાલી રહ્યું છે. સામાન્ય રીતે માર્ચના અંતથી કેરીની આવક શરૂ થઇ જાય છે અને બજારમાં વેચાવા લાગે છે. હાલમાં કેરીની આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો છે પરંતુ 1 એપ્રિલથી આવક શરૂ થતાં ભાવમાં 30થી 35 ટકાનો ઘટાડો થશે. સામાન્ય સંજોગોમાં આવતા જથ્થા સામે હાલ માત્ર 5 ગાડી આવે છે. - લછુભાઇ રોહેરા, પ્રમુખ નરોડા ફ્રૂટ માર્કેટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.