સુરક્ષા અભિયાન:અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં પતંગના દોરાથી બચાવવા 500થી વધુ વાહનચાલકોના વાહનો પર સેફગાર્ડ લગાવ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ પર અનેક વાહન ચાલકો પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થાય છે - Divya Bhaskar
ઉત્તરાયણ પર અનેક વાહન ચાલકો પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થાય છે
  • અમદાવાદનો એન્જિનિયર યુવક છેલ્લા 15 વર્ષથી લોકોને પતંગની દોરીથી બચાવવા બ્રિજ પર તાર બાંધે છે

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદમાં પણ સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી પતંગ અને દોરીનું બજાર પણ ઉભું થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરી વાગવાથી વાહન ચાલકો અને રસ્તા પર જતા લોકોના ગળામાં દોરી વાગવાની ઘટનાઓ બનતી હોય છે. દોરી વાગવાથી વાહન ચાલકો બચી શકે તે માટે શહેરમાં વાહન ચાલકોને તેમના વાહનો પર સેફગાર્ડ લગાવીને સુરક્ષિત કરવામાં આવ્યાં હતાં.

500 વાહનચાલકોના વાહનો પર સેફ ગાર્ડ લગાવ્યા
શહેરમાં ખોખરા વિસ્તારમાં નાથાલાલ ઝગડા ઓવરબ્રિજ પાસે ખોખરા યુથ ફેડરેશનના કાર્યકરોએ વાહનો પર સેફગાર્ડ લગાવવાની કામગીરી કરી હતી. ફેડરેશનના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, પતંગના દોરાથી અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત થતાં હોય છે. ક્યારેક તાત્કાલિક સારવાર નહીં મળવાથી વાહન ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજતું હોય છે. ત્યારે આજે અમે ખોખરા વિસ્તારમાં 500 વાહન ચાલકોના વાહનો પર સેફ ગાર્ડ લગાવીને તેમને સુરક્ષિત કર્યા હતાં.

અમદાવાદનો એન્જિનિયર યુવક બ્રિજ પર તાર બાંધીને વાહનચાલકોને બચાવે છે
અમદાવાદનો એન્જિનિયર યુવક બ્રિજ પર તાર બાંધીને વાહનચાલકોને બચાવે છે

લોકોને પતંગના દોરાની ઈજાથી બચાવવા અભિયાન
અમદાવાદમાં સામાજિક સંસ્થા મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ચલાવતા મનોજ ભાવસાર એન્જિનિયર છે. મનોજભાઈને 15 વર્ષ અગાઉ પતંગની દોરી ગળામાં વાગી હતી. તે સમયે મનોજભાઈનો જીવ બચી ગયો પરંતુ તે સમયે અનેક લોકોને આ રીતે પતંગના દોર વાગતા હતા. જેમાં કેટલાક લોકોના મૃત્યુ થતા હતા અને કેટલાકને ગંભીર ઈજા થતી હતી. જેથી મનોજભાઈએ લોકોના જીવ બચાવવા અને ઈજા ના થાય તે માટે શહેરના બ્રીજ પર તાર બાંધવાનું શરુ કર્યું છે. જેથી કપાયેલ પતંગ કે અન્ય રીતે દોરી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકને ઈજા ના પહોચાડે.

આ વર્ષે શહેરના 35 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ
દર વર્ષની જેમ આ વર્ષે મનોજભાઈએ શહેરના 35 બ્રિજ પર તાર બાંધવાનું શરૂ કર્યું છે. લોકો સેફટી સાથે ઉત્તરાયણ ઉજવી શકે તે માટે બ્રિજ પર આવેલા લાઈટના એક થાંભલાથી અન્ય થાંભલા સુધી તાર બાંધવાના શરુ કર્યા છે.આ તાર બાંધવાને કારણે બ્રિજ પર કપાયેલ પતંગ કે દોરી આવવાની શક્યતા ઘટી જાય છે. જેના કારણે ઈજા થવાનું જોખમ ટળે છે. મનોજભાઈ ભાવસારે જણાવ્યું હતું કે મારી સાથે થયેલ અનુભવ બાદ લોકોના જીવ બચાવવા અને ઈજા ના થાય તે માટે આ મેં અભિયાન શરુ કર્યું છે. જેમાં AMCની એક ગાડી પણ તેમની મદદમાં છે. જેનાથી તેઓ થાંભલા પર તાર બાંધી શકે છે. લોકોના તહેવારના રંગમાં ભંગ ના થાય તે માટે 15 વર્ષથી સ્વ ખર્ચે તાર બાંધું છુ.

અન્ય સમાચારો પણ છે...