સાબરમતી નદીની હાલત ખરાબ:અમદાવાદમાં રેલવે ઓવરબ્રિજથી ડફનાળા સુધી નદીમાં ગ્રીન લીલ જામી ગઈ, 19 દિવસમાં 377 ટન કચરાનો નિકાલ કરાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેસ્ટના નિકાલની કામગીરી જરૂરિયાત મુજબ મેનપાવરનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યો છે. - Divya Bhaskar
વેસ્ટના નિકાલની કામગીરી જરૂરિયાત મુજબ મેનપાવરનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યો છે.
  • ત્રણ સ્કિમર મશીન દ્વારા ફ્લોટિંગ વેસ્ટ તેમજ ગ્રીન વેસ્ટના નિકાલની કામગીરી શરૂ કરાઇ

અમદાવાદની શાન એવી સાબરમતી નદીમાં રેલવે ઓવરબ્રિજથી ડફનાળા સુધી નદીમાં ગ્રીન લીલ જામી ગઈ હતી. નદી એકદમ ક્રિકેટની ગ્રીન પિચ જેવી બની ગઈ હતી. નદીમાં ડફનાળાથી સાબરમતી રિવરફ્રન્ટનો ફેઝ 2 શરૂ થાય છે પરંતુ આ વિસ્તારમાં નદીના સફાઇનો અભાવ જોવા મળ્યો હતો. નદીમાં લીલ જામી ગઇ હોવાની વાત મીડીયામાં આવ્યા બાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અધિકારીઓને ખબર પડી કે નદીની આવી હાલત છે જેથી તાત્કાલિક ધોરણે નદીમાં સાફસફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 1થી 19 ઓક્ટોબર સુધીમાં 377 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. હજુ પણ કામગીરી ચીલી રહી છે.

વેસ્ટનો નિકાલ રિવરફ્રન્ટ ખાતે બનાવેલા રેમ્પ પર ટ્રેક્ટરમાં કરાય છે
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ત્રણ સ્કિમર મશીન દ્વારા ફ્લોટિંગ વેસ્ટ તેમજ ગ્રીન વેસ્ટના નિકાલની કામગીરી શરૂ કરાઇ છે. સ્કિમર મશીન એકત્રિત કરેલ વેસ્ટનો નિકાલ રિવરફ્રન્ટ ખાતે બનાવેલા અલગ અલગ રેમ્પ પર ટ્રેક્ટરમાં કરે છે. હાલમાં સાબરમતી નદીમાં પાણીનું સ્તર ઓછું હોવાથી સુભાષબ્રિજ પાસે બનાવેલ રેમ્પ નજીક સ્કીમર મશીન જઈ શકતું ન હોવાથી સરદારબ્રિજ પાસેના રેમ્પ પર ખાલી કરવા જવું પડે છે. કામગીરીનું સ્થળ અને કચરાના નિકાલના સ્થળ વચ્ચે ખુબ જ અંતર હોવાથી હાલના તબક્કામાં સદર જગ્યાએ મેન્યુઅલી તથા તરાપા વડે નદીની સાફ સફાઈની ઝુંબેશ પૂરજોશમાં ચાલુ છે.

અંદાજિત 377 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં નદીના ભાગમાં ઉપરવાસમાંથી સતત ગ્રીનવેસ્ટ તેમજ ફ્લોટિંગ વેસ્ટ આવતો રહે છે. જેના નિકાલ માટેની કામગીરી શરૂ કરાઇ છે. 1 ઓક્ટોબરથી તારીખ 19 ઓક્ટોબર 2021 સુધીમાં નદીના જુદા જુદા વિસ્તારમાં ઉપરવાસમાંથી આવેલ ગ્રીન વેસ્ટના નિકાલની કામગીરી દરમિયાન 3 સ્કિમર મશીન, ૩ટ્રેક્ટર ટ્રોલી, જેસીબી, ડમ્પર જેવા વાહનોનો તેમજ જરૂરિયાત મુજબ મેનપાવરનો ઉપયોગ કરીને અંદાજિત 377 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે અને હજી પણ નદીમાંથી લીલી વનસ્પતિના નિકાલની કામગીરી સતત ચાલુ છે.