અમદાવાદની શાન ગણાતી એવી સાબરમતી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, જેની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં, પરંતુ વિદેશના વડાપ્રધાનોથી લઈને નેતાઓ પણ મુલાકાત ચૂક્યા છે. અમદાવાદનાં ફરવાલાયક સ્થળોમાંથી સૌથી જાણીતું એવું સાબરમતી રિવરફ્રન્ટ હવે સહેલાણીઓ માટે ફરવાલાયક સ્થળો નહીં, પરંતુ નશો કરતા લોકો અને અસામાજિક તત્ત્વો માટેનું સ્થળ બની ગયું છે.
દેશી દારૂની પોટલી, દારૂની બોટલ, કફસિરપની બોટલો
કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટ પર સિક્યોરિટી અને પોલીસ માત્ર નામની જ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દારૂ અને ડ્રગ્સ લેનારા લોકોનો હવે અડ્ડો બની ગયો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને છેડા પર પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, જેમાં રિવરફ્રન્ટ પર નશો કરવા માટે વપરાતી કફસિરપની બોટલો, દેશી દારૂની થેલીઓ અને વિદેશી દારૂની બોટલો તેમજ ડ્રગ્સ લેવા માટે જે ગોલ્ડન પેપર વાપરવામાં આવે છે એના માટેનાં બોક્સ વગેરે જોવા મળ્યાં હતાં. રિવરફ્રન્ટ પર સિક્યોરિટી તો માત્ર નામની જ હોય છે, સિક્યોરિટી ગાર્ડ તો ત્યાં બેસી રહેલા જોવા મળ્યા હતા.
નશાખોરી કરતું કોઈ દેખાય તો પોલીસને જાણ કરાય છે- SRDCL
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. આઈ. કે પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ પર આવેલા નીચે અને આસપાસના વિસ્તારમાં જ્યાં પણ નશો કરતા લોકો જોવા મળે છે તો સિક્યોરિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે. રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા બાબતે તેમણેએ જણાવ્યું હતું કે સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત આવે છે.
રિવરફ્રન્ટ પર પૂર્વના છેડે દારૂ અને કફસિરપનો બોટલ દેખાઈ
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટને અમદાવાદના ફરવાલાયક સ્થળોમાંનું એક સ્થળ ગણાવે છે. આ સાબરમતી રિવરફ્રન્ટ હવે દારૂ અને ડ્રગ્સ પીનારા લોકો માટેની જગ્યા બની ગઈ છે. દિવ્ય ભાસ્કરે સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વના છેડે આવેલા આંબેડકર લઈ શાહીબાગ બુદ્ધની પ્રતિમા સુધીના રિવરફ્રન્ટ વિસ્તારમાં તેમજ પશ્ચિમ વિસ્તારમાં આંબેડકરબ્રિજ નીચેથી લઈ કેશવનગરબ્રિજ નીચે આવેલા રિવરફ્રન્ટ વિસ્તારની મુલાકાત કરી હતી.
આંબેડકરબ્રિજથી જમાલપુરબ્રિજ સુધીમાં 5 સિક્યોરિટી ગાર્ડ
સૌથી પહેલા પૂર્વ વિસ્તારમાં આવેલા આંબેડકરબ્રિજ પાસેથી જ્યારે રિવરફ્રન્ટ પર તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં દેશી દારૂની થેલી અને કફસિરપની બોટલ મળી આવી હતી. ત્યાંથી આગળ તપાસ કરવામાં આવતાં જમાલપુરબ્રિજ સુધીમાં રિવરફ્રન્ટની જગ્યા પરથી પાંચથી સાત કફસિરપની બોટલો મળી આવી હતી. માત્ર ઉપરના જ વિસ્તાર નહીં, પણ લોઅર પ્રોમિનાડ વિસ્તારમાં પણ કફસિરપની બોટલો મળી આવી હતી. આંબેડકરબ્રિજથી જમાલપુરબ્રિજ સુધીના વિસ્તારમાં માત્ર ચારથી પાંચ સિક્યોરિટી ગાર્ડ જોવા મળ્યા હતા, જે પણ એક જ જગ્યાએ બેસી રહેલા હતા.
જમાલપુરબ્રિજ આગળના ખુલ્લા મેદાનમાં ડ્રગ્સ માટેનું પેપર મળ્યું
જમાલપુરબ્રિજથી આગળના ખુલ્લા મેદાન નજીક આવેલા રિવરફ્રન્ટ પર જતાં સિરપની બોટલ અને ડ્રગ્સ લેવા માટે જે પેપર વાપરવામાં આવે છે એનું ખોખું મળી આવ્યું હતું. આસપાસમાં સિગારેટના પાછળના ભાગના ફિલ્ટરો ત્યાં પડ્યા હતા. ત્યાંથી આગળ એલિસબ્રિજ થઈ ખાનપુર લેમન ટ્રી હોટલના પાછળના ભાગે પહોંચ્યા હતા. આ વિસ્તારથી ગાંધીબ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો વિસ્તાર એ હવે વેરાન વિસ્તાર હોય એવું થઈ ગયું છે. રિવરફ્રન્ટનો નીચેનો ભાગ અને રોડના ભાગ સુધીમાં વચ્ચેની જગ્યા આખી ખુલ્લી અને વેરાન જગ્યા છે અને ત્યાં દીવાલ ઊભી કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ અવરજવર કરી શકે છે અને જો ત્યાં કોઈપણ ગેરકાનૂની કામગીરી કરવી હોય તો આરામથી થઈ જાય એવી જગ્યા છે, ત્યાં કોઈપણ સિક્યોરિટી ગાર્ડ જોવા મળ્યો નહોતો.
સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વનું પોલીસ સ્ટેશન પણ છે
ત્યાંથી આગળ દધીચિબ્રિજ નીચેના ભાગે પહોંચ્યા ત્યારે ત્યાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેટલીક દુકાનો બનાવવામાં આવેલી છે અને એમાં સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વનું પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. દધીચિબ્રિજની નીચે જ્યારે જઈને તપાસ કરી તો બ્રિજની નીચેના ભાગે ખૂણામાં એક બે નહીં, પરંતુ પાંચેક રિક્ષા બંધ અને તૂટેલી હાલતમાં પડેલી હતી. એનાથી પણ ચોંકાવનારી બાબત એવી જોવા મળી હતી કે પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર જ ત્યાં ખૂણામાંથી વિદેશી દારૂની ત્રણથી ચાર નાનીમોટી બોટલો જોવા મળી હતી. રાત્રે કોઈપણ વ્યક્તિ ત્યાં બેસીને દારૂની મહેફિલ માણવાની આરામદાયક જગ્યા હોય એવું લાગી રહ્યું હતું. આ ઉપરાંત ત્યાં નદીમાં કોઈ ડૂબતા હોય તેને બચાવવા માટે 20થી 25 લાઈફ જેકેટ ફેંકી દીધેલી હાલતમાં મળ્યાં હતાં.
ભિક્ષાવૃત્તિ કરનારાં તત્ત્વો પણ પૈસા પડાવતાં દેખાયાં
ત્યાર બાદ પશ્ચિમ વિસ્તારના કેશવનગર રેલવેબ્રિજ પાસેથી લઈને વાડજ દધીચિબ્રિજથી આગળ ઉસ્માનપુરા સુધી પહોંચ્યા ત્યારે રિવરફ્રન્ટ પર ખૂબ જ ખરાબ ગંધ આવતી હતી અને ત્યાંથી પણ ડ્રગ્સ લેવા માટે વપરાતા પેપર રોલનું બોક્સ મળી આવ્યું હતું. રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ લોકો આવતા હોય છે અને ખાસ કરીને કપલ પણ વધારે આવે છે. રિવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનના બ્રિજ પાસેના ખુલ્લા મેદાનમાંથી હર્બી ફ્લૂ નામની બોટલ પણ મળી આવી હતી. પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટના નીચેના ભાગે યુવક-યુવતીઓ બેઠાં હોય છે ત્યારે આ વિસ્તારમાં કેટલાક ભિક્ષાવૃત્તિના નામે યુવક-યુવતીને હેરાન કરીને પૈસા પડાવનારાં તત્ત્વો પણ ફરતાં દિવ્ય ભાસ્કરના કેમેરામાં કેદ થયાં હતાં. તેઓ ત્યાં બેઠેલાં યુવક-યુવતી પાસેથી 10, 20 કે 50 રૂપિયા પડાવીને જતા રહેતા હતા.
રિવરફ્રન્ટની તમામ લિફ્ટ બંધ હાલતમાં દેખાઈ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નીચેના ભાગમાં, એટલે કે લોવર પ્રોમિનાડ પર જવા માટે લિફ્ટ મૂકવામાં આવી છે, પરંતુ દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં રિવરફ્રન્ટ પર જે પણ લિફ્ટ મૂકવામાં આવી છે એ તમામ બંધ હાલતમાં હોવાનું જણાયું છે. તમામ લિફ્ટને તાળાં મારી દીધેલાં છે, તો કેટલીક લિફ્ટ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. એકપણ લિફ્ટ ચાલુ ન હતી. તો કેટલીક જગ્યાએ નીચે જવા માટે જે દરવાજા છે એ બંધ હાલતમાં પણ જોવા મળ્યા હતા.
રિવરફ્રન્ટ પર 300થી વધુ સિક્યોરિટી ગાર્ડ મુકાયાનો દાવો ખોટો
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સિક્યોરિટી માટે પેન્થર કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર 300થી વધુ સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે, પરંતુ જ્યારે દિવ્ય ભાસ્કરે તપાસ કરી તો પૂર્વ અને પશ્ચિમના છેડે માત્ર ગણ્યાગાંઠા સિક્યોરિટી ગાર્ડ જ જોવા મળ્યા હતા. લોઅર પ્રોમિનાડ હોય કે ઉપરનો ભાગ હોય, સિક્યોરિટી ગાર્ડ એક જ જગ્યાએ બેઠેલા જોવા મળ્યા હતા. કેટલાક સિક્યોરિટી ગાર્ડ મોબાઈલમાં જ ધ્યાન આપીને બેઠા હતા. રિવરફ્રન્ટના વિસ્તારમાં 500 મીટર કે એક કિલોમીટર સુધીમાં જ એક જ સિક્યોરિટી ગાર્ડ હોય એવું જણાયું હતું. જ્યારે પોલીસની વાત કરીએ તો ત્યાં પોલીસનું કોઈપણ પ્રકારનું પેટ્રોલિંગ હતું જ નહીં. સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વના પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂરથી બ્રિજની નીચેના ભાગથી જ જો દારૂની બોટલો મળી આવતી હોય તો પછી પોલીસ કેટલી સતર્ક છે એના અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
રિવરફ્રન્ટને નશો કરવાનું સ્થળ બનાવી દેવાયું
કરોડો રૂપિયાનો ખર્ચ કરી સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, જે એક સમયે અમદાવાદ શહેરનું ફરવાલાયક સ્થળ હતું, જ્યાં સહેલાણીઓ સૌથી વધારે જતા હતા, પરંતુ હવે ત્યાંઅસામાજિક તત્ત્વો અને નશો કરતા લોકો વધુ જોવા મળે છે. આજે અમદાવાદના મોટા ભાગના લોકો રિવરફ્રન્ટ પર જવાની જગ્યાએ સિંધુ ભવન રોડ પર જવાનું વધુ પસંદ કરશે. સાબરમતી નદીના કિનારે બેસીને મજા માણવાની જગ્યાએ લોકો હવે અન્ય જગ્યાએ જવાનું પસંદ કરી રહ્યા છે. એનું એક જ કારણ છે કે હવે સાબરમતી રિવરફ્રન્ટ જે છે એ ગંદકીથી ભરેલો અને અસલામત બની ગયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર જ એક પણ કેમેરા લાગેલા નથી
સ્માર્ટ સિટી તરીકે અમદાવાદ શહેરને ઓળખવામાં આવે છે. જોકે અમદાવાદ હજી સુધી ટેક્નોલોજીમાં ક્યાંકને ક્યાંક પાછળ હોય તેવું લાગી રહ્યું છે. 3જી જાન્યુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના તમામ ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓની મ્યુનિસિપલ કમિશનર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે મીટીંગ યોજાઇ હતી. સ્માર્ટ સિટી અંતર્ગત રૂ 950 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 16 પ્રોજેક્ટ હાલમાં અમલ છે, ત્યારે શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 6000થી વધુ કેમેરા લાગેલા છે, પરંતુ સાબરમતી રિવરફ્રન્ટ પર જ એક પણ કેમેરા લાગેલા નથી. કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં સીસીટીવી કેમેરા જ નથી. જેના કારણે જો કોઈ ગુનાખોરી થાય અથવા તો અસામાજિક તત્વોને પકડી શકાતા નથી.
સાબરમતી રિવરફ્રન્ટ એ સંવેદનશીલ વિસ્તાર બન્યો
એલિસબ્રિજના ધારાસભ્ય અને પૂર્વ મેયર રહી ચૂકેલા અમિત શાહ પણ આ બેઠકમાં હાજર હતા. તેઓએ પ્રિન્સિપલ કમિશનર સહિતના અધિકારીઓને સૂચન કર્યું હતું કે, શહેરમાં અનેક જગ્યાએ સ્માર્ટ સિટી અંતર્ગત કેમેરા લાગેલા છે. પરંતુ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને છેડા પર ક્યાંય પણ સીસીટીવી કેમેરા લાગેલા નથી. કોઈપણ જગ્યાએ રિવરફ્રન્ટ પર નીચેની જગ્યાએ અથવા ઉપર ક્યાંય કેમેરા લગાવવામાં આવ્યા નથી. હવે સાબરમતી રિવરફ્રન્ટ એ સંવેદનશીલ વિસ્તાર બની ગયો છે. ત્યારે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી છે. શહેરમાં લાગેલા 6,000 કેમેરામાંથી 386 જેટલા કેમેરા બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.