બેકાર એન્જિનિયર બન્યો ચોર:ન્યુ રાણીપમાં રૂ. 45 લાખની ચોરી કરનાર શખસ સહિત 2ની સાબરમતી પોલીસે ધરપકડ કરી, ઘરેથી બે કિલોમીટર દૂર જ ચોરી કરી

અમદાવાદએક વર્ષ પહેલા
જ્વેલર્સને ત્યાં રેકી કરીને એન્જિનિયર યુવકે ચોરી કરી હતી - Divya Bhaskar
જ્વેલર્સને ત્યાં રેકી કરીને એન્જિનિયર યુવકે ચોરી કરી હતી
  • સાબરમતી સર્વેલન્સ સ્ક્વોડની ટીમે 8 દિવસમાં 15 કિલોમીટર વિસ્તારના 92 સીસીટીવી ફૂટેજ તપાસ્યા
  • શકમંદ તરીકે આરોપી ઓળખ્યો અને આરોપીની ફોટા પરથી જ ધરપકડ થઈ

અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી પાયલ જવેલર્સ નામની દુકાનમાંથી રૂ. 45 લાખની મતાના દાગીનાની ચોરી કરનાર બેકાર એન્જિનિયર અને સોનાનો મુદ્દામાલ ખરીદનાર સોનીની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે. સાબરમતી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડની ટીમે 8 દિવસમાં જ 15 કિલોમીટર વિસ્તારના 92 સીસીટીવી ચેક કરી છેવટે શકમંદ વ્યક્તિ તરીકે ફોટા પરથી આરોપી સુધી પહોંચી ગઈ હતી.

બેકારી અને પરિવારમાં બીમારીએ એન્જિનિયરને ચોર બનાવ્યો
ઝોન 2 ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે આરોપી પોતે બેકાર છે અને ઘરમાં બીમારીના કારણે પૈસાની જરૂરિયાત ઉભી થતા ત્રણ દિવસ સુધી જ્વેલર્સના માલિકની રેકી કરી હતી. ઘાટલોડિયા વિસ્તારમાંથી બાઈક ચોરી કરી અને ફરિયાદીના સ્કૂટરમાંથી ચાવી કાઢી ચોરી કરી લીધી હતી.

પોલીસે વિવિધ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી અને ખરીદનારને ઝડપી પાડ્યા હતા
પોલીસે વિવિધ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી અને ખરીદનારને ઝડપી પાડ્યા હતા

પોલીસે અલગ-અલગ ટીમ બનાવી સીસીટીવીના આધારે શકમંદને ઝડપ્યો
ન્યુ રાણીપ વિસ્તારમાં પાયલ જવેલર્સમાંથી 5 જાન્યુઆરીના રોજ કોઈ અજાણી વ્યક્તિએ ઓરિજિનલ ચાવીથી દુકાન ખોલી અને સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂ. 45 લાખની મતાની ચોરી કરી હતી. ચોરીના પગલે સાબરમતી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ સ્કવોડના PSI બી પી ભેટરીયા અને તેમની ટીમે અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી શકમંદ આરોપી તરીકે શશી શુક્લા (રહે. પ્રમુખ બંગલોઝ, ન્યુ રાણીપ)ની ધરપકડ કરી હતી. આરોપી શશીની પૂછપરછ કરતા તેણે જ ચોરી કરી અને ઘાટલોડિયા વિસ્તારના શુભમ જવેલર્સના જીતેન્દ્ર ગેહલોતને ચોરીનો મુદામાલ વેચ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે આરોપી જીતેન્દ્રની પણ ધરપકડ કરી હતી.

એન્જિનિયર યુવકે જ્વેલર્સની તમામ બાબતોની માહિતી મેળવી પછી ચોરીને અંજામ આપ્યો હતો
એન્જિનિયર યુવકે જ્વેલર્સની તમામ બાબતોની માહિતી મેળવી પછી ચોરીને અંજામ આપ્યો હતો

આરોપીએ જ્વેલર્સની રેકી કરીને પછી ચોરીને અંજામ આપ્યો
આરોપી શશી પોતે એન્જિનિયર છે અને બેકાર છે. 2 જાન્યુઆરીના રોજ તેણે પાયલ જવેલર્સના માલિકની રેકી કરી હતી કે ક્યારે કેટલા વાગ્યે ઘરે જાય છે અને તે શું કરે છે. બાદમાં 5 જાન્યુઆરીના રોજ ચોરી કરવા માટે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી બાઇકની ચોરી કરી હતી. બાદમાં તેણે બાઈકથી ફરિયાદીનો પીછો કરી અને ચાવી કાઢી દુકાનમાંથી ચોરી કરી હતી. ચોરીનું બાઈક તેણે બેંક ઓફ બરોડાના બાજુમાં આવેલા મેદાનમાં બિનવારસી મૂકી દીધું હતું. દાગીના શુભમ જ્વેલર્સના ત્યાં વેચી પૈસા મેળવ્યા હતા જે રોકડા ઘરે મુક્યા હતા. બાકીના પૈસા તેણે ગાડીના હપ્તા ચૂકવવા અને દેવું ચૂકવવા માટે આપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...