દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
આપમાંથી જ નેતા બની પક્ષ છોડી ગયેલા કુમાર વિશ્વાસે પંજાબની ચૂંટણીમાં કેજરીવાલ પર ખાલિસ્તાની લેબલ લગાવવાની કોશિશ કરી અને ભાજપને મુદ્દો આપ્યોસ પણ આ મુદ્દો સફળ થયો નહીં, પરંતુ ગુજરાતમાં ચૂંટણી તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ફરી આ મુદ્દો ઊભો કરવા કુમાર વિશ્વાસે અમદાવાદમાં ‘અપને અપને રામ’ કાર્યક્રમ રાખ્યો હતો. વાસ્તવમાં રામ સેવા સમિતિના આયોજન હેઠળ આ કાર્યક્રમ હતો, પરંતુ આયોજન ભાજપનું જ હતું. ભાજપના મીડિયા ઇન્ચાર્જ યજ્ઞેશ દવે આ સમિતિના વડા હતા, એટલું જ નહીં GMDC ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પણ ભાજપના મીડિયા સેલે જ કરી હતી તેમજ આમંત્રણ પણ તેમના જ દ્વારા મોકલાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ઉતાવળમાં કુમાર વિશ્વાસની પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી અને તેનું કારણ એ બતાવાયું કે જે ઓપન સિક્રેટ જેવું છે કે કુમાર વિશ્વાસ અને ભાજપનું ગઠબંધન છે એ અંગેના પ્રશ્નો પુછાવાનો અણસાર આવી જતાં પત્રકાર પરિષદ રદ કરી દીધી. ભાજપ કદી ભગવાન રામ સાથેના તેમના સંબંધો છુપાવતું નથી, પણ કુમાર વિશ્વાસ સાથેના સંબંધો છુપાવવાની કોશિશ કરી છે.
શિક્ષણમંત્રીનો એકડો ઘૂંટાયો, પણ ધો.1થી 3નાં બાળકો ત્રણ વર્ષથી એકડો ઘૂંટી શક્યા નથી
કોરોનાના લીધે ધોરણ એકથી ત્રણના વિદ્યાર્થીઓ અભ્યાસનો એકડો પણ વ્યવસ્થિત રીતે ઘૂંટી શક્યા નથી. છેલ્લાં બે વર્ષથી કોરોનાના લીધે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે છે, જેની સૌથી વધુ અસર ધો.1, ધો.4 અને ધો.9ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર પહોંચી છે. ધોરણ એકથી ત્રણમાં માસ પ્રમોશન મેળવ્યા બાદ સીધા ધોરણ 4માં પહોંચી જતા વિદ્યાર્થીઓનો પાયો નબળો રહ્યો છે અને બીજી તરફ ધોરણ 6 ,7 અને 8માં માસ પ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓ ધોરણ-9માં પહોંચતાં ધોરણ 10માં જે પાયો આ શૈક્ષણિક વર્ષોમાં ઘડાતો હોય છે તેનાથી વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા છે.
કૉંગ્રેસનું સપનું સાકાર થશે...! કોરોના મૃતકોનાં પરિવારજનોને 4 લાખ આપશે
છેલ્લાં 25 વર્ષથી રાજકીય વનવાસ ભોગવતી કોંગ્રેસના નેતાઓ હવે મતદારોને આકર્ષવા નવાં નવાં નિવેદન કરવા લાગ્યા છે, જેમાં ગુજરાતમાં કોરોનાની મહામારીમાં 3 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. ત્યારે સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારોને 4 લાખની સહાય ચૂકવે તેવી પ્રબળ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ આ મુદ્દાને ચૂંટણી ઢંઢેરા તરીકે એજન્ડામાં રાખશે અને જો આ વખતે 2022 માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટ બેઠકમાં જ કોંગ્રેસ કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારને 4 લાખની સહાય આપશે તેવી ઘોષણા પણ કરી દેશે, જેની જાહેરાત કોંગ્રેસના દંડક સી.જે. ચાવડા દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તાજેતરમાં દ્વારકા ખાતે મળેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ અમે નક્કી કર્યું છે કે આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટ બેઠકમાં જ કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારજનોને અમારી સરકાર 4 લાખની સહાય તાત્કાલિક આપવાની જાહેરાત કરશે. આ મુદ્દો આગામી ચૂંટણી ઢંઢેરામાં પણ એજન્ડા ઉપર રહેશે તેવી સ્પષ્ટ વાત કરી હતી.
ગમે તે કહો, પણ આવશે તો રાજકુમાર જ...
હવે રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારે 6 મેના રોજ 60 વર્ષ પુરા કરી લીધા છે અને આ મહિને નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે અને સામે ચૂંટણી આવવાની અટકળો છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર તરફથી હવે રાજકુમાર સિવાય નવા ચીફ સેક્રેટરી તરીકે નવું નામ ચર્ચામાં આવે તેમ લાગતું નથી. તેથી હવે IAS લોબીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આવશે તો રાજકુમાર જ. રાજ્યના ગૃહ ખાતામાં ટોચના અધિકારી તરીકે જવાબદારી સંભાળ્યા પછી હવે ચીફ સેક્રટરીનો હોદ્દો સંભાળવો એ નવા CS માટે મુગુટ પર મોરપીંછ બનશે અને આગામી સરકારને એવા જ CS જોઇએ છે જે વહીવટમાં તો તેમની આવડત બતાવે સાથે ગૃહ વિભાગ માટે પણ તેમનું કૌવત બતાવે.
CSની ઓફિસમાં ફાઇલોના ઢગલા, સૌ કહે છે તેમને વધુ સમય આપો
હાલના ચીફ સેક્રટરી પંકજકુમાર તેમના પુત્રના લગ્નના કારણે એટલા વ્યસ્ત હતા કે કેટલાક વિભાગોમાં ફાઇલ પેન્ડિંગ રહેવાથી તેમની કામગીરી ધીમી પડવાની રાવ કરી રહ્યા છે અને છેલ્લા બે થી વધુ મહિનાથી કર્મચારીઓ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ કામ અટકી પડ્યાનું જણાવી રહ્યા છે. કેટલાક તો એમ પણ કહી રહ્યા છે કે, CSની ઓફિસની મુલાકાત લેવા જેવી ખરી, મોટા પ્રમાણમાં ફાઇલો પેન્ડિંગ છે. અહીં પેન્ડિંગ ફાઇલોનો ઢગલો વધી રહ્યો છે, તો કેટલાક આ બાબતને CSને વધુ સમય આપવો જોઇએ તેમ કટાક્ષમાં જણાવી રહ્યા છે.
મારી સરકાર, અને મારા IAS-IPS અધિકારીઓને જ અવોર્ડ
ગુજરાત ટૂરિઝમ અવોર્ડમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે મારા જ અધિકારીને હું જ વખાણું એવી સ્થિતિ ઊભી થઈ હતી. સરકારના જ વિવિધ વિભાગના વડા, જેવા કે ગૃહ વિભાગના આશિષ ભાટિયા અને સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા, ટૂરિઝમ કોર્પોરેશનના આલોક પાંડે અને જિલ્લા કલેકટરને સન્માનવામાં આવ્યા હતા. સાયન્સસિટીમાં રોબોટની મદદથી યોજાયેલા અવોર્ડ સમારંભમાં, જેમાં બેસ્ટ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે અંબાજીનો અવોર્ડ બનાસકાંઠા કલેકટર આનંદ પટેલને, રાજ્યમાં શાંતિની સ્થિતિ જાળવવા માટે સેફ્ટી ટૂરિઝમ અવોર્ડ પોલીસવડા આશિષ ભાટિયાને, નડાબેટ માટે BSFસાથે ટૂરિઝમ કોર્પોરેશનના MD અને CEO આલોક પાંડેને, સાયન્સ ટૂરિઝમ માટે બેસ્ટ સાયન્સ ડેસ્ટિનેશન તરીકે સાયન્સસિટીનો અવોર્ડ સાયન્સ સેક્રટરી સચિવ વિજય નેહરા અને એચસી મોદીને આપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.