દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવ્યા છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
જૂના મંત્રીઓ સાવ ખોવાઈ જ ગયા, સ્વર્ણિમમાં દેખાતા જ નથી
અત્યારે તો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ને સચિવાલયમાં એક જ વાત છે કે ભાઈ... ભૂપેન્દ્રભાઈ સીએમઓમાં બિરાજમાન થયા તેના 100 દિવસ તો હેમખેમ પાર કરી દીધા. હમણાં જ સીએમ ઓફિસના સ્ટાફના જ બે જણાને ગણગણાટ કરતા સાંભળ્યા. એમાં એકે કહ્યું હતું કે અલ્યા.. 100 દિવસ થઈ ગયા, પણ જૂની સરકાર એટલે કે વિજયભાઈની કુમકના નીતિનભાઈ અને પ્રદીપસિંહ જેવા માંડ બે મંત્રી જ એક-બે વાર આવ્યા છે. બાકીનાં વર્ષો સુધી મંત્રીપદ ભોગવનારા જૂના મંત્રીજીઓમાંથી કોઈ માર્ગદર્શન આપવા તો ઠીક.. સમ ખાવા પણ ડોકાયું નથી.
આ પણ વાંચોઃ જિતુભાઈ તો ભૂપેન્દ્રસિંહને સારા કહેવડાવે છે, યાદ છે કોણ છે નાણામંત્રી?, સચિવાલયના ઉંદરડાઓ જાડા થઈ ગયા
માર્ગદર્શન જોઈતું હોય તો વળી કોબા ક્યાં બહુ દૂર છે?
બીજાએ ઠાવકાઈથી જવાબ આપવાની અદામાં કહ્યું- ભાઈ ઊતર્યો અમલદાર કોડીનો કહેવાય, પણ આ તો બધા ઊતર્યા મંત્રીઓ છે અને માર્ગદર્શન કોને આપવાનું.. આ તો બધા માર્ગદર્શન લઈને જ આવ્યા છે.. અને જેને માર્ગદર્શન જોઈએ તેને વળી કોબા ક્યાં બહુ દૂર છે. ફોન પર લેવાય એવું ના હોય તો નવા મંત્રીઓ તો મારતી ગાડીએ રૂબરૂ જઈને પણ માર્ગદર્શન લઈ આવે તેવા છે. બાકી તો અત્યારે નવા અને જૂના બંને મંત્રીઓ માટેની સ્થિતિ પેલા ઉર્દૂ શેર જેવી છે કે..."હમ ઉન્હેં અપના બનાયે કૈસે, વો હમે અપના સમજતે હી નહીં.."
આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલ CM તો બની ગયા, પણ હાલત ‘દિલીપ પરીખ’ જેવી છે, AMC-ઔડામાં કાબે અર્જુન લૂંટિયો; વહી ધનુષ વહી બાણ
રૂપાલાએ એવી બેટિંગ કરી કે કોલેજિયનોને મોજ પડી ગઈ
ભાજપમાં ભલે નવા નવા નેતાઓની બોલબાલા હોય તોપણ ક્યારેક જૂના જોગીઓને સાંભળવાનો લહાવો મળી જાય તો એ અવિસ્મરણીય બની જાય છે. પુરુષોત્તમ રૂપાલાની જ વાત કરી લો. હમણાં જ ગાંધીનગરની એક ખાનગી યુનિવર્સિટીમાં યુથ પાર્લમેન્ટનો કાર્યક્રમ હતો અને કેન્દ્રના મત્સ્ય, પશુ સંવર્ધન અને ડેરીમંત્રી રૂપાલા તેમાં મુખ્ય વક્તા હતા. રૂપાલાએ તો અસલ સ્ટાઈલમાં બેટિંગ શરૂ કરી તો બધા જવાનિયાઓને પણ મોજ પડી ગઈ. આ જોઈને રૂપાલા પણ મોજમાં આવી ગ્યા અને તેમણે વાત-વાતમાં રામાયણના કિષ્કિન્ધાકાંડને ટાંકીને કહી દીધું કે, જામવંતે પ્રેરણા આપી અને હનુમાને સહસ્ત્ર જોજન ઊડીને દૂર રાવણની લંકામાં ડંકો વગાડ્યો. ખરું જોઈએ તો ભારત વતી દુનિયા પર આ પહેલી 'એરસ્ટ્રાઈક' હતી.
આજે પણ ગૃહમંત્રીની ઓફિસમાં જ ભીડ, બાકી બધે માખીઓ ઊડે છે
વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-2, કે જ્યાં રાજ્યકક્ષાના મંત્રીઓની ઓફિસ છે તે બિલ્ડિંગમાં માત્ર જૂના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહની ઓફિસમાં જ ચહલપહલ રહેતી. બાકીના રાજ્યકક્ષાના મંત્રીઓ સાવ નવરા જ બેસી રહેતા હતા. સરકાર બદલાઈ ગઈ, મંત્રીઓ બદલાઈ ગયા, પરંતુ આજે સાડા ત્રણ મહિના પછીય રાજ્યકક્ષાના નવા મંત્રીઓની હાલત જૂના સાથીઓ જેવી જ છે. સ્વર્ણિમ સંકુલ-2માં એકમાત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ત્યાં જ ભીડ હોય છે, બાકીના મંત્રીઓ તો માખીઓ જ મારતા હોય છે.
પાટીલનાં 'ટેબ્લેટ' નેતાઓ જ ગળી ગયાં
ગુજરાત ભાજપના ધારાસભ્યોથી માંડીને પ્રદેશ કારોબારીના નેતાઓને ડિજિટલ અને ટેકનોસેવી બનાવવા ભાજપે નવાનક્કોર ટેબ્લેટ આપ્યાં હતાં. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો જ આ આઈડિયા હતો, પણ ભાજપના નેતાઓ આ ટેબ્લેટનેય ગળી ગયા હતા. કોઈના હાથમાં ટેબ્લેટ દેખાતું જ નહોતું, જેથી એકવાર તો પાટીલ અકળાઈ ગયા હતા. તેમને કહેવું પડ્યું હતું કે ભાઈ ટેબ્લેટ ઉપયોગ કરવા આપ્યા છે, નહીં કરો તો પાછા લઈ લઈશું. આમેય પાર્ટીની બેઠક હોય કે ફંક્શન, 70 ટકા નેતાઓ હાથ હિલોળતા જ આવે છે ને પાછા કાર્યાલયમાં આવી ને જાત-જાતની વિગતો અને માહિતીની માગ કરે છે.
મંત્રીઓ માગે આઝાદી, મંત્રી ઓફિસમાં સંગઠનના કોઈ ને કોઈ તો હોય જ
ભૂપેન્દ્રભાઈની સરકારની આમ તો 'ક્રાંતિકારી' નિર્ણયકર્તા તરીકે છબિ ઉપસાવવા પ્રયાસો કરાય છે, પરંતુ એકેય મંત્રીને કામ કરવામાં ફ્રી હેન્ડ હોય એવું લાગતું નથી. એકેએક નિર્ણયમાં CM કરતાં CRને વધુ પૂછવું પડે છે એવું એક મંત્રીના જ આસિસ્ટન્ટે વાત.. વાતમાં કહી દીધું. કેટલાક મંત્રીઓની ઓફિસમાં તો સંગઠનના હોદ્દેદારોના માણસો ગોઠવાઈ ગયા છે. હવે 'રેઈડ માસ્ટર' રાજેન્દ્ર ત્રિવેદીની જ વાત કરીએ તો તેમની ઓફિસમાં ભાજપના મીડિયા સેલવાળા યજ્ઞેશ દવે અચૂક દેખાય. હર્ષ સંઘવીને ત્યાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ને જિતુ વઘાણીને ત્યાં પણ સંગઠનનું કોઈને કોઈક તો અવશ્ય દેખાય.
વાઇબ્રન્ટ સમિટમાં PM માત્ર ઓનલાઇન જ હાજરી આપશે?
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સૌપ્રથમવાર ઉદઘાટન સમારોહ બીજા સેશનમાં રાખવામાં આવ્યો છે, એટલે કે બપોર પછી વાઇબ્રન્ટ સમિટનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન હાલ તો શિડયૂલ છે, જે અગાઉ 2003થી સવારના 10 વાગ્યાની આસપાસ થતું હતું. એમાં વધુ ને વધુ ડેલિગેટસ ેમાં સામેલ થઇ શકે એ આશય હતો. હાલ તો વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનની હાજરીને લઇને તમામનું કહેવું છે કે પીએમ તેમની બ્રેન ચાઇલ્ડ એવી આ ઇવેન્ટમાં તો ખુદ હાજર રહે, પરંતુ રાજ્ય સરકારમાં જ એક વાત એવી વહેતી થઇ છે કે પીએમ કદાચ હાજર તો રહેશે પરંતુ વર્ચ્યુઅલી...એટલું જ નહીં, હવે પ્રશ્નો પણ તેને લઇને થાય તેમ છે. જો ઓનલાઇન ઇવેન્ટ થાય તો વિદેશીઓને તેમના દેશમાં વહેલી સવારે કે અડધી રાત્રે સમિટમાં હાજર રહેવા ઓનલાઇન થવું પડશે.
ઓમિક્રોનના ખતરા સામે વાઇબ્રન્ટનો પ્લાન બી અને સી તૈયાર
વાઇબ્રન્ટ સમિટના આડે હવે પંદર દિવસ જ બાકી છે, તેવા સંજોગોમાં ઓમિક્રોનને લઇને ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે, સાથે સાથે વિદેશોમાં ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ત્યાંના CEO કે કંપનીના CFO જેવી વ્યકિતઓ સમિટમાં હાજરી આપશે કે કેમ એ પ્રશ્ન ઉદભવ્યો છે. ત્યારે IAS અધિકારીઓને બીજા બેથી ત્રણ પ્લાન તૈયાર રાખવા જણાવ્યું છે, જેથી સમિટ ઓનલાઇન અને ઓફલાઇન એટલે કે હાઇબ્રીડ મોડલ આપનાવવા ચર્ચા ચાલી રહી છે. આવા સંજોગોમાં છેલ્લા બે મહિનાથી ચાલતી સમિટની તૈયારી લેખે લાગે તે માટે સમિટને ઓફલાઇન અને ઓનલાઇન સમન્વય રાખવા જણાવાયું છે. જો કે તારીખ 8 થી 10 જાન્યુઆરીએ ઓમિક્રોનનો કેવો ખતરો છે. તેના પર બધુ નિર્ભર છે.
IAS વિપુલ મિત્રાનું પોસ્ટિંગ, હવે એક જ વિકલ્પ
તાજેતરમાં આઠ જેટલા IAS અધિકારીની બદલીને પગલે IAS લોબીમાં નવી ચર્ચા ચાલી રહી છે. વાત જાણે એમ છે કે રાજકુમાર એટલે કે RKને ગૃહ વિભાગનો હવાલો સોંપવાથી જો વિપુલ મિત્રાને કોઇ ઊંચો હોદ્દો આપવો હોય તો તે GSFC(ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ) કે GNFC(ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની)ના ચેરમેન બનાવીને સચિવાલયની હદની બહાર મૂકી શકાય, પરંતુ હાલમાં જ મુકેશ પુરીને GSFCમાં મૂકવામાં આવતાં વિપુલના મિત્રા માટે આ દરવાજો પણ બંધ થઈ ગયો છે. હવે એક જ વિકલ્પ GNFCના ચેરમેનપદનો રહે છે. તેમાં સરકાર સમક્ષ હવે આ અધિકારીને સુપરસીડ કરવામાં આવ્યા હોય તો બધું સમુંસૂતરું કેવી રીતે પાડવું એ પણ યક્ષ પ્રશ્ન ઉદભવ્યો છે. અધિકારીઓમાં ચર્ચામાં એ બાબતની ચોક્કસ છે કે હવે વિપુલ મિત્રાને ક્યાં પોસ્ટિંગ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.