નમસ્કાર,
આજે રવિવાર છે, તારીખ 6 માર્ચ, ફાગણ સુદ- ચોથ ( વિનાયક ચતુર્થી)
આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે રાજ્યમાં PSIની લેખિત પરીક્ષા, 96,243 ઉમેદવારો પ્રિલિમનરી પરીક્ષા આપશે 2) આજથી 15 માર્ચ સુધી રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ, હેલ્મેટ-સીટ બેલ્ટનો ભંગ કરનાર પર કડક કાર્યવાહી થશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બેલારુસમાં ફસાયેલા વિદ્યાર્થીના માતા-પિતાએ પાટીલને હાથ જોડીને વ્યથા ઠાલવી-'ATMમાં પૈસા નથી ઉપાડતા, સંતાનોનું જીવવું મુશ્કેલ થયું'
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે બેલારુસમાં સ્થિતિ વણસી રહી છે. અને રાજકોટના વિદ્યાર્થીઓ બેલારુસમાં ફસાય છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે આજે રાજકોટ એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું આગમન થયું હતું. જ્યાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીના વાલીઓએ હાથ જોડીને પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે,' ATMમાં પૈસા નથી ઉપાડતા, સંતાનોનું જીવવું મુશ્કેલ થયું છે.' આ સાથે સંતાનોને ભારત લાવવા રજુઆત કરી હતી.
2) આખું ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવ્યું એ સ્થળના વીડિયો, ચિકન-મટન બાદ દૂધીનો હલવો ખાતાં મહેમાનોની તબિયત બગડી
કોંગ્રેસના નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરુખ ખાનના લગ્ન પ્રસંગમાં હાજર રહેલું આખેઆખું સવાલા ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવી ગયું છે, જેમાં 1221 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ છે. ત્યારે જે સ્થળે ભોજન સમારંભ રખાયો હતો ત્યાંના વીડિયો સામે આવ્યા છે. એમાં જોવા મળે છે કે જ્યાં ભોજન બનાવ્યું એ સ્થળ ગંદકીથી ખદબદી રહ્યું છે. લોકોએ ફૂડ-પોઇઝનિંગની અસર બાદ જે ભોજન અધૂરું મૂક્યું એ હજુ પણ હટાવ્યું નથી. આજે એના એ જ સ્થળે વેજ જમણવાર પણ યોજાવાનો હતો. કેટરર્સની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનું વઝીરખાન પઠાણે જણાવ્યું હતું. જ્યારે તમામ લોકોની સારવારનો ખર્ચ પણ વઝીરખાન પઠાણે ઉઠાવ્યો છે. આ અંગે વાત કરતા કરતા તેઓ રડી પડ્યા હતા.
3) સુરતમાં દુષ્કર્મ આચર્યા બાદ સગી દીકરીને લોહીલુહાણ હાલતમાં પિતા નજીકના દવાખાને લઈ જતાં CCTVમાં કેદ
સુરતમાં સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા નેપાળી શ્રમજીવી પરિવારના ઘરમાં ઘૂસી 10 વર્ષની બાળાને પીંખી નાખનારનો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પર્દાફાશ કર્યો છે. ઊલટતપાસ શરૂ કરતાં સગા પિતાએ બાળા સાથે દુષ્કર્મ આચર્યાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દીકરી પર બળાત્કાર કર્યા બાદ પિતા નજીકના દવાખાને પણ લઈ ગયો હતો. સીસીટીવીમાં નરાધમ પિતા બાળકીને લોહીલુહાણ હાલતમાં નજીકના દવાખાને લઈ જતો દેખાયો હતો.
4) સુરત સિટી બસમાં કંડક્ટરોની કટકીનો દિવ્યભાસ્કરમાં પર્દાફાશ, 1 વર્ષમાં 81 કરોડનું નુકસાન છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી
સુરત મહાનગરપાલિકાની BRTS અને સિટી બસમાં રોજના લાખોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવા છતાં કોર્પોરેશનની આવક કેમ ઓછી થાય છે. તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક આશ્ચર્યજનક બાબતો જોવા મળી હતી. મુસાફરોની સંખ્યા તો વધી રહી છે. પરંતુ તેની આવક સીધા ડ્રાઇવર અને કંડક્ટરો પોતાના ગજવામાં રાખી લેતા હોય તેવું લાગી રહ્યું છે.બસનું ટિકિટ ભાડું હોય છે. તે મુસાફરો પાસેથી લઈ લેવામાં આવે છે. અને ટિકિટના બદલામાં રૂપિયા સીધા જ ખીસ્સામાં કંડક્ટર દ્વારા નાખવામાં આવતાં હોવાનું દિવ્યભાસ્કરના કેમેરામાં કેદ થયું છે.વર્ષમાં 81 કરોડથી વધુનું નુકસાન બસ સેવામાં થવા છતાં પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોવાનું સામે આવ્યું છે.
5) રોમાનિયામાં રહેતા ગુજરાતીઓ સવારે નોકરી કરતાં અને સાંજે શેલ્ટર હાઉસ અને એરપોર્ટ પર આવી ફસાયેલા લોકોની મદદ કરતા
સમગ્ર વિશ્વ યુક્રેનની હાલત જોઈને ફફડી ઊઠ્યું છે. એક બાદ એક ધડાકા, આગ લાગેલી ઇમારત પોતાના ઘર છોડીને મેટ્રો સ્ટેશનમાં શરણ લેવી પડવી જેવાં દૃશ્ય સામાન્ય લોકોને હચમચાવી દે છે, પણ આટલી તકલીફની વચ્ચે આપણા વતનનું કોઈ મદદની વહારે આવે ત્યારે ખરેખર કોઈ મસીહા સામે આવ્યા હોય એમ લાગવા લાગે છે. વિદ્યાર્થી યુક્રેનની અલગ-અલગ બોર્ડરથી ભારત આવવા લાગ્યા ત્યારે રોમાનિયામાં 5 ભારતીય વોલેન્ટિયર ખરેખર દરેકના ચહેરા પર સ્મિત રેલાવવાનું નિમિત્ત બન્યા છે. આ વિદેશમાં દેશવાસીઓને મદદ કરનાર એમ્બેસીના ખરા અર્થમાં વોરિયર્સ એવા પાંચેય ગુજરાતીઓએ દિવ્ય ભાસ્કરને મહત્ત્વની વિગત જણાવી છે.
6) રશિયાએ યુક્રેનનાં બે શહેરોમાં સીઝફાયરની જાહેરાત કરી, યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે નિર્ણય લેવાયો
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો 10મો દિવસ છે. રશિયાએ યુક્રેનનાં બે શહેરોમાં સીઝફાયરની જાહેરાત કરી છે. યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં નહીં આવે ત્યાં સુધી હુમલા કરવામાં આવશે નહીં. ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે સીઝફાયર કરવામાં આવ્યું છે.
7) 2200 ભારતીય પરત ફરશે,સૂમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ કહ્યું- અમે રશિયાની બોર્ડર તરફ જઈ રહ્યા છીએ, વિદેશ મંત્રાલયે કહ્યું- જોખમ ન ઉઠાવો
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ગંગા'ના ભાગરૂપે શનિવારે 11 ફ્લાઈટ્સ આવશે. એમાં 2,200થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવશે. આ ફ્લાઇટમાંથી 10 દિલ્હીમાં અને એક મુંબઈમાં લેન્ડ થશે.સવારે 8 વાગ્યા સુધી એરફોર્સનાં ત્રણ સી-17 કાર્ગો પ્લેન 629 ભારતીયને લઈને દિલ્હી પહોંચી ગયું છે. 229 ભારતીયોને લઈને ઈન્ડિગો પ્લેન પણ રોમાનિયાના સુસિઆવાથી ઉડાન ભરી હતી. સવારે 7 વાગે દિલ્હી પહોંચ્યું હતું.
8) નડ્ડાએ કહ્યું- ચાર રાજ્યમાં ભાજપ બહુમતી સાથે સરકાર બનશે, અમિત શાહે કહ્યું- PM મોદી દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય વડાપ્રધાન
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર શનિવારે પૂરો થઈ ગયો છે. અંતિમ તબક્કામાં હવે ઉત્તર પ્રદેશના 9 જિલ્લાની 54 બેઠકો માટે સાત માર્ચના રોજ ચૂંટણી યોજાશે.અંતિમ તક્કાની ચૂંટણી પ્રચાર પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હી સ્થિત પાર્ટીકાર્યાલયમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ સાથે હતા.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અમદાવાદમાં 21 દિવસથી ગુમ 4 માસની બાળકીનું અપહરણ કરી 2 લાખમાં સોદો કરાયો, 9 આરોપીઓ ઝડપાયા 2) યુક્રેનના સુમી સ્ટેટમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી,કહ્યું-'એમ્બેસી મદદ નહીં કરે તો કાલથી પગપાળા પોલેન્ડ જવા નીકળીશું' 3) સુરત માતા-દીકરી રેપ વિથ મર્ડર કેસમાં આરોપી હર્ષ ગુર્જર અને મદદ કરનારને કોર્ટે દોષિત ઠેરવ્યાં, 7 માર્ચે સજાની સુનાવણી થશે 4) ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ST બસમાં મુસાફરી માટે નિઃશુલ્ક પાસ આપશે, આગામી સત્રથી લાભ મળતો થશે 5) વલસાડમાં 'પાગલ પ્રેમી' સગીરાનું અપહરણ કરી જંગલમાં લઇ ગયો, 300થી વધુ પોલીસ અને લોકોએ આખી રાત શોધખોળ કરી 6) વિદેશ મંત્રાલયનો દાવો- ખાર્કિવમાં એકપણ ભારતીય નહીં, પિસોચિનથી થોડા કલાકમાં દરેકને નીકાળી લેશે, ફોકસ સૂમી પર 7) સ્ટીલની તેજીથી ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ રિયલ એસ્ટેટની કિંમતો 10-15% સુધી વધશે
આજનો ઈતિહાસ
વર્ષ 1915માં આજના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર પ્રથમ વખત શાંતિનિકેતનમાં મળ્યા હતા.
અને આજનો સુવિચાર
માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.