ડૉલર સામે રૂપિયો પાવલી બરાબર:રૂપિયો ઓલટાઈમ તળિયે - 1 ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય 54 પૈસા તૂટીને 77.44 થયું

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય પદાર્થો વધુ મોંઘાં થશે
  • છેલ્લાં બે ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 109 પૈસા તૂટ્યો, આ વર્ષે 4% નબળો પડ્યો
  • નિકાસકારોને લાભ થશે પણ વિદેશમાં ફરવા, ભણવા જનારાઓનો ખર્ચ વધશે
  • ​​​​​​​ટોચના 6 ચલણની તુલનામાં ડોલર મજબૂત થયો, રૂપિયો હજુ વધુ ગગડશે એવી શક્યતા

અમેરિકી ડાૅલરની તુલનામાં ભારતીય રૂપિયો સોમવારે 54 પૈસા તૂટી 77.44ની નવી નીચી સપાટીને આંબી ગયો હતો. આ સાથે ડાૅલરની તુલનામાં રૂપિયાનું મૂલ્ય સૌથી તળિયે પહોંચ્યું છે. ફુગાવા સામે લડવા માટે વિશ્વની મોટા ભાગની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદરમાં ઝડપી વધારાની શરૂઆત કરી છે જેની સીધી અસર કરન્સી માર્કેટ પર પડી છે.

વ્યાજદરમાં વધારાના કારણે યુએસ યિલ્ડમાં સતત મજબૂતી રહી છે જેના કારણે ડાૅલર ઇન્ડેક્સ ઊંચકાઇ 104ની સપાટી કુદાવી ચૂક્યો છે જેના પરિણામે આજે મોટા ભાગના દેશોની કરન્સી તૂટી હતી. ફોરેક્સ માર્કેટમાં ડાૅલર સામે રૂપિયો સપ્તાહની શરૂઆતમાં વધુ 54 પૈસા ગગડી 77.44ની નવી નીચી સપાટી પર બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડે ખાતે શરૂઆતમાં 77ની સપાટી ઉપર જ 77.17 પર ખૂલ્યો હતો જે તૂટી 77.52 પહોંચ્યા બાદ અંતે 54 પૈસા ઘટીને 77.44 પર બંધ રહ્યો હતો.

છેલ્લાં બે ટ્રેડિંગ સેશનમાં ડાૅલર સામે રૂપિયો 109 પૈસા તૂટ્યો છે. છેલ્લે 8 માર્ચના રોજ રૂપિયો નબળો પડી 77ના નીચલા સ્તરે બંધ રહ્યો હતો. ભારતીય રૂપિયો સ્પોટ રેકોર્ડ નીચી સપાટીએ ગબડ્યો છે. મજબૂત ડાૅલર ઇન્ડેક્સ અને યુ.એસ.માં વધતી ટ્રેઝરી યિલ્ડ વચ્ચે એશિયન માર્કેટમાં નબળાઈને ટ્રેક કરી રહ્યા છે.

આ સેક્ટરને નુકસાન, ઇમ્પોર્ટ બિલમાં વધારો થશે

  • ક્રૂડ, ફર્ટિલાઈઝર-કેમિકલ, કેપિટલ ગુડ્સ અને ઈલેક્ટ્રોનિક ગુડ્સનું આયાત બિલ વધશે. જેની સીધી અસર મોંઘવારી પર પણ થશે.
  • વિદેશપ્રવાસ,વિદેશમાં અભ્યાસ માટે ડાૅલર પાછળ વધુ રૂપિયા ખર્ચવા પડશે.
  • જે લોકો વિદેશથી ડાૅલર મોકલે છે તેમને તેના બદલે રૂપિયામાં વધુ પૈસા મળશે.

આ સેક્ટરને ડોલરમાં પેમેન્ટ હોવાથી લાભ થશે

  • ડાૅલરમાં વિદેશથી IT કંપનીઓની આવક વધશે.
  • ફાર્મા, ટેક્સટાઈલ કંપનીઓ પણ ડાૅલરના હિસાબે કમાણી કરશે.

વિવિધ દેશોની કરન્સી સ્થિતિ

દેશોનું ચલણમૂલ્યતફાવત
ડાૅલર78-0.6
પાઉન્ડ96-0.64
કેનેડિયન ડાૅલર59.94-0.18
યુરો81.66-0.49
સ્વિસ ફ્રાન્ક78.03-0.21
જાપાનીઝ યેન0.59-
ચાઇનીઝ યુઆન11.530.01
ઓસ્ટ્રે.ડાૅલર54.330.14

​​​​​​​ઊભરતા બજારોમાંથી FII દ્વારા આક્રમક વેચવાલી કારણ
એલકેપી સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે 104 અમેરિકી ડોલર ઉપરનું ડોલરનું સ્તર દર્શાવે છે કે ઉભરતા બજારોમાંથી એફઆઇઆઇ દ્વારા આક્રમક વેચવાલી કરવામાં આવી છે. ફુગાવા તથા વ્યાજદરમાં વધારાને કારણે રૂપિયા પરના દબાણમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...