રજની રિપોર્ટર:કમલમ ખાતે કારોબારીમાં ચૂંટણી નહીં રૂપાણીની ચર્ચા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ યા સપ્તાહે કમલમ પર ભાજપની કારોબારી મળી હતી. જેમાં આમ તો આવતી ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણી તથા સંગઠનને લઇને બેઠકોનો એજન્ડા હતો. પરંતુ મૂળભૂત એજન્ડામાં અમુક નેતાઓ સિવાય બાકીનાને રસ હતો. સ્ટેજ પરથી થતાં ભાષણો કરતાં ઓફ ડાયસ અર્થાત સામેની બાજુએની પંક્તિઓમાં આપસમાં થતી ગુફ્તગુમાં જ નેતાઓને રસ પ઼ડ્યો. આ ગુફ્તગુ ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને રાજકોટમાં ભાજપના સ્નેહમિલન દરમિયાન થયેલાં ઘટનાક્રમના સંદર્ભમાં હતી. અંદરોઅંદર ચર્ચા ત્યાં સુધી ચાલી કે હવે આગામી સમયમાં રૂપાણી જૂથ રાજકોટમાંથી જબરદસ્ત રીતે ગળાઇ જશે અને પાટીલે આ ઘટનાનું રિપોર્ટીંગ છેક દિલ્હી સુધી કરી નાખ્યું છે. જોકે ,કમલમના કેટલાંક લોકોને લાગે છે કે અન્ય એક ગંભીર મુદ્દાને લઇને રૂપાણી આણી મંડળી પર કોઇ જબરદસ્ત પગલાં તોળાઇ રહ્યા છે.

મોદી સાથે ઔપચારિક વાતો છતાં, નેતાએ કહ્યું મહત્ત્વની મુલાકાત
હમણાં થોડા સમય પહેલાં ગુજરાત ભાજપના એક નેતા દિલ્હીમાં જઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા. આ મુલાકાત બાદ આવીને તેમણે બધાંને કહ્યું કે નરેન્દ્રભાઇ સાથે મારે ગુજરાતની રાજનીતિ સંદર્ભે હવે સરકાર બદલાયા બાદની સ્થિતિ અંગે ઘણી ચર્ચાઓ થઇ અને આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પણ વાતો થઈ. અચાનક જ પીએમઓમાંથી મુલાકાત માટે ફોન આવ્યો હોવાથી તાબડતોબ દિલ્હી પહોંચ્યા હોવાની વાત પણ આ નેતાએ અમુક વર્તુળોમાં કરી. પરંતુ સાવ નજીકના સૂત્રો મારફતે જાણવા મળ્યું છે કે આ નેતાની સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી તો ખરી, પણ તેમની સાથે કોઇ રાજકીય વાતો થઇ ન હતી. મોદીએ તેમને 15 મિનીટ સુધી ગુજરાતની સંસ્કૃતિ, વડનગર અને કચ્છનો ઐતિહાસિક વારસો, ખાણીપીણી અને પરિવારના સભ્યોના હાલચાલ અંગે જ વાતો કરે રાખી. નેતાના મનમાં બહુ ઇચ્છા હતી કે સાહેબ રાજકીય મુદ્દા પર આવે, પરંતુ નેતા તે મુદ્દો ઉખાળવાની હિંમત ન કરી શક્યા, અને મોદી સતત એ બાબત ટાળતા રહ્યા. પંદર મિનિટ બાદ મોદીએ પોતાને અન્ય કામ હોવાથી જવું પડશે, ફરી ગુજરાતમાં કોઇ સારા પ્રસંગે મળીશું કહી વિદાય આપી દીધી.

રાજકુમારની નિમણૂકનો હુકમ કેમ ઘોંચમાં પડ્યો
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના સચિવકક્ષાના અધિકારી અને ગુજરાત કેડરના સનદી રાજકુમારને ગુજરાતમાં પાછા મોકલવા માટે કેન્દ્ર સરકારે સંમતિ આપ્યા બાદ તેમની રાજ્યની સેવામાં નિયુક્તિ કરવામાં ગમે તે કારણસર વિલંબ થઇ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી દુબઇ પ્રવાસેથી પરત આવ્યે આ હુકમ થશે. એકતરફ રાજકુમાર ગુજરાત આવીને સીધાં જ મુખ્ય સચિવની ખુરશી પર બેસી જશે તેવી વાત જોરશોરથી ચાલી રહી છે, તેથી જ કોઇ કારણસર ગુજરાત સરકારે તેમને સંલગ્ન કોઇપણ પ્રકારનો હુકમ કરવાને બદલે તેને ટાળવાનું વલણ અપનાવ્યું છે. રાજકુમાર પણ હાલ દિલ્હીમાં જ છે અને સચિવાલયના બાબુઓના જણાવ્યા અનુસાર તેઓ કોઇપણ ટેન્શન વિના ત્યાં બેઠાં છે, તેમને ખ્યાલ છે કે ગુજરાત આવીને તેમને કયો હોદ્દો સંભાળવાનો છે, પરંતુ તેમની નિયુક્તિને લઇને સચિવાલયના બાબુઓમાં હાલ ઉચાટનું વાતાવરણ છે.

હજુ કેટલાક અધિકારી દિલ્હીથી આવે તેવી ચર્ચા
રાજ કુમારને દિલ્હીથી ગુજરાતમાં મુકવા બાબતે કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ હજુ કેટલાંક સરકારી બાબુઓને કેન્દ્ર સરકાર ગુજરાતમાં પોતાની મૂળભૂત કેડરમાં પાછા મોકલે તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જો કે આ પરત આવનારાં અધિકારીઓમાં હાલ કેન્દ્રીય સચિવ તરીકે બેસતાં એકપણ અધિકારી નહીં હોય તેવું પણ જાણવા મળ્યું છે. જો કે ડેપ્યુટી સેક્રેટરી કે તેનાથી નીચલો હોદ્દો ધરાવતાં સનદી અધિકારીઓને ગુજરાતમાં ચૂંટણી આવી રહી હોવાથી પાછાં મોકલવામાં આવી શકે છે. એક તરફે ગુજરાત કેડરના અધિકારીઓની સંખ્યા અગાઉ કરતાં કેન્દ્ર સરકારમાં ઘણી ઓછી થઇ ગઇ છે અને હજુ પણ ઓછી થઇ શકે છે. આ બેલેન્સ બરાબર કરવા માટે આવતાં સમયમાં ગુજરાત સરકારમાં સચિવ કે તેથી નીચેના હોદ્દા પર રહેલાં ત્રણેક અધિકારીની કેન્દ્રીય પ્રતિનિયુક્તિ થઇ શકે છે.

બાબુઓની બદલીની શક્યતા ,ગૃહ અને શહેરી વિકાસ જેવા મહત્ત્વના વિભાગો મુખ્ય રહેશે
આવતાં માસમાં ગુજરાત સરકાર બાબુઓની મોટાપાયે બદલી કરી શકે તેવાં સમાચારો પ્રાપ્ત થયાં છે. 30 નવેમ્બર સુધીમાં ગુજરાત સરકારનો સામાન્ય વહીવટ વિભાગ કેન્દ્રીય સચિવ રાજ કુમારની નિયુક્તિનો હુકમ બહાર પાડી દેશે તેવી મોટી શક્યતા છે. આ હુકમને આનુષાંગિક ગતિવિધી તરીકે ગુજરાત સરકાર મોટાપાયે બાબુઓની બદલી કરી શકે છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે આ બદલીઓમાં ઘણાં બધાં અધિકારીઓના ખાતાં બદલાઇ શકે છે. ગૃહ અને શહેરી વિકાસ જેવાં મહત્ત્વના વિભાગો તેમાં મુખ્ય રહેશે, પરંતુ માત્રે એકાદ બે વિભાગોમાં જ બદલી કરવાને બદલે અમુક અધિકારીઓના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, સચિવ ડ્યુ થયેલાં પ્રમોશનના ઓર્ડર સાથે બદલીઓના હુકમો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.

IAS અશ્વિની કુમાર સાઇડલાઇન ન થયા
1997 બેચના આઇએએસ અને સરકાર બદલાયાં બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના સચિવ બનેલા અશ્વિની કુમાર એકાદ મહિનાે કોઇપણ પોસ્ટિંગ વિના રહ્યા. ત્યારબાદ તેમનું રમતગમત વિભાગમાં પોસ્ટિંગ થયું ત્યારે એવી ચર્ચા થઇ કે તેમને સાવ સાઇડલાઇન પોસ્ટિંગ મળ્યું. પરંતુ તેમના પગલાં આ વિભાગમાં પડતાં જ ગુજરાત સરકારે હવે 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ભારત માટે આ પ્રથમવાર ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની તક હશે અને તેમાંય ગુજરાતમાં વિભાગના સચિવ તરીકે અશ્વિની કુમારને આ જવાબદારી મળતાં હવે તેમનું પોસ્ટિંગ સાઇડલાઇનને બદલે ઘણું મહત્ત્વનું બની ગયું છે. ગુજરાત અને ભારતને જશ અપાવવાની જવાબદારી આમ હવે તેમના માથે છે. ગયા અઠવાડિયે દિલ્હી પ્રવાસ દરમિયાન જ તેમને આ અંગે બ્રીફ કરવામાં આવ્યા હતા અને પરત આવીને તેમણે મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે મળીને આ માટેની તૈયારીની બેઠક કરી કામગીરી શરૂ પણ કરી દીધી છે. હજુ અશ્વિનીકુમાર વડનગરના ઐતિહાસિક વારસાના સ્થાપત્યોનું મહત્ત્વ વધારવાના પ્રોજેક્ટ ઉપર પણ સારું એવું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

દુબઇ પ્રવાસમાં હૈદરની હાજરીથી આશ્ચર્ય
આગામી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રચાર પ્રસાર અર્થે દુબઇ પ્રવાસે જઇ રહ્યા છે. અગાઉ તેમના પ્રવાસમાં તેમની સાથે માત્ર ઉદ્યોગ સચિવ રાજીવ કુમાર ગુપ્તા જ જોડાશે તેવું જાણવા મળ્યું હતું, પરંતુ તાજા સમાચારો મુજબ હવે આ યાત્રામાં ગુજરાત સરકારના પ્રતિનિધી તરીકે મુખ્યમંત્રી ઉપરાંત ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ જે હૈદર, ઇન્ડેક્સ્ટ બીના એમડી નીલમ રાની, અને મુખ્યમંત્રી કાર્યાલયના ખાસ ફરજ પરના અધિકારી નૈમેષ દવે પણ જોડાશે. જો કે આ યાદીમાં હૈદરનું નામ આશ્ચર્યજનક રીતે ઉમેરાયું છે. હૈદર આમ તો શિક્ષણ વિભાગના અધિકારી હોવાથી તેમને ઉદ્યોગ વિભાગ સાથે સીધો કોઇ સંબંધ નથી, પણ છતાં મુખ્યમંત્રીએ તેમને પોતાની સાથે લીધાં હોવાથી ખાસ ઉદ્દેશ્ય હોવો જોઇએ તેવું સચિવાલયના એક બાબુ જણાવે છે. જોકે તેઓ કહે છે કે આ દરમિયાન દુબઇ અને યુએઇની સરકાર સાથે શિક્ષણના ક્ષેત્રમાં કોઇ કરાર સંભવિત હોઇ શકે જેથી તેઓ જઇ રહ્યા હશે.

વાયબ્રન્ટના પ્રચાર-પ્રસાર માટે આવતાં સપ્તાહે સનદી અધિકારીઓ વિદેશ પ્રવાસે ઉપડશે
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રચાર પ્રસાર માટે આવતા સપ્તાહે ગુજરાતના ત્રણ સિનિયર સનદી અધિકારીઓ વિદેશ પ્રવાસે જવા રવાના થશે. નાણાં સચિવ જે પી ગુપ્તા અમેરિકા જઇ રહ્યા છે જ્યારે ગ્રામ વિકાસ કમિશ્નર સોનલ મિશ્રા યુરોપના પ્રવાસે જઇ રહ્યા છે. અગાઉ જાણવા મળ્યા મુજબ જાપાન અને કોરિયાના પ્રવાસે શ્રમ અને રોજગાર વિભાગના સચિવ અંજુ શર્મા જવાના હતા પરંતુ જાપાનમાં કોવિડને કારણે તેઓ ત્યાં જવા માંગતા નથી. ગુજરાત સરકાર જાપાનમાં જ પોતાના એક સનદી અધિકારી મોના ખંધારને કેમ આ જવાબદારી સોંપતા નથી તે નવાઇ પમાડે તેવી વાત છે. ખંધારને છેલ્લાં બે વર્ષથી ટોક્યોમાં ભારતીય દૂતાવાસમાં આર્થિક અને વાણિજ્યિક બાબતોના મંત્રી બનાવાયાં છે અને તેથી વાઇબ્રન્ટ માટેનો રોડ શો તેમનો જ એક વિષય બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...