કેબિનેટ બેઠકમાં બે મહત્ત્વપૂર્ણ નિર્ણય:જમીન માપણીનો પાયલોટ પ્રોજેક્ટ રાજ્યભરમાં લાગુ થશે, રખડતાં ઢોરનો આતંક રોકવા 50 હજાર આખલાનું ખસીકરણ કરાશે

ગાંધીનગર21 દિવસ પહેલા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં જમીન માપણીમાં સુધારા અંગે અને રખડતાં આખલાઓના ખસીકરણના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વેમાં આવેલ જમીન માપનની ભૂલોની અરજીના ઝડપી નિકાલ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં રખડતા ઢોર બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં રખડતાં પશુઓનો આતંક રોકવા 50 હજાર આખલાનું ખસીકરણ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જેથી લોકો પર થતા હુમલાને રોકી શકાય.

જામનગર અને દેવભૂમિ દ્ધારકામાં પાયલોટ પ્રોજેક્ટ
સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારને ખેડૂતોને પડતી રિ-સર્વે દરમિયાનની જે ક્ષતિઓ જાણવા મળી અને જેમણે વાંધા આપ્યા છે. ગુજરાતભરમાંથી એવા વાંધા આવ્યા હતા અને એ વાંધાઓના સુધારા માટે ઝડપી અમલ થાય. ઝડપી એ લોકોની મૂશ્કેલીઓનું નિવારણ થાય. તે માટે જામનગર અને દેવભૂમિ દ્વારકાથી આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી કરીને આ બંને જિલ્લામાં તેનો સફળતા પૂર્વ અમલ કર્યા બાદ બાકીના જિલ્લાઓમાં પણ ઝડપથી રિ-સર્વેમાં પડેલી ક્ષતિઓ અને મુશ્કેલીઓનો ઝડપથી નિકાલ આવે એના માટે રાજ્ય સરકારે શરૂઆત કરી છે. કહેવાનો તાત્પર્ય એ ક્યારે રિ-સર્વે રદ કર્યો છે એવો નહતો. માત્ર રિ-સર્વે દરમિયાન આપણને મળતી ક્ષતિઓના નિવારણ માટે અને ખેડૂતોને પડતી, પ્રોપર્ટી ધારોકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જે આવતા સમયે શક્ય હોય એટલું વહેલા સમગ્ર ગુજરાતની અંદર મળેલી ક્ષતિઓ અને મળેલા વાંધાનો ઝડપથી નિકાલ આવે એના માટે આ પાયલોટ પ્રોજેક્ટથી શરૂઆત કરી છે.

જમીન રિ-સર્વેનો નિર્ણય સરકારે ખૂબ મોડો લીધો
જમીન રિ-સર્વે અંગે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જમીન રિ-સર્વેનો નિર્ણય સરકારે ખૂબ જ મોડો લીધો છે. ગુજરાતના 5 લાખ કરતા પણ વધારે ખેડૂતોએ રિ-સર્વેની ફરિયાદ કરી હતી. સરકારે અત્યાર સુધી જમીન માપણીના નામે ધતિંગ કર્યા હતા. જૂની જમીન માપણીમાં ક્ષતિ કરનાર સામે કાર્યવાહી થવી જોઇએ. અત્યાર સુધી ચાલેલ માપણી અંગે તપાસ પંચ નીમવું જોઇએ.

રખડતાં ઢોરના આતંકને રોકવા 50 હજાર આખલાનું ખસીકરણ
રાજ્ય સરકાર દ્ધારા કરાયેલ સર્વે મુજબ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 50 હજાર જેટલા આખલા નોંધાયા છે. આ આખલાના હુમલાથી નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડી રહ્યો છે. સરકારે લોકો પર થતા હુમલાને રોકવા સમાધનરૂપે આખલાનું ખસીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલવામાં આવશે. અગાઉ સરકારે રખડતાં ઢોર બાબતે વિધાનસભામાં કાયદો પસાર કર્યો હતો. જોકે, સમગ્ર ગુજરાતમાં આ કાયદાનો વિરોધ થતાં કાયદો પરત ખેંચવામાં આવ્યો હતો.

‘આજીવન બળદનો નિભાવ ખર્ચ રાજ્ય સરકાર આપશે’
રખડતાં ઢોર બાબતે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે કડક વલણ દર્શાવ્યું છે. જેને લઈ રખડતાં આખલાને અંકુશમાં લેવા કેટલાંક નિયમો બનાવાયા છે. આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં બની રહેલી ઘટનાઓમાં મોટાભાગના બનાવ આખલાને કારણે જ બન્યા હોવાનું ધ્યાને આવ્યું છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આખલાનું ખસીકરણ કરી બળદ બનાવવામાં આવશે. ત્યારબાદ બળદને ગૌશાળામાં મૂકવામાં આવશે. જ્યાં આજીવન બળદનો નિભાવ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આગામી સમયમાં રખડતી ગાયના આતંકની ઘટનાઓ બનશે તો તે અંગે પણ સરકાર પગલાં લેવા વિચારણા કરશે.

અન્ય સમાચારો પણ છે...