ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતાઓ સક્રિય થવા લાગ્યા છે. આગામી સપ્ટેમ્બર માસમાં RSSના સરસંઘ ચાલક મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાગવત 28 સપ્ટેમ્બરે અમદાવાદ અને 29 સપ્ટેમ્બરના રોજ સુરતમાં વિવિધ ક્ષેત્રના લોકોને મળશે. આ ઉપરાંત પ્રાંતની ટીમ સાથે પણ મોહન ભાગવત બેઠક કરશે. અમદાવાદમાં ભાગવત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને સંઘના નેતાઓ સાથે બેઠક કરશે.
દત્તાત્રેય હોસબોલે સહિત સંઘના અનેક નેતાઓ આવશે
આ દરમિયાન સંઘના સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલે સહિત સંઘના અનેક નેતાઓ પણ ગુજરાત આવે એવી શક્યતા છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, જેને પગલે ભાજપે સંગઠનમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. 10 દિવસ પહેલા જ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાને હટાવીને બિહારના સંઘના નેતા રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા.
આ પહેલા મોહન ભાગવત ગત જાન્યુઆરીમાં પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મોહન ભાગવતે સ્વામિનારાયણ ગુરૂકુળની મુલાકાત લીધી હતી. તેમજ સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.