તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:VS હોસ્પિટલમાં રૂ. 32 કરોડનું EPF કૌભાંડ, 7.8 કરોડનો દંડ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
વીએસ હોસ્પિટલની ફાઇલ તસવીર - Divya Bhaskar
વીએસ હોસ્પિટલની ફાઇલ તસવીર
  • નવી પેન્શન યોજનાને બદલે કર્મચારીઓના રૂપિયા પાંચ વર્ષ બાદ ઈપીએફમાં જમા કરાવ્યા હતા
  • મ્યુનિ.ના ઠરાવની વિરુદ્ધ જઈ કર્મચારીઓનાં નાણાં ભરી દીધાં હતાં, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, તપાસ ચાલુ છે

મ્યુનિ. સંચાલિત વીએસ હોસ્પિટલના 800થી વધુ કર્મચારીના આશરે 32 કરોડ રૂપિયા નીતિ વિરુદ્ધ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડમાં બારોબાર ભર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

એપ્રિલ, 2005 બાદ જે કર્મચારીઓની ભરતી કરાઈ હતી તેમને ફરજિયાત ન્યૂ વર્ધિત પેન્શન યોજનાનો લાભ આપવા અંગે મ્યુનિ.એ સપ્ટેમ્બર, 2010માં ઠરાવ કર્યો હતો. જોકે હોસ્પિટલે નવી પેન્શન યોજનાનો અમલ કરવાના બદલે કર્મચારીઓના રૂપિયા પાંચ વર્ષ બાદ ઈપીએફમાં જમા કરાવ્યા હતા. પાંચ વર્ષ સુધી ઈપીએફમાં જમા કરવાના બદલે તે રૂપિયાનું શું કર્યું તે તપાસનો વિષય બન્યો છે. અનિયમિતતાના કારણે ઈપીએફ દ્વારા હોસ્પિટલ પાસેથી 7.8 કરોડ રૂપિયા પેનલ્ટી પણ વસૂલી હતી.

એપ્રિલ, 2005 બાદ સરકારી ખાતામાં ભરતી મેળવતા કર્મચારીઓને ફરજિયાત ન્યૂ વર્ધિત પેન્શન યોજનાનો લાભ આપવો તે અંગે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો, જેનો રાજ્યની તમામ કોર્પોરેશનને અમલ શરૂ કર્યો હતો. જોકે માત્ર વીએસ હોસ્પિટલે મ્યુનિ.ની નીતિ વિરુદ્ધ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના રૂપિયા 2019 સુધી ઈપીએફમાં જમા કરાવ્યા હતા. વીએસ મેનેજમેન્ટ બોર્ડે મ્યુનિ.ની નીતિ મુજબ ન્યૂ વર્ધિત પેન્શન યોજનાનો અમલ કરાવવા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને સત્તા આપી હતી ત્યારે સુપરિન્ટેન્ડન્ટે સત્તાનો દુરુપયોગ કરી મેનેજમેન્ટ બોર્ડની મંજૂરી વગર પીએફના રૂપિયા 2010 પછી ઈપીએફમાં રોક્યા હતા.

જોકે 2005થી 2010 સુધી કર્મચારીઓના પીએફના રૂપિયા વીએસ ટ્રસ્ટમાં પડ્યા હતા તેનું ક્યાં રોકાણ થયું તેની તપાસ શરૂ થઈ છે. વર્ષ 2017-18માં આશરે 55 લાખ રૂપિયા વીએસના બજેટમાંથી ઈપીએફને વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. સમગ્ર બનાવ બન્યો તે સમયના વીએસના ડેપ્યુટિ સુપરિન્ટેન્ડન્ટ અને હાલ એસવીપીના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. સંદીપ મલહાનનો વારંવાર પ્રયત્ન કરવા છતાં સંપર્ક થઈ શક્યો નહોતો. વીએસના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ બાબુભાઈએ કહ્યું કે, આ સમગ્ર વિષય તપાસ હેઠળ છે માટે હું કંઈ કહી શકીશ નહીં.

દંડની રકમ સુપરિન્ટેન્ડેન્ટ પાસેથી વસૂલ કરો : ટ્રસ્ટી
2005થી 2010માં હોસ્પિટલે કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલા પીએફના 24 કરોડ ઈપીએફમાં ભર્યા ન હતા તે માટે ઈપીએફએ હોસ્પિટલ પાસેથી 7.8 કરોડની પેનલ્ટી વસૂલ કરી હતી. નિયમ પ્રમાણે કર્મચારીનો પીએફ પગાર થયાના સાત દિવસમાં ઈપીએફમાં જમા કરાવાનો હોય છે. જોકે હોસ્પિટલે 5 વર્ષ સુધી કર્મચારીઓના પીએફના રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. ઈપીએફએ કરેલી પેનલ્ટી ખરેખર ભરવા પાત્ર ન હતી. પેનલ્ટીની રકમ ભરવા વીએસ હોસ્પિટલે વીએસના પીએફ. ટ્રસ્ટ પાસેથી પાંચ કરોડ રૂપિયા લીધા હતા.

ઈપીએફ- ન્યૂ વર્ધિત પેન્શન વચ્ચે તફાવત
કર્મચારીના પગારમાંથી કપાતા પીએફમાંથી વર્ષે 7થી 8 ટકાનું રિટર્ન મળે છે જ્યારે ન્યૂ વર્ધિત પેન્શન સ્કિમમાં કર્મચારીને 12થી 15 ટકા રિટર્ન મળે છે. ન્યૂ વર્ધિત પેન્શન સ્કિમમાં જુદાજુદા ત્રણ ફંડ ઈક્વિટી, ડેટ ફંડ અને કોર્પોરેટ ફંડમાં રોકાણ થાય છે. રોકાણ બાબતે જે તે રેગ્યુલેટરી ઓથોરિટી ક્યાં અને કેટલા ટકા રોકાણ કરવું તે નક્કી કરે છે. 2005માં ભરતી થયેલા કર્મચારીઓ માટે ફરજિયાત ન્યૂ વર્ધિત પેન્શન અમલમાં આવેલી છે.

આ બાબતે અઢી વર્ષથી હોસ્પિટલે ટ્રસ્ટીઓને કોઈ માહિતી આપી નથી
વીએસ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ટ્રસ્ટી ડો. નિશિત શાહે જણાવ્યું હતું કે, 2 કરોડનો આર્થિક ગોટાળો થયો છે તે બાબતની હોસ્પિટલ પાસે અઢી વર્ષથી માહિતી માગી છે, પણ હોસ્પિટલ અથવા એએમસી તરફથી કોઈ જવાબ મળતો નથી. ઈપીએફ દ્વારા વી.એસ.ને 7.8 કરોડની પેનલ્ટી કરાઈ છે તેની રિકવરી તે સમયના સુપરિન્ટેન્ડન્ટ પાસે કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...