તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો હાથફેરો:અમદાવાદમાં પરિવાર સાથે સાળંગપુર દર્શન કરવા ગયેલા વકીલના ઘરમાંથી સોનાના દાગીના સહિત જમીન દસ્તાવેજના 20 લાખ રૂપિયાની ચોરી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
CCTVમાં ચોરી કરનાર શખ્સ કેદ થઈ ગયો - Divya Bhaskar
CCTVમાં ચોરી કરનાર શખ્સ કેદ થઈ ગયો
  • રોકડ રૂ. 20 લાખ અને 2 લાખના દાગીના મળી રૂ. 22 લાખની મતા ચોરાઈ
  • ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો, બેડરૂમમાં આવેલા કબાટના દરવાજા ખુલ્લા હતા

અમદાવાદમાં ફરી એકવાર ચોરી, હત્યા અને હુમલાના કિસ્સામાં વધારો થયો છે. પોલીસને ગુનેગારો ચેલેન્જ આપતા હોય એમ ગુનાખોરી વધી રહી છે. એક જ દિવસમાં ત્રણ હત્યાની ઘટના બાદ ધોળા દિવસે રૂ. 22 લાખની ચોરીની ઘટના સામે આવી છે. પાલડી વિસ્તારમાં આવેલા અક્ષત ફ્લેટમાં વકીલના ઘરમાં તસ્કરો ત્રાટકી જમીન દસ્તાવેજ માટે રાખેલા રોકડા રૂ. 20 લાખ અને 2 લાખના દાગીનાની મળી રૂ. 22 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વકીલનો પરિવાર સાળંગપુર દર્શન કરવા ગયો હતો ત્યારે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. પાલડી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઈન્ટરલોક તોડી અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી ગયા
ઈન્ટરલોક તોડી અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી ગયા

ચોરી કરનારે નકુચાને સ્ક્રૂથી ખોલી અને ઈન્ટરલોક તોડ્યું
પાલડી વિસ્તારમાં ધરણીધર દેરાસર પાસે આવેલા અક્ષત ફ્લેટમાં શિલ્પાબેન શાહ પરિવાર સાથે રહે છે. શિલ્પાબેનના પતિ નીતિનભાઈ સિવિલ કોર્ટમાં વકીલ છે. મંગળવારે શાહ પરિવાર બોટાદ ખાતે સાળગપુર દર્શન કરવા માટે ગયો હતો. ઘરને લોક મારી ચાવી બાજુમાં આવેલા મકાનમાં આપીને ગયા હતા. સાંજે પરિવાર પરત ઘરે આવ્યો હતો. શિલ્પાબેન બાજુમાંથી ચાવી લઈ ઘર ખોલવા ગયા ત્યારે ઘરનો દરવાજો અંદરથી ખુલ્લો હતો. નકુચાને સ્ક્રૂથી ખોલી ઈન્ટરલોક તોડી અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરની તમામ લાઈટો ચાલુ હતી. ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેમણે પતિને જાણ કરી હતી.

કબાટના દરવાજા ખુલ્લા હતા અને ડ્રોઅર પણ પલંગ પર હતા
કબાટના દરવાજા ખુલ્લા હતા અને ડ્રોઅર પણ પલંગ પર હતા

અન્ય રૂમમાં કબાટ પણ વેરવિખેર હતા
ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. બેડરૂમમાં આવેલા કબાટના દરવાજા ખુલ્લા હતા અને ડ્રોઅર પણ પલંગ પર હતા. કબાટમાં ડ્રોઅરમાં જમીનના દસ્તાવેજ માટે મૂકેલા રોકડા રૂ. 20 લાખ ગાયબ હતા તેમજ રૂ. 2 લાખના સોના અને ચાંદીના દાગીના ગાયબ હતા. અન્ય રૂમમાં કબાટ પણ વેરવિખેર હતા. ઘટનાની જાણ પાલડી પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અજાણ્યા શખસ ઘરના નકુચાને તોડી રૂ. 22 લાખની મતાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પાલડી પોલીસે નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે.