કોરોનાના દર્દીના જીવનો સોદો:અમદાવાદ, રાજકોટ, સુરત સહિતનાં શહેરમાં રૂ. 100નું ટેટ્રાસાઇકલ ઇન્જેક્શન રેમડેસિવિરના નામે વેચ્યાં, 7ને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા, એક ફરાર

અમદાવાદ7 મહિનો પહેલા
  • એક તરફ દર્દીઓ તરફડિયાં મારતા હતા, ત્યારે દલાલો ફાઈવ સ્ટાર હોટલ હયાતમાં બેઠાં બેઠાં ઇન્જેક્શનના સોદા કરતા હતા
  • મજબૂરીમાં સ્વજનોએ આ ઇન્જેક્શનના 29 હજાર રૂપિયા ચૂકવ્યા, પણ ખરેખર એ ડુપ્લિકેટ હતાં
  • ક્રાઈમ બ્રાંચે હોટલમાં રેડ પાડી 133 રેમડેસિવિરનો જથ્થો ઝડપી પાડ્યો
  • પોલીસે 7 આરોપીને ઝડપી 133 ઇન્જેક્શન અને 21 લાખ રોકડા જપ્ત કર્યાં

કોરોનાની મહામારીમાં રેમડેસિવિર ઈન્જેક્શનને રામબાણ ઈલાજ માનીને દર્દીઓના સગાં હજારો રૂપિયા ખર્ચીને ઈન્જેક્શન મેળવવા માટે રખડી રહ્યા છે. આ સંજોગોમાં માનવતાના દુશ્મનોએ નકલી રેમડેસિવિર ઈન્જેક્શનો બનાવીને મોતનો વેપાર શરૂ કર્યો હતો. ટ્રેટાસાયક્લિનના ઈન્જેક્શનોને રેમડેસિવિરના લેબલ લગાવી કાળાબજારમાં વેચનારા સાત ઈસમોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ 133 જેટલાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેક્શનો કબજે કર્યા છે.

ટેટ્રાસાઇકલ ઇન્જેક્શનનો જથ્થો પોલીસે કબજે કર્યો.
ટેટ્રાસાઇકલ ઇન્જેક્શનનો જથ્થો પોલીસે કબજે કર્યો.

એક પછી એક રહસ્યો ખૂલતા સાત પકડાયા, એક ફરાર
રાજ વોરાએ જણાવ્યું કે, તેને નિતેષ કૈલાશકુમાર જોષી (રહે. નરોડા) પાસેથી રૂ. 12000ના ભાવે લીધા હોવાનું અને હાલમાં તે વસ્ત્રાપુર હોટલ હયાતમાં રોકાયેલો હોવાનું જણાવતા પોલીસે હયાત હોટલમાં રેડ પાડી નિતેશ અને તેના મિત્ર શક્તિસિંહ ભવાનીસિંહ રાજપૂતને પકડીને બેગમાંથી નકલી 103 રેમડેસિવિર અને ડુપ્લીકેટ વાયલ્સના વેચાણમાંથી મળેલા રૂ. 21, 04, 700 મળી આવ્યા હતા. એક પછી એક રહસ્યો ખૂલતાં કુલ આઠ આરોપીઓમાંથી ક્રાઈમ બ્રાંચે સાતને ઝડપી પાડ્યા છે અને એક વોન્ટેડ છે. આરોપીઓ સામે સહઅપરાધ મનુષ્યવધ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ઔષધ પ્રસાધનની કલમો મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નાની-મોટી વસ્તુ વેચનારાએ ઈન્જેક્શન વેચ્યા
કોરોના સમયે હિતેશ, દિશાત અને વિવેક નાની-મોટી વસ્તુ વેચવા માટે સંપર્કમાં આવ્યા હતા, પણ આ વખતે તેમણે 5000થી વધુ લોકોનો જીવ દાવ પર લગાવી દીધો છે. તેમને ટેટ્રાસાઇકલના 100 રુપિયાના ઈન્જેક્શન ખરીદીને રાયપુરમાં રેમડેસિવિર ઈન્જેકશનનાં સ્ટિકર બનાવ્યાં હતાં. એ બાદ હયાત હોટલમાં આ જોખમી ઇન્જેક્શનનો સોદો થતો હતો.ઈન્જેકશન અનેક લોકોને વેચતાં સદોષ માનવવધ મુજબ ગુનો નોંધાયો
અમદાવાદથી લઈને અનેક શહેરમાં આ ઈન્જેકશન 5000 લોકોને અપાઈ ગયાં હશે, જેમાં કેટલાકના મૃત્યુ થયા હોવાની આશંકાના આધારે હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. હાલ આરોપીઓ સામે સદોષ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે કાર્યવાહી કરી
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેક્શનો બનાવીને દર્દીઓને કાળાબજારમાં ઊંચી કિંમતે વેચી રહ્યાં છે. બાતમીના પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે ચાંદખેડા ઝુંડાલ સર્કલ પાસે વોચ ગોઠવીને નકલી રેમડેસિવિરનો જથ્થો આપવા આવેલા સનપ્રિત ઉર્ફે સન્ની તથા રિસિવર જય ઠાકુરને ઝડપી લીધા હતા. તેમની પાસેથી હિટીરો કંપનીના 20 રેમડેસિવિર મળી આવ્યા હતા. પૂછપરછમાં સનપ્રિતને તેના પાલડીમાં રહેતાં મિત્ર રાજ વોરાએ આપ્યા હોવાનું જણાવતા પોલીસે રાજના ઘરે જઈ તપાસ કરતા આ જ બનાવટના અન્ય 10 વાયલ્સ મળી આવ્યા હતા.

વસ્ત્રાપુરની હયાત હોટલમાં પણ 2 પકડાયા
કુલ 30 ઇન્જેક્શન બાબતે પૂછપરછ કરતાં નરોડામાં રહેતા નિતેશ જોશી પાસેથી રૂ. 12000ના ભાવે ઇન્જેક્શન લીધાં હતાં, જે વસ્ત્રાપુર હયાત હોટલમાં રોકાયો છે, જેથી ક્રાઈમ બ્રાન્ચે હોટલ હયાતમાં તપાસ કરતાં નિતેશ જોશી અને તેનો મિત્ર શક્તિસિંહ રાવત મળી આવ્યો હતો. તેમની પાસે રહેલી બેગમાં તપાસ કરતાં કુલ 103 ઇન્જેક્શન મળી આવ્યાં હતાં અને વેચાણમાંથી રોકડ રૂ. 21 લાખ મળ્યા હતા. આ સમગ્ર ઇન્જેક્શનો વડોદરામાં રહેતા વિવેક મહેશ્વરી પાસેથી લીધાં હતાં.

બાપુનગરમાંથી ગેરકાયદે રેમડેસિવિરના જથ્થા સાથે 3 પકડાયા
​​​​​​​અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાપુનગરમાંથી 24 રેમડેસિવિર સાથે ઝાયડસ બાયોટેક, ચાંગોદરના કર્મચારી સહિત 3 વ્યક્તિઓને વ્યકિતઓને ઝડપી પાડ્યા હતા.જેમાં હાર્દિક ધનજીભાઈ વસાણી, મિલન ગભરૂભાઈ સવસવીયા, તથા દેવલ દિનેશભાઈ કસવાળા (ત્રણે રહે. નિકોલ) ને ઝડપી લીધા હતા. નોંધનીય છે કે, આરોપી મિલન ઝાયડસ બાયોટેક પાર્ક ચાંગોદરમાં નોકરી કરે છે. જ્યાંથી તે રેમડેસિવિર ઈન્જેક્શનો ચોરી લાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

રાયપુરમાં પ્રિન્ટિંગનું કામ કરતાં આરોપીએ નકલી સ્ટિકરો છપાવ્યા હતા
આરોપીઓમાં વડોદરાનો વિવેક મહેશ્વરી ફાર્માસ્યુટિકલ અને સર્જીકલને લગતો ધંધો કરે છે. વિવેકે તેના મિત્ર દિશાંત સાથે મળીને પિપેરાસિલિન અને ટેઝોબેકટેમ એન્ટિ બાયોટિકના ઈન્જેક્શનની બોટલો મેળવી તેના અસલી સ્ટિકર કાઢી હીટેરો તથા જ્યુબિલિયન્ટ કંપનીના રેમડેસિવિર ઈન્જેક્શના બનાવટી સ્ટીકરો ચોંટાડી બોકસ તૈયાર કર્યા હતા, જે સ્ટિકર બનાવવા માટે પારિલ પારિતોષ પટેલ રાયપુરમાં પ્રિન્ટિંગનું કામ કરે છે.

વડોદરામાં ફાર્મમાં જગ્યા ભાડે રાખી ડુપ્લિકેટ વાયલ્સ બનાવ્યા હતા
ચાંગોદર સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી આરોપી વિવેક મહેશ્વરી અને મિત્ર દિશાંત ફાર્માસ્યુટિકલ તથા સર્જીકલના લેટરપેડથી એન્ટિ બાયોટિકની બોટલો ખરીદતા હતા. આ ડુપ્લિકેટ વાયલ્સ બનાવવા માટે આરોપી દિશાંત જગદીશે વડોદરા ધનીયાવી રોડ પર આવેલા રાધુપુરા હસનભાઈ પટેલના ફાર્મમાં રૂ. 12 હજાર ભાડામાં જગ્યા રાખી હતી. જ્યાંથી સ્ટિકરો, પેકીંગ માટે હર્ષિલ પટેલને નોકરીએ રાખ્યો હતો.

આરોપીઓએ રાજ્યમાં અત્યાર સુધી 500થી વધુ નકલી ઈન્જેક્શનો વેચ્યાં
પોલીસ તપાસમા બહાર આવ્યું છે કે, આરોપીઓએ અત્યાર સુધીમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શનોને અસલી હોવાના સ્ટિકરો લગાવીને રાજ્યમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતા કોરોનાના દર્દીઓને મોટી કિંમત મેળવી વેચી દીધા છે. દર્દીઓની સાથે છેતરપિંડી કરવાના હીન કૃત્ય સામે ફિટકારની લાગણી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...