તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય સરકારની જાહેરાત:ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાતની 6 મહિલા ખેલાડીને 10-10 લાખ સહાય આપશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના ઇતિહાસમાં 60 વર્ષમાં પ્રથમવાર 6 ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
  • ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં રમનાર 6 મહિલા ખેલાડીઓને સહાય

ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. 23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ગુજરાતની એકસાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. રાજ્ય સરકાર આ પ્રત્યેક મહિલા ખેલાડીઓને 10 લાખ રૂપિયાની નાણાંકીય સહાય આપશે.

ઓલિમ્પિકમાં જનારી ગુજરાતની 6 દીકરીઓને રૂ.10 લાખની સહાય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની 6 દિકરીઓને પ્રત્યેકને રૂ. 10 લાખની નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની આ 6 દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે તેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

23મી જુલાઈથી ટોક્યોમાં ઓલિમ્પિકની શરૂઆત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ 6 પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. 10 લાખની નાણાંકીય સહાય આપવા સાથે આગામી ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે. ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલિમ્પિક-2021 રમતો આ વર્ષે 23મી જુલાઇ 2021થી 8 ઓગસ્ટ સુધી અને પેરા-ઓલમ્પિક રમતો 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.

માના પટેલની ફાઈલ તસવીર
માના પટેલની ફાઈલ તસવીર

માના પટેલ (સ્વિમિંગ)માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા સ્વિમર બની ગઈ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઇ કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં છે.

આ પણ વાંચોઃ 8 વર્ષે સ્વિમિંગ શરૂ કરનારી માના પટેલનું દેશને ઓલિમ્પિકમાં મેડલ અપાવવાનું સપનું, સવારે અને સાંજે બે-બે કલાક કરે છે સ્વિમિંગ

ઈલાવેનિલ વલારીવનની ફાઈલ તસવીર
ઈલાવેનિલ વલારીવનની ફાઈલ તસવીર

ઈલાવેનિલ વલારીવન (શૂટિંગ)ઈલાવેનિલ મૂળ ગુજરાતી નથી, જન્મે તમિલ છે પણ ઉછેર અમદાવાદમાં થયો છે. શૂટિંગની તાલીમ પણ અહીં લીધી છે. તેણે વિવિધ સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યા છે. ઓલિમ્પિકમાં ભારત તરફથી અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં મેડલ મેળવ્યા પછી ભારતીયોનું ધ્યાન આ રમત પર પડ્યું છે. 21 વર્ષિય ઈલાવેનિલ એર રાઈફલ શૂટિંગમાં એ વર્લ્ડમાં નંબર વન સુધી પહોંચી ચૂકી છે.આ પણ વાંચો: બિન્દ્રા અને નારંગના ફેવરિટ ઈવેન્ટમાં ઇલાવેનિલ વલારિવાન શૂટિંગ કરે છે; વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે

અંકિતા રૈનાની ફાઈલ તસવીર
અંકિતા રૈનાની ફાઈલ તસવીર

અંકિતા રૈના (ટેનિસ)ગુજરાતમાં 11 જાન્યુઆરી 1993માં જન્મેલી અંકિતા રૈના પણ ટોક્યો ઓલિમ્પિકમાં જશે. અંકિતા ટેનિસમાં ડબલ્સ ગેમ રમશે અને ડબલ્સમાં તેની જોડી સાનિયા મિર્ઝા સાથે બનાવવાની છે. અમદાવાદમાં જન્મેલી અંકિતા 28 વર્ષની છે અને વર્લ્ડ ટેનિસ રેન્કિંગમાં 95મા ક્રમે છે. અત્યાર સુધીમાં તે 11 સિંગલ અને 18 ડબલ્સ ટાઈટલ જીતી ચૂકી છે. તેના પિતા રવિન્દરકૃષ્ણ રૈના મૂળ કાશ્મિરી પંડિત છે અને હિંસાના કારણે કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ખીણ છોડવાનું શરૂ કર્યું ત્યારે અંકિતાનો પરિવાર પણ ત્યાંથી નીકળી ગયો હતો.

સોનલ પટેલની ફાઈલ તસવીર
સોનલ પટેલની ફાઈલ તસવીર

સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ)અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય સોનલ પટેલનું ટોક્યો ખાતે યોજાનાર પેરાલિમ્પિકમાં સિલેક્શન થયું છે. સોનલ પટેલે જન્મથી દિવ્યાંગ હોવાથી સારો અભ્યાસ કરીને શિક્ષક બનવાનું સપનું જોયું હતું પણ તેમાં મને સફળતા ન મળી ન હતી. બાદમાં અંધજન મંડળના શિક્ષકો અને મિત્રોની મદદથી પેરા ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી સખત મહેનતથી પેરા ટેબલ ટેનિસમાં સારું પ્રદર્શન કરતી રહી હતી. હાલ તેઓ વિશ્વમાં 19માં રેન્ક પર છે.

ભાવિના પટેલની ફાઈલ તસવીર
ભાવિના પટેલની ફાઈલ તસવીર

ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)ભાવિના પટેલ છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી પેરા ટેબલ ટેનિસ રમે છે. તેમનું ટોક્યો ખાતે યોજાનારા રમતોત્સવમાં સિલેક્શન થયું છે. તેઓ 28 વાર ભારતનું પ્રતિનિધિત્વ કરીને 5 ગોલ્ડમેડલ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝમેડલ જીત્યા છે. ઉપરાંત વર્ષ 2013માં તેમને ટાઇફોડ થયો હોવા છતાં તેઓ બેંગકોક ખાતે યોજાયેલી ઓપન ચેમ્પિયનશીપમાં સિંગલ્સ મેચમાં સિલ્વર અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ જીત્યા હતા.

પારુલ પરમારની ફાઈલ તસવીર
પારુલ પરમારની ફાઈલ તસવીર

પારુલ પરમાર (પેરા બેડમિન્ટન)ગાંધીનગરની પેરા બેડમિન્ટનની મહિલા દિવ્યાંગ ખેલાડી અર્જુન એવોર્ડી પારૂલ પરમાર વર્ષ 2021માં જાપાનના ટોક્યો ખાતે યોજાનારા આગામી ઓલિમ્પિકમાં સિંગલ્સમાં રમી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ભારતના પહેલા મહિલા ખેલાડી છે જે ઓલિમ્પિકની પેરા બેડમિન્ટનમાં રમશે. આ સાથે તેઓ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કેટેગરીમાં પણ પહેલીવાર ઓલિમ્પિક રમશે.

પારૂલ પરમારના જણાવ્યા મુજબ, ઓલિમ્પિકમાં રમવા માટે વિશ્વમાં રેંકિંગ ખૂબ અગત્યનું છે અને તેઓ પેરા બેડમિન્ટનની એસએલ-૩ કેટેગરીમાંથી સિંગલ્સ રમે છે જેમાં તેમનો રેંકિંગ છેલ્લા 15 જેટલા વર્ષોથી નબર-1 છે. પરંતુ ઓલિમ્પિકમાં તેનાથી એસએલ-૩ કેટેગરીનો સમાવેશ થતો નથી તેથી તેઓ તેનાથી ઊંચી કેટેગરી એસએલ-4માં રમશે. જેમાં તેઓનો સામનો તેમનાથી થોડી ઓછી દિવ્યાંગતા ધરાવતા ખેલાડી સાથે થશે. વળી ડબલ્સમાં તેઓ પાંચમો અને મિક્સ ડબલ્સમાં છઠ્ઠો રેંક ધરાવે છે.