ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામેલા મકાનો જર્જરિત હાલતમાં મૂકાયા છે. 2 લાખ રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રવિવારના રોજ હાઉસિંગના ત્રણ જુદા જુદા એપાર્ટમેન્ટમાં છતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. જો કે બે બનાવમાં કોઇ જાનહાનિ કે કોઇને ઇજા ન હતી. પરંતુ સોલા રોડ પરના શિવાલય એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટી પડવાના કારણે એક મહિલાને ઇજા થઇ હતી. ત્યારે હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમાં પણ હાઉસિંગના ફલેટોમાં ત્રીજા માળે રહેતાં મકાનોની પરિસ્થિતિ હવે સામાન્ય રહી નથી. જેના કારણે જાનમાલની હાનિ થવાની સંભાવના હોવાનો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ હાઉસિંગ રિડેવલપમેન્ટની સ્ક્રીમને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારણપુરા વિસ્તારના ચાર કોર્પોરેટરો સાથે બેઠક યોજવાના હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. આ બાબતને નજર સમક્ષ રાખીને ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ દ્વારા નારણપુરા વિસ્તારના ચારેય કોર્પોરેટરોને પોતાના વતી મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આજે આવેદનપત્ર સુપ્રત કર્યા હતા. આમ બંને હાઉસિંગના સંગઠનોએ વહેલી તકે રિડેવલપમેન્ટ યોજનાનો સ્થાનિક રહીશોને લાભ મળે તે માટે કમર કસી છે.
આવેદનપત્રમાં પેનલ્ટી માફીના સરકારના પગલાંને આવકાર
હાઉસિંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના અગ્રણી એવા રામેશ્વર એપાર્ટમેન્ટના પ્રમુખ સંદિપ ત્રિવેદી, શાંતિ એપાર્ટમેન્ટના પ્રમુખ વિશાલ કંથારીયા, સુરમ્ય એપાર્ટમેન્ટના સભ્ય મનુભાઇ ચૌધરી, નિર્મલ એપાર્ટમેન્ટના પ્રમુખ અશ્વિનભાઇ સુમેર્યા તેમ જ ઉન્નતિ એપાર્ટમેન્ટના રમેશ શર્માએ સંયુક્તપણે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ આવેદનપત્રમાં પેનલ્ટી માફીના સરકારના પગલાંને આવકારતાં જણાવ્યું છે કે, આવી યોજનાઓમાં જે લાભાર્થીઓએ સમયાંતરે સામાજિક કે આર્થિક જરૂરિયાત મુજબ મકાન વધાર્યું છે તેઓને આ લાભ મળતો નથી. તો તેમને પણ રાહત પેકેજ સાથે માફી યોજના આપવી જોઇએ. જેથી વધુમાં વધુ મકાનોના દસ્તાવેજ થશે અને ભવિષ્યમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયાને વેગ મળશે.
33 ટકાના કારણે 75 ટકા સભ્યોને મુશ્કેલી પડે છે
તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટમાં અસંમત સભ્યો સામે 60-એની નોટીસ સમયસરની કાર્યવાહીના વિલંબના કારણે રિડેવલપમેન્ટમાં નિયમ મુજબ ગયેલી યોજનાઓનું કામ અટક્યું છે. તો તેના માટે સરકાર કડક અમલીકરણ કરે અને આવી યોજનાઓમાં ઉપરના મળના મકાનોની પરિસ્થિતિ હવે સામાન્ય રહી નથી. જેના કારણે જાનમાલની હાનિ થવાની સંભાવના છે. જ્યારે નીચેના 33 ટકા મકાન માલિકો જલ્દી રિડેવલમેન્ટ માટે તૈયાર થતા નથી. જેથી 75 ટકા કરવા મુશ્કેલ પડે છે. દરેકને સરખી તક મળે તે રીતે સંમંત સભ્યોની ટકાવારીની સંખ્યા 75 ટકાના બદલે 60 ટકા કરવી જોઇએ. તેના માટે જરૂરી કાયદાકીય સુધારા કરવા માંગણી કરી છે.
મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાનો કોઇ અમલ નહીં
અમર એપાર્ટમેન્ટ અને સુરમ્ય એપાર્ટમેન્ટનું તાત્કાલિક રિ-ટેન્ડર પ્રકાશિત કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી લેખિતમાં 24-3-2022ના રોજ જણાવવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નહીં હોવાનું ફેડરેશને મુખ્યમંત્રીને સુપ્રત કરેલાં આવેદનપત્રમાં જણાવ્યું છે.
રવિવારે ત્રણ એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટી પડ્યો
રવિવારે ગુજરાત હાઉસિંગના ત્રણ એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટી પડયો હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. તે મુજબ રવિવારે બપોરે સોલા રોડ પર આવેલા શિવાલય એપાર્ટમેન્ટના એક મકાનમાં ધાબાનો સીલીંગનો ભાગ તૂટી પડતાં એક મહિલાને ઇજા થવા પામી હતી. જો કે તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તે જ રીતે નવાવાડજ સ્થિત હરિઓમ એપાર્ટમેન્ટમાં પણ આ જ રીતે ધાબાનો સીંલીંગનો ભાગ તૂટી પડયો હતો. જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ કે ઇજા થવા પામી ન હતી. તે જ રીતે સોલા રોડ પરના રામેશ્વર એપાર્ટમેન્ટના બ્લોક નં. 23ના કમોન પેસેજની છતનો કેટલોક ભાગ તૂટી પડયો હતો. પરંતુ આ બનાવમાં પણ કોઇને ઇજા કે જાનહાનિ થવા પામી ન હતી.
સરકારમાં રજૂઆત કરવા વિનંતી કરાઇ
ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ તથા સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-1ના પ્રમુખ દિનેશ બારડ, શ્રીનગર એપાર્ટમેન્ટના પ્રમુખ બિપીન પટેલ તેમ જ સત્યમ એપાર્ટમેન્ટના સભ્ય દિપક પટેલે સંયુક્તપણે આજે નારણપુરા વોર્ડના ચાર કોર્પોરેટરો ગીતાબેન પટેલ, જયેશભાઇ પટેલ, દર્શનભાઇ શાહ અને બિન્દાબેન સુરતીને પાઠવેલા પત્રમાં સરકારની પેનલ્ટી માફીની યોજનાને આવકારવાની સાથોસાથ રિડેવલપમેન્ટની પ્રક્રિયા સરળ બને તે માટે સરકારમાં રજૂઆત કરવા વિનંતી કરી છે. આ પત્ર સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલને અગાઉ સુપ્રત કરેલાં આવેદનપત્રની નકલ પણ જોડવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.