...ને લઠ્ઠાકાંડ થયો:રોજીદની પંચાયતે 4 માસ પહેલાં પોલીસને ચેતવી હતી ‘ગામમાં બેફામ દારૂ વેચાય છે, અનિચ્છનીય ઘટના બની શકે છે’

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લાના રોજીદ ગામે દારૂબંધીના કડક અમલ માટે લખેલા પત્રમાં ‘લઠ્ઠાકાંડ’ સર્જાવાના એંધાણ આપી દેવાયા હતા

બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં 15 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ લઠ્ઠાકાંડમાં સરકારે ગુજરાત એટીએસને પણ તપાસમાં જોતરી છે. પ્રાથમિક તપાસમાં અમદાવાદની એક ખાનગી કંપનીમાંથી કેમિકલ સપ્લાય થયો હોવાનું એટીએસ સૂત્રોનું કહેવું છે. આ કેમિકલ બરવાળાના ચોકડી ગામના પિન્ટુએ લીધો હોવાનું જાણવા મળ્યું છે. અહીં બરવાળા ખાતે જ દારૂ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ દારૂ રોજીદ ગામે વેચવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી ગામે પણ દારૂ સપ્લાય કરવામાં આવ્યો હતો. બોટાદના અન્ય બે ગામોમાં પણ દારૂ સપ્લાય થયો હોવા અંગે એટીએસ દ્વારા તપાસ ચાલી રહી છે.

સોમવારે બપોર બાદ લઠ્ઠાકાંડની ઘટના જાહેર થઈ તે બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. માર્ચ 2022માં રોજીદ ગ્રામ પંચાયત દ્વારા બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખાયો હતો. જેમાં રોજીદ ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે માગણી કરી હતી. આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ થયો હતો કે, રોજીદ ગામમાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે જેને કારણે ભયનો માહોલ ઊભો થયો છે. અને અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. ગામની મહિલા અને દીકરીઓની છેડતી કરે છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવે છે.

કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ બનવાની શક્યતા હોવાથી ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, જે તે સમયે ગ્રામ પંચાયતે લખેલા આ પત્ર અંગે કોઈપણ પ્રકારની તકેદારી કે પગલા લેવામાં આવ્યા ન હોવાને કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદથી કેમિકલ સપ્લાય થયો, બરવાળાના ચોકડીમાં લઠ્ઠો બન્યો, રોજીદ સહિત 3 ગામમાં વેચાયો
એટીએસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. જે 15 વ્યક્તિના મૃત્યુ થયા છે તે તમામ લોકો આ ગામોના હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...