ઠગાઈ:દંપતીને હજ પઢવા માટે મોકલવાનું કહીને ઠગ ટૂર ઓપરેટરે 10 લાખ પડાવ્યા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મ્યુનિ.ના નિવૃત્ત કર્મચારી સાથે ઠગાઈ
  • ટૂર ઓપરેટર સામે વેજલપુરમાં ફરિયાદ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા દંપતિને હજ પઢવા માટે મોકલવાનું કહીને ટૂર ઓપરેટરે રૂ.10 લાખ પડાવી લીધા હતા. પહેલા રૂ.8 લાખમાં દંપતિને હજ પઢવા મોકલવાનું નક્કી કર્યુ હતુ. ત્યારબાદ વિઝા ફી અને ટેક્સ વધી ગયો હોવાથી બીજા રૂ.2 લાખ લીધા હતા.

ફતેવાડી બસ સ્ટેન્ડ પાસેના નવરંગ ટેનામેન્ટમાં રહેતા અલ્તાફહુસેન મહંમદભાઈ મલેક(65) પત્ની સાહેદાબાનુ પરિવાર સાથે રહે છે. અલ્તાફહુસેન અને સાહેદાબાનુ મ્યુનિ.કોર્પો.માંથી નિવૃત્ત થયેલા છે. તે બંનેને હજ પઢવા માટે જવાનું હોવાથી તેમની જ પરિચિત દ્વારા દાણીલીમડા સરકારી ગોડાઉન પાસે ફૈઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રા.લિ. ના ભાગીદાર શાહીન મોહંમદ કામીલ પરિયાણી અને તેના પતિ મોહંમદકામીલને મળ્યા હતા.

શાહીન અને મોહંમદ કાલીમે એક વ્યકિતને હજ પઢવા મોકલવાનો રૂ.4 લાખ ખર્ચો થશે તેવી વાત કરી હતી. જેથી અલ્તાફહુસેનને પત્ની સાથે જવાનું હોવાથી રૂ.8 લાખમાં બંનેને મોકલવાનું નક્કી કર્યુ હતુ. અલ્તાફહુસેન અને સાહેદાબાનુની હજ માટે જવાની પ્રોસેસ ચાલુ થતા અલ્તાફહુસેને શાહીન અને તેના પતિને ટુકડે ટુકડે રૂ.8 લાખ ચૂકવી દીધા હતા તેમજ જરૂરી તમામ ડોક્યૂમેન્ટસ પણ આપી દીધા હતા. 2022માં હજ માટે લઈ જવાની વાત હોવાથી અલ્તાફહુસેન અને શાહીન જવાની તૈયારી કરી રહ્યા હતા.

આ દરમિયાન શાહીને તેમને ફોન કરીને કહ્યું હતંુ કે વિઝા ફી અને ટેક્ષ વધી ગયો છે, જેથી તમારે બીજા 2 લાખ આપવા પડશે. પૈસા મળી જતા શાહીને કહ્યું હતુ કે 3 જુલાઈની તમારી ફલાઈટ છે. અલ્તાફહુસેન અને સાહેદાબાનુના વિઝા આવ્યા ન હતા. ત્યારબાદ તો શાહીન અને તેના પતિએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. જેથી આ અંગે અલ્તાફહુસેને બંને વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...