અમદાવાદી એન્જિનિયરે પોતાના યુનિક આઈડિયાથી શહેરમાં એક એવી કેફે બનાવી છે જે બહારથી જોતા તો સમાન્ય કેફે જેવી જ છે પરંતુ અંદર પ્રવેશ્તા જ ગ્રાહકોને અલગ જ નજારો જોવા મળશે. આ કેફેમાં માણસો નહીં પણ રોબોટ જ રોબોટ જોવા મળશે. ઓર્ડર લેવાથી લઈને નાસ્તો સર્વ કરવા સુધી માટે અલગ-અલગ રોબોટ છે. મજાની વાત એ પણ છેકે, આ રોબોટ તમારા પ્રશ્નોના જવાબો પણ આપશે. દિવ્યભાસ્કરે આ 'રોબોટ કેફે'ની મુલાકાત લીધી હતી અને કેફેના માલિક સાથે ખાસ વાતચીત કરી હતી. તો આવો જાણીએ કેવો છે આ કેફે અને અહીંના રોબોટ તમને કેવી સર્વિસ આપશે.
3 વર્ષમાં અલગ-અલગ રોબોટ તૈયાર કર્યા
કઈક નવું કરવાની ઈચ્છા સાથે અમદાવાદના આકાશ ગજ્જરને એક રોબોટિક કેફે બનાવવાનો વિચાર આવ્યો. ત્યારબાદ મિત્રોની મદદથી માત્ર 3 વર્ષમાં એન્જિનિયરનું સપનું સાકાર થયું છે. આકાશ ગજ્જરે અલગ અલગ પ્રકારનાં ઓટોમેટિક મશીન બનાવ્યાં છે. આકાશે 3 વર્ષ અગાઉ રોબોટિક કેફે શરૂ કરવાનો વિચાર કર્યો હતો, જે કોન્સેપ્ટ તેના અન્ય એન્જિનિયર મિત્રો સાથે શેર કર્યો હતો અને એ માટે કામ શરૂ કર્યું હતું. 3 વર્ષ દરમિયાન રોબોટ તૈયાર કર્યા હતા. એ બાદ એમાં જરૂરી ફીચર્સ એડ કર્યાં હતાં. ફીચર્સના આધારે રોબોટની ટ્રાયલ લીધી હતી.
શરૂઆતમાં મુશ્કેલી પડી, પણ આજે કેફે તૈયાર છે
રોબોટિક કેફેમાં રોબોટ માત્ર જમવાનું સર્વ કરે છે અને એ મોટા ભાગે ભારત બહારથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે, ત્યારે અન્ય દેશની મદદ વિના આકાશે મિત્રો સાથે મળીને મેડ ઇન ઇન્ડિયા જ રોબોટ તૈયાર કર્યા છે. આ રોબોટ તૈયાર કરવામાં કેટલીક મુશ્કેલી પડી હતી, એમ છતાં રોબોટ અને તેના સેન્સર તૈયાર કર્યા હતા. રોબોટ તૈયાર કર્યા બાદ વસ્ત્રાપુર લેકની સામે રોબોટિક કેફે તૈયાર કર્યું છે, જે ટૂંક સમયમાં શરૂ કરાશે.
ઓર્ડર લેવાથી લઈ સર્વ કરવા સુધીના રોબોટ છે
આ રોબોટિક કેફેમાં મોટા ભાગની વસ્તુઓ રોબોટ અથવા ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે. કેફેનું નામ રોબોટ કેફે આપવામાં આવ્યું છે. કેફેમાં પ્રવેશતાં જ ટેબલ પર બેસીને કોઈને ઓર્ડર લખવાની જગ્યાએ બાર કોર્ડ સ્કેન કરીને ઓર્ડર આપવાનો રહેશે. ઓર્ડર આપ્યા બાદ રોબોટ સુધી ઓર્ડર પહોંચશે, એ બાદ કેફેમાં રહેલી વ્યક્તિ ઓર્ડર આપેલી વસ્તુઓ મશીન દ્વારા તૈયાર કરશે, એ બાદ રોબોટ એને સર્વ કરશે.
રોબોટ સાથે વાતચીત પણ કરી શકાય છે
માત્ર સર્વ જ નહીં, પરંતુ રોબોટના હાથ પર લાગેલા ક્યુઆર કોડથી પેમેન્ટ પણ કરવાનું રહેશે. આ ઉપરાંત કેફેમાં પાણી અને જ્યૂસ માટે પણ એક રોબોટ રાખવામાં આવ્યો છે, જેની પાસે ગ્લાસ લઈને જતાં સેન્સર દ્વારા રોબોટ પાણી અને જ્યૂસ સર્વ કરશે. ઉપરાંત એક રોબોટ એવો પણ છે, જેમાં એને કોઈ વસ્તુ અંગે પ્રશ્ન પૂછતાં તે એનો જવાબ આપશે. રોબોટ લોકોને ગાઈડ પણ કરશે.
એક સ્વાઈપ પર ચા કોફી-નાસ્તો મળી જાય છે
આ કેફેમાં ઓટોમેટિક ભેલ, પફ, સમોસાં, ચા કોફી અને પાણીપૂરીનું મશીન પણ લગાવવામાં આવ્યું છે. કેફેનું એક કાર્ડ કસ્ટમરને આપવામાં આવશે, જેમાં ઓનલાઇન બેલેન્સ કરાવવાનું રહેશે. કાર્ડ આ મશીન પાસે સ્કેન કરવાથી અથવા કાર્ડ સ્વાઈપ કરાવીને કોઈનના ઉપયોગથી પફ, સમોસાં, ભેલ, પાણીપૂરી મેળવી શકાય છે. પાણીપુરીમાં અલગ અલગ પાણી પણ કોઈના સંપર્ક વિના સેન્સર દ્વારા મળશે.
લોકોની પસંદને ધ્યાનમાં રાખીને રોબોટિક કેફે શરૂ કર્યું: આકાશ ગજ્જર
કેફે અંગે આકાશ ગજ્જરે જણાવ્યું હતું કે, કોરોના બાદ લોકો વધુ હાઇજેનિક થયા છે. લોકોને કોન્ટેકટ લેસ રહેવાનું વધુ પસંદ છે, જેથી લોકોની પસંદને ધ્યાનમાં રાખીને રોબોટિક કેફે શરૂ કર્યું છે, જેમાં તમામ વસ્તુઓ રોબોટ દ્વારા તૈયાર થશે. આ કેફેમાં માત્ર 2 વ્યક્તિ કિચનમાં કામ કરશે, એ સિવાય બહારનું મેનેજમેન્ટ રોબોટ દ્વારા જ થશે. કેફેમાં આવનારી વ્યક્તિ કોઈના કોન્ટેકમાં આવ્યા વિના હાઇજેનિક ફૂડ મેળવી શકશે. કેટલીક વસ્તુઓ રોબોટ આપી શકશે તો કેટલીક વસ્તુઓ ઓટોમેટિક મશીનથી જ મેળવવાની રહેશે..આ પ્રકારની ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમ વખત એવું કેફે શરૂ કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.