ત્રણ બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ:નવરંગપુરાના મીઠાખળી પાસે જ્યોતિષીની કાર આંતરી રૂ.5 લાખની લૂંટ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એક બાઇકસવારે કાર અટકાવી વાતોમાં રાખ્યા, બાકીના બે રૂપિયાનું બંડલ ઉપાડીને નાસી ગયા

નવરંગપુરાના મીઠાખળી અંડરબ્રિજથી કારમાં પસાર થતા જ્યોતિષીને હેલ્મેટ પહેરેલા બાઇકચાલકે ઊભા રાખી વાતો કરાવી પાછળથી બાઇક પર આવેલા તેના બે મિત્રો કારની આગળની સીટમાં મૂકેલા રૂ.4.99 લાખનું બંડલ લઈને ભાગી ગયા હતા. જ્યોતિષીએ બાઇકચાલકનો મીઠાખળી ગામ સુધી પીછો કર્યો, પરંતુ તેઓ હાથમાં આવ્યા ન હતા. આ અંગે જ્યોતિષી મનીષ પંડ્યા (ઉં.52)એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

શેલાના વિશ્વનાથ સોપાનમાં રહેતા મનીષ પંડ્યા મહેર હોમ્સમાં ઓમ એસ્ટ્રો નામથી જ્યોતિષીનું કામ કરે છે. તેઓ સાંજે 4 વાગે કારમાં આશ્રમ રોડ પર આવેલી એચ. રમેશચંદ્ર આંગડિયા પેઢીમાંથી 4.99 લાખ લઈ મીઠાખળી અંડરબ્રિજથી પસાર થતા હતા ત્યારે હેલ્મેટ પહેરેલા બાઇકચાલકે મનીષ પંડ્યાને સાઇડમાં ઊભા રહેવાનો ઇશારો કરતા તેમણે કારને ઊભી રાખી ડાબી સાઇડના દરવાજાનો કાચ ખોલી બાઇકચાલકને તે તરફ બોલાવતા બાઇકચાલક આવ્યો હતો.

એ દરમિયાન પાછળથી બાઇક પર બીજા બે યુવકો આવી કારની આગળની સીટ પર પડેલું રૂ. 4.99 લાખનું બંડલ લઈને ભાગી ગયા હતા, જ્યારે જ્યોતિષી સાથે વાત કરતો યુવક પણ ભાગી ગયો હતો. જ્યોતિષી મનીષભાઈએ કાર યુ ટર્ન લઈ મીઠાખળી ગામ સુધી બાઇકચાલકોનો પીછો કર્યો, પરંતુ એ લોકો ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ અંગે મનીષભાઈએ બાઇકસવાર ત્રણ યુવકો વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...