હુમલા બાદ લૂંટ:અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પાસે આંખમાં મરચાંની ભૂકી નાખીને 5 લાખની લૂંટ, રાતે 11 વાગ્યે કલેક્શનના પૈસા લઇ સુપરવાઇઝર ઘરે જતો હતો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈકથી એક્ટિવાને ટક્કર મારી ઝઘડો કર્યો, બેગ લૂંટી બાઇક પર ફરાર થઈ ગયા

આશ્રમ રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીઓ પર આડેધડ ગોળીબાર કરીને રૂ.72 લાખની મતાની લૂંટની ઘટનાને હજુ 2 દિવસ પણ થયા નથી, ત્યારે 132 ફુટ રિંગરોડ પર લુટારુઓએ કુરિયર કંપનીના સુપરવાઈઝરના મોપેડ સાથે બાઈક અથડાવી ઝઘડો કરીને આંખમાં મરચાંની ભૂકી નાખીને રૂ.5.10 લાખ ભરેલી બેગ લૂંટી ગયા હતા.

જુહાપુરામાં રહેતા જાફર ગુલાબભાઈ શેખ(29) શાસ્ત્રીનગર શોપિંગ સેન્ટરમાં એક્સપ્રેસ બીસ કુરિયર કંપનીમાં 2 વર્ષથી સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. મંગળવારની કુરિયર ડિવિલરીના આવેલા રૂ.5.10 લાખ ગ્રે કલરની સ્કૂલ બેગમાં મુક્યા હતા, ત્યારબાદ રાતે 11 વાગે જાફરભાઈ હેલ્મેટ બ્રિજ પરથી અંધજન મંડળ બાજુ જઈ રહ્યા હતા, ત્યારે 11.15 વાગે સમરસ હોસ્ટેલ સામેના રોડ પર પાછળથી આવેલા બાઈકે જાફરભાઈના એક્ટિવાને સામાન્ય ટક્કર મારી બાઈક ચાલકે જાફરભાઈને કહ્યું કે કેમ એક્ટિવાને બ્રેક મારી તેમ કહીને ઝઘડો કર્યો હતો.

દરમિયાન સામેથી બીજા એક માણસે આવીને કહ્યું કે શું થયંુ ? કેમ ઝગડો છો? આટલી વાત કરી ત્યાં સુધીમાં સામેથી આવેલા યુવકે ખિસ્સામાંથી મરચાની ભૂકી કાઢીને જાફરભાઈની આંખમાં નાખી, તેમની પાસેની પૈસા ભરેલી બેગ લૂંટીને બંને જણાં બાઈક પર અંધજન મંડળ બાજુ ભાગી ગયા હતા. આ અંગે જાફરભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લુટારુઓ બુકાની બાંધીને આવ્યા હતા
બાઈક લઈને આવેલા લુટારુએ બ્લુ જેકેટ અને મોઢા પર ડાર્ક કલરનો રુમાલ બાંધ્યો હતો. જ્યારે સામેથી આવેલા તેના સાગરીતે મોઢે રુમાલ બાંધ્યો હતો, માથે ટોપી પહેરી હતી અને કાળા રંગનું જેકેટ પહેર્યું હતું. બંને લુટારુ 20-30 વર્ષના હતા.

પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
લુટારુ બાઈક પર જાફરભાઈનો પીછો કરતા સમરસ હોસ્ટેલ સુધી આવ્યા હોવાના સીસીટીવી ફુટેજ મળ્યા છે. આટલું જ નહીં લૂંટ કર્યા પછી બંને બાઈક પર જ અંધજન મંડળથી શ્યામલ બાજુ ગયા હતા. જેથી આગળનો રુટ જાણવા સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે. - એસ.જી.ખાંભલા, પીઆઈ વસ્ત્રાપુર

અન્ય સમાચારો પણ છે...