અમદાવાદના મંદિરમાં લૂંટ:ગોતાના શિવમંદિરમાં ધાડપાડુઓ ત્રાટક્યા, સિક્યુરીટી ગાર્ડને બાંધીને ચાંદીનું છતર- રૂ.10 હજાર રોકડની લૂંટ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જગતપુર-વંદેમાતરમ રોડ પર આવેલા સેવી સ્વરાજ ફેઝ-2ના પરિસરમાં આવેલા શિવમંદિરમાં લૂંટ
  • 6 જેટલા ધાડપાડુઓએ સિક્યુરિટી ગાર્ડને મોઢે ડુચો ભરાવીને માર માર્યો

અમદાવાદના જગતપુર-વંદેમાતરમ રોડ પર આવેલા સેવી સ્વરાજ ફેઝ-2ના પરિસરમાં આવેલા શિવમંદિરમાં મોડી રાતે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. 6 જેટલા ધાડપાડુઓ મોડી રાતે મંદિરમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી મંદિરમાંથી રૂ.10,000ની કિંમતનું ચાંદીનું છત્તર અને રૂ.10,000 રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે સિક્યુરિટી ગાર્ડે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાત્રે 1 વાગ્યે ધાડપાડુઓ ત્રાટક્યા
સોલા વિસ્તારમાં રહેતા આશુતોષ શુક્લ પેંથર સિક્યુરિટીમાં નોકરી કરે છે. વંદેમાતરમ જગતપુર રોડ પર આવેલા સેવી સ્વરાજ ફેઝ-2 પરિસરમાં આવેલા શિવ મંદિરમાં નાઈટ શિફ્ટમાં નોકરી કરે છે. 25 જુલાઈના રોજ રાતે રાબેતા મુજબ 8 વાગ્યે તેઓ નોકરી પર આવ્યા હતાં. મંદિરના મહારાજ મંદિર બંધ કરી ગયા બાદ રાતે તેઓ બહાર ખુરશી નાંખી બેઠા હતા. રાત્રે 1 વાગ્યે અવાજ થતાની સાથે જ તેઓ ઉભા થઈ મંદિરમાં જોવા જતા એક સાથે 6 લોકો મંદિરમાં ઘુસી આવ્યા હતા.

15 મિનિટ સુધી મંદિરમાં લૂંટ ચલાવી
ત્રણ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને પકડી લીધો અને દોરડા વડે બાંધી મોઢામાં ડૂચો ભરાવી માર માર્યો હતો. જ્યારે બાકીના ત્રણ શખ્સ મંદિરમાં આવેલા દરવાજા તરફ જઈ લોક તોડી અંદર ઘુસી ગયા હતા. 15 મિનિટ બાદ ત્રણ શખ્સ પરત આવ્યા અને તમામ છ લોકો મંદિરમાંથી નાસી ગયા હતા. ગમે તેમ છૂટી તેઓએ આ અંગે પરિસરમાં રહેતા મહારાજને જાણ કરી હતી. મંદિરમાં રહેલા રોકડ રકમ અને ચાંદીનું છત્તર ચોરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સ્થાનિક ગેંગની સંડોવણીની શંકા
સિકયુરીટી ગાર્ડના અનુસાર છ ઈસમો 25થી 30 વર્ષના હતા, જે પૈકી ત્રણે શર્ટ પેન્ટ જયારે બાકીના ત્રણે બનિયાન,પેન્ટ પહેર્યા હતા. તમામે રૂમાલ બાંધેલા હતા. જે પ્રકારે ધાડ પાડી છે તે જોતા સ્થાનિક ધાડપાડુ ગેંગની સંડોવણી હોવાની શંકા છે. જો કે પોલીસે ગુનાનો ભેદ ઉકેલાવા તજવીજ હાથ ધરી છે.