ઉત્તરાયણનાં દિવસે ઊંધિયું, ખીચડો, લીલવાની કચોરી ખાવાનું ચલણ છે. આ વખતે કોરોનાકાળમાં હોમમેડ ઊંધિયાનો ટ્રેન્ડ વધ્યો છે. કેટરર્સને દરવર્ષે સામાન્ય રીતે સૌથી વધુ બિઝનેસ ઉત્તરાયણમાં યોજાતી પાર્ટીઓનો આવતો હોય છે. પણ કોરોનાકાળમાં આ બિઝનેસ મંદીમાં ચાલવાથી કેટરર્સે આ વર્ષે ઊંધિયાની ડિલિવરી શરૂ કરી છે. આ સાથે શહેરના જાણીતા ખમણ હાઉસના માલિકોએ જણાવ્યું કે, ‘અમારે રોજ ઓર્ડર પ્રમાણે ઊંધિયું બને છે પણ ઉત્તરાયણનાં આગલા દિવસે ઓર્ડર લેવામાં આવતા હોય છે. ક્વોલિટીમાં કોઈ ચેન્જ નહીં જોવા મળે.’ હેલ્થને ધ્યાનમાં રાખીને રોસ્ટેડ વેજિટેબલ ઊંધિયું અને કચોરી શરૂ કરવામાં આવી છે.
જરૂરિયાત પ્રમાણે ઊંધિયાનું વેચાણ છે
અત્યારે પણ ઊંધિયું ફ્રેશ બનાવીને આપવામાં આવે છે. દરરોજનું 60 કિલો જેવું ઊંધિયું શહેરનાં વિવિધ સ્ટોર્સમાંથી વેચાણ થાય છે. ઉત્તરાયણનાં આગલા દિવસે ઓર્ડર લેવામાં આવશે. ભાવમાં પણ કોઈ વધારો નથી. - કૃણાલ ઠક્કર, ખમણ હાઉસ, માલિક
પહેલીવાર ઊંધિયાનો હોલસેલ બિઝનેસ કર્યો
કેટરિંગમાં રિટેલ બિઝનેસ કરતા હતા પણ મંદીના કારણે પ્રથમવાર હોલસેલ બિઝનેસ શરૂ કર્યો છે જેમાં ઊંધિયું અને જલેબી તૈયાર કર્યા છે. માર્કેટ કરતા ઓછો ભાવ રાખ્યો છે પણ ક્વોલિટી લોકોને સ્ટાન્ડર્ડ આપવામાં આવશે. - અમિત સોની, કેટરર્સ
કોરોનાને કારણે આ વર્ષે ઊંધિયાનું 50 ટકા વેચાણ ઓછું થશે તે નક્કી
કોરોનાના કારણે ગતવર્ષની સરખામણીએ ઊંધિયાનું વેચાણ 50 ટકા ઓછું થશે. પહેલા ફ્લેટમાં ઉત્તરાયણ ઉજવવામાં આવતી માટે એક સાથે મોટો ઓર્ડર આવતો પણ આ વખતે તે ઓર્ડરમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો હશે. - અંકિત મહેતા, સ્વીટ-ફરસાણ માલિક
550 કિલોનો ઓર્ડર અત્યાર સુધી બુક થઈ ગયો છે, માટલા ઊંધિયુ ડિમાન્ડમાં છે
મારો કેટરિંગનો બિઝનેસ છે. કોરોનાના કારણે મંદી હોવાથી આ વર્ષે ઉત્તરાયણ પાર્ટી રદ્દ કરવામાં આવી છે. જેથી અમારે ના છુટકે ઊંધિયું અને કચોરીનો બિઝનેસ શરૂ કરવો પડ્યો છે. 550 કિલોનો ઓર્ડર આવી ચૂક્યો છે. ઊંધિયાને માટીનાં વાસણમાં બનાવવામાં આવશે. - કમલેશ પ્રજાપતિ, કેટરર્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.