101 જગ્યાઓના નામાભિધાન:અમદાવાદમાં રોડ, ચોક, ગાર્ડન અને જિમનેશિયમને ભગવાન, પૂર્વ મંત્રીઓ, નેતાઓના નામ આપવામાં આવ્યા

અમદાવાદ23 દિવસ પહેલા

અમદાવાદ શહેરમાં વિવિધ રોડ, રસ્તા, ચોક, મ્યુનિસિપલ હોલ, ગાર્ડન, પાણીની ટાંકીઓ વગેરે મળી કુલ 101 જગ્યાઓના નામાભિધાન કરવા માટેની દરખાસ્ત આજે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. શહેરના કુલ છ જેટલા વોર્ડમાં નામાભિધાન કરવામાં આવશે.

કલ્પના ચાવલા સહિતના હસ્તીઓના નામ
ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક એકસાથે કુલ 101 જેટલા વિવિધ નામકરણો કરવામાં આવ્યા છે. જેમાં ભગવાન, પૂર્વ મંત્રીઓ, પૂર્વ મેયરો, સ્વાતંત્ર સેનાનીઓ, કલ્પના ચાવલા અને અબ્દુલ કલામ સહિત સમાજ સેવા સાથે જોડાયેલા લોકોના નામ આપવામાં આવ્યા છે.

રામોલ વોર્ડમાં કમલમ પથ
ડેપ્યુટી ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે મળેલી કમિટીમાં રામોલ-હાથીજણ, લાંભા, વટવા, બોડકદેવ અને રાણીપ વોર્ડમાં નામાભિધાન કરવામાં આવ્યું છે. રામોલ વોર્ડમાં જ્યાં સૌથી વધારે મુસ્લિમ બુથ છે તેવા વિસ્તારમાં કમલમપથ તેમજ હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતીક તેમજ સદભાવના ચાર રસ્તા વગેરે નામો આપવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષથી આ રીતે કુલ 101 નામ આપવા માટેની તૈયારી કરવામાં આવી રહી હતી. ધારાસભ્ય અને ચાર કોર્પોરેટરોની ભલામણથી વિવિધ જગ્યાના નામાભિધાન કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી 120 નામાભિધાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા સુરતમાં જે રીતે આવા નામાભિધાન કરવામાં આવ્યા છે, તેમ હવે અમદાવાદમાં પણ આ રીતે નામાભિધાન કરવામાં આવ્યા છે. વર્ષ 2021માં નવી ભાજપની નવી કમિટી બની ત્યારથી અત્યાર સુધીમાં કુલ 120 જેટલા નામાભિધાન કરવામાં આવ્યા છે. હજી પણ વિવિધ બોર્ડમાં આ રીતે નામાભિધાન કરવા માટે કોર્પોરેટરો અને ધારાસભ્યો પાસે નામ મંગાવવામાં આવશે અને નામાભિધાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...