AMCને પરસેવો વળી ગયો:અમદાવાદના 18 ઇંચ વરસાદમાં રોડ અને ભોંયરામાં પાણી ભરાયાં, નિકાલ કરતાં મ્યુનિ. તંત્રને 36 કલાક લાગ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં પડેલા 18 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ તેમજ ફ્લેટ-કોમ્પલેક્ષના ભોંયરામાં પાણી ભરાયા હતા. પ્રિ-મોન્સૂન કામગીરીમાં ગટર અને ડ્રેનેજ સફાઈ યોગ્ય ન થતાં અનેક વિસ્તારોમાં 24 કલાક સુધી પાણી ઓસર્યા ન હતા. વરસાદ બંધ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેવી ડી-વોટરિંગ પંપ મૂકી અને કામગીરી કરવી પડી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 75 જગ્યાએ પંપ કાર્યરત કરી અને પાણીનો નિકાલ કરવામા આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને આખા અમદાવાદમાંથી વરસાદી પાણીના નિકાલ કરતાં 36 કલાક થયા છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે શહેરમાં 95 ટકાથી વધુ વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા છે. ક્યાંય પાણી ભરાવવાની ફરિયાદો નથી. દરેક ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસેથી ઝોનમાં ભરાયેલા પાણીના નિકાલ અંગેની માહિતી જાતે મેળવી છે. પ્રહલાદનગર વિસ્તારમાંથી પણ પાણી ઉતરી ગયા છે. દરેક જગ્યાએ પંપ મૂકી અને કામગીરી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મુજબ એકમાત્ર રિંગ રોડ પર શેલા બ્રિજ પાસે પાણી ભરાયેલા છે. જ્યાં પંપ મૂકી અને પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે. જો કે નાના વિસ્તારમાં ક્યાંક પાણીની ફરિયાદો આવી છે. કેટલાક વિસ્તારોમાં પંપ પણ કામગીરી દરમિયાન બંધ થઈ ગયા હતા. જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ જગ્યાએ મોટા વરુણ પંપ મૂકી પાણી કાઢવાની જરૂર હોવાથી બીજે કામગીરી ચાલુ હોવાના કારણે ત્યાં મૂકવામાં આવ્યા છે. આજે મોડી સાંજે સુધીમાં અમદાવાદમાં ક્યાંય પાણી ભરાયેલા જોવા નહીં મળે તેવો દાવો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અત્યારે શહેરના મોટાભાગના વિસ્તારમાંથી પાણીનો નિકાલ પણ કરી દેવામાં આવ્યો છે. AMCના અધિકારીઓ અને ઇજનેરો દ્વારા દિવસ-રાત સતત સ્થળની વિઝિટ કરીને પાણીના નિકાલ માટે 75થી વધુ જગ્યાએ ડી-વોટરિંગ પંપો કાર્યરત કરી દીધા હતા અને તમામ જગ્યાઓ પરથી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરી દીધી હતી. રવિવારે સાંજે વરસાદ પડ્યો ત્યારથી કોર્પોરેશનના ડ્રેનેજ, વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓ કાર્યરત હતા. સોમવારે સવારે 6 વાગ્યા સુધી તેઓએ ફિલ્ડમાં રહી કામગીરી કરી હતી. સોમવારે આખો દિવસ દરેક વિસ્તારમાં પાણીના નિકાલની કામગીરી કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...