મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે અમદાવાદમાં PM નરેન્દ્ર મોદીનો રોડ શો, મોરિશિયસના વડાપ્રધાનનું રાજકોટમાં ભવ્ય સ્વાગત, ફૂલોના વરસાદથી કાર ઢંકાઇ

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર છે, તારીખ 19 એપ્રિલ, ચૈત્ર વદ-ત્રીજ (સંકષ્ટ ચતુર્થી)

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે અમદાવાદમાં વડાપ્રધાનનો રોડ શો. 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી આવકારશે 2) ગાંધીનગરના 4 તાલુકામાં આજથી 22 એપ્રિલ સુધી આરોગ્ય મેળાનું આયોજન 3) આજે કર્ણાવતી મહાનગરમાં અતિકુપોષિત 2137 બાળકોને બાળઆહાર કીટ આપવામાં આવશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો, દીક્ષા એપ અંગે સવાલ કર્યા

વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

2) 43 ડિગ્રી તાપમાં મોરિશિયસના PMનો રોડ શો, રાજકોટીયન્સે સ્વાગતમાં કસર ન છોડી, ફૂલોના વરસાદથી વડાપ્રધાનની કાર ઢંકાઇ

મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બન્યા છે. એરપોર્ટ પર તેઓને ગાર્ડ ઓફ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં યુવતીઓનો તલવાર રાસ નીહાળતા અભિભૂત થયા હતા. બાદમાં એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીનો રોડ-શો યોજાયો હતો. જોકે વિવિધ શૈક્ષણિક સંસ્થાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આકરો તાપ હોવા છતાં ઉમટી પડ્યા હતા. તેમજ નાસિક ઢોલના નાદથી રાજકોટ ગુંજ્યું હોવાનો અનુભવ થયો હતો. શહેરમાં આજે 43 ડિગ્રી તાપમાન હોવા છતાં આકરા તાપમાં માનવ મેદની ઉમટી હતી. રાજકોટીયન્સે પ્રવિંદ જુગનાથના સ્વાગતમાં કોઈ કસર છોડી નહોતી અને ફૂલોના વરસાદથી PMની કારને ઢાકી દીધી હતી.

વાંચો સમાચાર વિગતવાર

3) દેશનું પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર, ગુજરાતની 54 હજાર સ્કૂલ પર નજર રાખશે, સવા કરોડથી વધુ વિદ્યાર્થીઓની માહિતી મળશે

દેશના પ્રથમ એવા્ સ્કુલ ઓફ એક્સલન્સ સેન્ટર-વિદ્યા સમીક્ષા કેન્દ્રની શરૂઆત ગાંધીનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, શિક્ષણક્ષેત્રે આ પ્રકારની ટેકનોલોજીયુકત સેવાને પગલે શિક્ષણની ગુણવત્તાને લઇને પગલે મોટેપાયે પરિવર્તન આવી શકે છે. રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2.5 લાખ કરતાં વધારે શિક્ષકો અને 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્યથી આ સેન્ટર તૈયાર કરાયું છે. ગાંધીનગર ખાતેનું આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-વિદ્યા સમીક્ષા કેન્દ્ર શું છે? એની કામગીરી શું છે? એનાથી કોને શું ફાયદો થશે? વગેરે બાબતો વિશે વિગતવાર જાણીએ.

વાંચો સમાચાર વિગતવાર

4) આજથી 4 દિવસ સુધી મોદી સહિત ત્રણ દેશના વડાપ્રધાન ગુજરાતમાં, આ કારણે બ્રિટનના PM આવશે રાજ્યની મુલાકાતે

18 એપ્રિલથી 21 એપ્રિલ એમ ચાર દિવસમાં બે વિદેશી અને એક દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. રાજ્યમાં ચાર દિવસમાં ત્રણ વડાપ્રધાનના કાર્યક્રમો સૂચક છે. આ મુલાકાતોમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ડસ્ટ્રી એમ બે મુખ્ય બાબતની ચર્ચા કરવામાં આવશે, જેમાં મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ સૌરાષ્ટ્રમાં તો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જ્યારે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વાંચો સમાચાર વિગતવાર

5) 'ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ફી વધારો પાછો ખેંચી ડોનેશનપ્રથા બંધ કરો, FRCમાં વાલીઓનો પણ સમાવેશ કરો': AAPનો મુખ્યમંત્રીને પત્ર

ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP) દ્વારા સતત શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે AAPના પ્રદેશ-પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે સરકારી શાળા મુદ્દે મજબૂત લડત આપીને સરકારને કામ કરવું પડે એ માટે દબાણ ઊભું કર્યું છે. ભાજપના નેતાઓએ શિક્ષણનો વેપાર બનાવી દીધો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓની સ્કૂલો બને એના માટે સરકારી સ્કૂલો ખાડે ગઈ છે. ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. બેફામ ફી લઈ વાલીઓને લૂંટવામાં આવે છે.

વાંચો સમાચાર વિગતવાર

6) લખનઉ-NCRના જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત, દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસમાં 90%નો વધારો; રોજના કેસની સંખ્યા 1150થી 2183 થઈ

દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં રવિવારે કોરોનાના 2,183 કેસ નોંધાયા હતા, જે શનિવારની સરખામણીએ 89.8% વધુ છે. શનિવારે 1,150 કેસ નોંધાયા હતા. કોરોનાથી મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારે 214 લોકોનાં મોત નોંધાયાં છે, 212 લોકોનાં મોત કેરળના બેકલોગ ડેટાના છે, જ્યારે એક મોત ઉત્તરપ્રદેશમાં નોંધાયું છે.

વાંચો સમાચાર વિગતવાર

7) ધર્મસ્થળો પર લાઉડસ્પીકર લગાવવા ગૃહ વિભાગની મંજૂરી જરૂરી; નાશિકમાં મસ્જિદ પાસે હનુમાન ચાલીસા પર પ્રતિબંધ

મહારાષ્ટ્રમાં અઝાન અને હનુમાન ચાલીસા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને સરકારમાં ચાલતી ખેંચતાણ વચ્ચે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે ધર્મસ્થળ પર લાઉડસ્પીકર લગાવતા પહેલાં ગૃહ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે. તાજેતરમાં જ ગૃહ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સર્ક્યુલર પ્રમાણે, હવે સ્પીકર લગાવતાં પહેલાં પોલીસ કમિશનર ઓફિસ જઈને મંજૂરી લેવી જરૂરી છે. આજે બપોરે આ મુદ્દે ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે એક મીટિંગ પણ થઈ હતી.

વાંચો સમાચાર વિગતવાર

8) જીવન જરૂરી ચીજોના ભાવમાં ભડકા સાથે માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 14.55 ટકા થયો, સામાન્ય માણસને મોટો ઝટકો

રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી મોરચે દેશની જનતાને ઝટકો લાગ્યો છે. માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 14.55 ટકાના સ્તરે પહોંચી ગયો છે. નોંધનીય છે કે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં તેમાં 13.11ના દરથી વધારો થયો હતો.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) બનાસકાંઠાના પશુપાલકો અને બનાસ ડેરી વચ્ચે 'દૂધવાણી' બનશે માધ્યમ, PMના હસ્તે લોકાર્પણ 2) ભાવનગર-વલ્લભીપુર હાઇવે પર માતાજીનાં દર્શને જઈ રહેલા પરિવારને ટ્રકે અડફેટે લીધો, પતિ-પત્નીનાં મોત 3) રાજ્યની મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન સામે થયેલી PILમાં બજરંગદળનો પક્ષકાર બનવા અરજી 4) ઇન્ટરનેશનલ કક્ષાએ શાખાઓ ધરાવતી વડોદરાની રાજુ આમલેટ સહિત 5 દુકાનો ભીષણ આગમાં ખાખ 5) રાજકોટમાં અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન ન થતા યાત્રાળુઓએ દેકારો મચાવ્યો, યસ બેન્ક બહાર લાંબી કતાર લાગી 6) કાલે અમદાવાદમાં ડફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ, ઇન્દીરા બ્રિજ સર્કલ, નોબલનગર ટી સુધીનો રસ્તો બંધ રહેશે 7) રશિયાએ લવીવ શહેરમાં 5 મિસાઈલથી હુમલો કર્યો, 6 લોકોના મોત, ઝેલેન્સ્કીએ કહ્યું- રશિયાના સૈનિકો પૂર્વી ડોનબાસને તબાહ કરવા માંગે છે 8) ભારતીય શેરબજારમાં ભારે મંદી, સેન્સેક્સમાં 1,172 પોઇન્ટનો કડાકો; નિફ્ટીએ 17,200 લેવલ ગુમાવ્યું 9) લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે હશે આગલા આર્મી ચીફ, આ પદે પહોંચનારા પહેલા એન્જીનીયર

આજનો ઈતિહાસ
વર્ષ 1975માં આજના દિવસે ભારતે તેનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોંચ કરી અંતરિક્ષ યુગમાં પ્રવેશ કર્યો હતો.

અને આજનો સુવિચાર
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...