અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની કામગીરીને લઇ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગત મહિને અધિકારીઓને તમામ ઝોનમાં રોડના કામો પૂરા કરવા માટેના આદેશ આપ્યા હતા. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રિસરફેસ અને રસ્તા બનાવવાની કામગીરી ફરી ઝડપી શરૂ થઈ છે. રોજ 4000 મેટ્રિક ટનથી વધુ રોડના કામકાજ ચાલી રહ્યા હોવાનું કોર્પોરેશનનું કહેવું છે. શહેરના તમામ ઝોનમાં રોડના કામો કરવા કુલ 8 જેટલા હોટ મિક્સ પ્લાન્ટ કાર્યરત થયા છે. ઉત્તર- પશ્ચિમ ઝોનમાં બે પેવર અને પૂર્વ ઝોનમાં બે પેવર તેમજ દરેક ઝોનમાં એક-એક પેવર ચાલી રહ્યા છે.
કોન્ટ્રાક્ટરોને 280 કરોડ ચૂકવાતા કામો ફરી શરૂ થયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં દરરોજ આશરે 4000 મેટ્રિક ટનથી વધુ રોડના કામકાજ ચાલી રહ્યા છે. રોડના કામોમાં વપરાતા બીટુમેન (ડાયર)ની અછતને કારણે શહેરમાં રોડ- રસ્તાના કામો ટલ્લે ચડ્યા હતા. કોર્પોશન કોન્ટ્રાક્ટરોને કરોડોના પેમેન્ટ કરવામાં નહીં આવ્યા હોવાથી રોડના કામોમાં કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કરી દીધા હતા. જો કે રોડ- રસ્તાના કામો માટે વિવિધ કોન્ટ્રાક્ટરોને રૂ. 280 કરોડ ચૂકવવામાં આવતા કામો ફરી શરૂ થયા છે.
વતનમાં ગયેલા મજૂરો પણ પાછા ફરતાં કામગીરી વેગવંતી
શહેરના તમામ ઝોનમાં રોડ રિસરફેસ અને નવા રસ્તા બનાવવા હોટ મિક્સના 8 પ્લાન્ટ કાર્યરત છે અને તેના કારણે રોડ બનાવવા માટે બીટુમેન સહિતની સામગ્રી ઉપલબ્ધ છે અને વતનમાં ગયેલા મજૂરો પણ પાછા ફર્યા હોવાથી શહેરના તમામ ઝોનમાં રોડના કામો ચાલી રહ્યા છે. શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં બે પેવર અને પૂર્વ ઝોનમાં બે પેવર તેમજ દરેક ઝોનમાં એક - એક પેવર ચાલી રહ્યા છે. આમ, આગામી દિવસોમાં દરેક ઝોનમાં રોડ - રસ્તાના કામો પૂરજોશમાં ધમધમતા થશે અને જૂન મહિનામાં ચોમાસું શરૂ થાય તે પહેલાં શક્ય તેટલા વધુ રસ્તા તૈયાર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.