અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. ગોકળ ગાયની ગતિએ થઈ રહેલી આ કામગીરીને કારણે નાગરીકો હેરાન થઈ રહ્યાં છે. મેટ્રો રેલની કામગીરીના કારણે અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન તેમજ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. સાબરમતિ રીવરફ્રન્ટ પર ગાંધી બ્રિજ પાસે આવેલા ડ્રેનેજ સ્ટેશન નજીક મેટ્રો રેલની કામગીરી ચાલુ થવાની હોવાથી આજથી 18 ઓગસ્ટ સુધી પૂર્વ રિવરફ્રન્ટ રોડ પર ગાંધીબ્રિજ નજીક ટી રોડથી કામા હોટલ ટી સુધી રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપુણે બંધ રહેશે.
ગાંધી બ્રિજ તરફ જવા વૈકલ્પિક રૂટ
આ રોડ બંધ કરીને તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં પૂર્વ રિવરફ્રન્ટ રોડ પર નેહરુબ્રિજ તરફથી ગાંધીબ્રિજ તરફ જવા માટે કામા હોટલ ટી પાસેથી જમણી તરફ વળી શાહપુર પોલીસ ચોકી થઈ રંગીલા પોલીસ ચોકી તરફથી શાહપુર દરવાજા બહાર ચોકી થઈ ટોરેન્ટ પાવર થઈ શાહપુર રોડ પરથી ગણેશ સોસાયટી પાસેથી ડ્રેનેજ ટી સ્ટેશન પાસે વળી રિવરફ્રન્ટ રોડ પર જઈ શકાશે.
સ્ટેડિયમ પાંચ રસ્તાથી કોમર્સ છ રસ્તા જતો રોડ પણ બંધ
બીજી તરફ સ્ટેડિયમ પાંચ રસ્તાથી કોમર્સ છ રસ્તા જતા રોડ પર મેટ્રો રેલની કામગીરી ચાલવાની હોવાથી તુષાર પ્રોવિઝન સ્ટોર સામેથી યામહા શો રૂમ સામે બેરીકેડીગ કરી રોડ બંધ કરવામાં આવશે. આજથી બે મહિના માટે એટલે કે 12 ઓક્ટોબર સુધી આ રોડ બંધ રહેશે જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. આ રોડ પર ટ્રાફિકનું ભારણ વધારે રહેતું હોવાથી વાહન વ્યવહારને ભારે અસર થશે.
કોમર્સ છ રસ્તા જવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા
એક તરફ ઈન્કમટેક્સ સર્કલ પાસેથી પસાર થતા વાહનોના ટ્રાફિકનું ભારણ વધારે છે. તેની સામે સ્ટેડિયમ પાંચ રસ્તાથી કોમર્સ છ રસ્તા સુધી પણ ટ્રાફિક વધારે હોય છે. ત્યારે આ રસ્તો બંધ થવાથી તેની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સ્ટેડિયમ પાંચ રસ્તાથી કોમર્સ છ રસ્તા તરફ જતા તમામ પ્રકારના વાહનોએ સ્ટેડિયમ પાંચ રસ્તાથી સીધા સ્વસ્તિક ચાર રસ્તાથી જમણી બાજુ વળી અને કોમર્સ છ રસ્તા તરફ જઇ શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.