RJ કૃણાલના પિતાની આત્મહત્યા કેસની FIR:ભૂમિની હાઇ પ્રોફાઈલ લાઇફસ્ટાઈલ, પૂર્વ વેવાઈની અંધશ્રદ્ધા, 1 કરોડની માગ અને ફાંસીની સજાની ધમકીએ હતાશામાં ધકેલ્યા

અમદાવાદ3 મહિનો પહેલા

અમદાવાદ શહેરના સોલા વિસ્તારના જનતાનગર ફાટક પાસે બુધવારે રાત્રે RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ દેસાઈએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન લાશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં આરજે કૃણાલની પૂર્વ પત્ની ભૂમિ દેસાઈના પરિવારજનો સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભૂમિ દેસાઈએ 2016માં આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલે મૃતક ઈશ્વરભાઈ દેસાઈના નાના ભાઈ શંભુભાઈ દેસાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં ભૂમિના પિતા પ્રવીણ રણછોડભાઈ દેસાઈ, ભૂમિના માતા કવિતા પ્રવીણભાઈ દેસાઈ તેમજ ભૂવાજી લક્ષ્મણભાઈ દેસાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદ મુજબ, કૃણાલની પત્ની ભૂમિની અમેરિકન લાઇફ સ્ટાઇલ તેમજ ભૂમિના માતા-પિતાની કેસની પતાવટ માટેની 1 કરોડની માંગને લઈ કૃણાલના પિતા સતત ટેન્શનમાં રહેતા હતા. તેમજ ફાંસીની સજાની ધમકીને પગલે હતાશ થઈ ગયા હોવાથી આ અંતિમ પગલું ભર્યું હતું.

ઇશ્વરભાઈના નાનાભાઈએ નોંધાવેલી શંભુભાઈની અક્ષરશઃ પોલીસ ફરિયાદ
મારા સૌથી મોટાભાઈનો દીકરા કૃણાલના નવેમ્બર 2015માં પ્રવિણભાઈ પંચાલની દીકરી ભૂમિ સાથે સાથે થયા હતા પરંતુ લગ્નના પોણા બે મહિના બાદ ગઈ 21 જાન્યુઆરી, 2016 ના રોજ કોઈ કારણૉસર ભૂમિએ પ્રહલાદનગર રોડ ખાતેના સચિન ટાવર ઉપરથી પડતું મુકીને આત્મહત્યા કરી હતી. જે આત્મહત્યા અનુસંધાને ભૂમિના માતા કવિતાબેને મારા ભાઈ ઇશ્વરભાઈ તથા ભાભી પુષ્પાબેન તથા ભત્રીજા કૃણાલ વિરૂધ્ધમા શારિરીક માનસિક ત્રાસ તેમજ આત્મહત્યાના દુષ્પ્રેરણાની ફરીયાદ કરી હતી. આ કેસ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમા ચાલુ છે અને આ કેસના કારણે મારા ભાઈ ઇશ્વરભાઈ સતત ટેન્શનમા રહેતા હતા.

લગ્ન બાદ આ ભૂમિ અમેરિકામાં રહેતી હોવાથી ત્યાંના કલ્ચર પ્રમાણે અમારા ઘરમાં પણ દારૂ તેમજ સિગારેટના વ્યસનના કારણે મારા ભાઈ અવાર નવાર ભૂમિને પ્રેમથી સમજાવતા. પરંતુ તે સમજતી ન હોવાથી મારા ભાઈ ખૂબ જ વ્યથિત રહેતા હતા. ત્યારબાદ 21 જાન્યુઆરી 2016ના રોજ ભૂમિએ આત્મહત્યા કરતા મારા ભાઈ ઇશ્વરભાઈ તથા તેમનો પરિવાર સતત ટેન્શનમા રહેતો હતો.

ભૂમિનો પરિવાર ભૂવાજીનું માનતો
આ ફરિયાદનો કેસ 2018માં ચાલુ થયો, જેમાં અવાર નવાર મુદતે જતા હતા તે સમય ગાળા દરમ્યાન 2020ના માર્ચ મહિનામાં હું મારા ભાઈ સાથે ગેવર કોમ્પલેક્ષમાં રહેતા ઓમપ્રકાશ અગ્રવાલના ઘરે ઓમપ્રકાશ ભાઈના બોલાવવાથી અમારા સમાજના ભુવાજી લક્ષ્મણભાઈ દેસાઈ સાથે મળવા ગયા હતા, કેમ કે ભૂમિના પરિવારના સભ્યોની આસ્થા ભૂવાજી લક્ષ્મણભાઈ દેસાઈમાં હતી. તેમજ ભૂમિના પરિવારના સભ્યો ભૂવાજી લક્ષ્મણભાઈ દેસાઈનું કહેવું માનતા હતા. જેમને આ મેટરની પતાવટ માટે આ ભૂવાજી લક્ષ્મણભાઇ દેસાઈને મધ્યસ્થી રાખી ભૂમિના પરિવારને સમજાવવા ઓમપ્રકાશભાઈએ જણાવ્યું હતું. જે વખતે પણ આ ભૂવાજીએ તેમના જ ફોન ઉપરથી ભૂમિના માતા કવિતાબેનને ફોન કર્યો હતો પરંતુ કવિતાબેને ફોન ન ઉપાડતા ભૂવાજીએ “માતાજી હાલમા રજા આપતા નથી “ તેમ જણાવ્યું હતું. આ ભૂવાજીએ મારા ભાઈને સાઇડમાં લઈ જઈ કંઇક વાત કરી હતી.

ભૂમિનો પરિવાર એકલા મળવા બોલાવતો
ત્યારબાદથી મારા ભાઈ ઇશ્વરભાઈ ખૂબ જ ટેન્શનમા રહેતા હતા અને 11 જુલાઈ, 2022ના રોજ સાંજના આઠેક વાગ્યે ઇશ્વરભાઇએ મને ફોન કરી રડતા અવાજે મારા સમાચાર પૂછી મને જણાવ્યું કે “મે આજદિન સુધી તને કે મારા કોઈ પરિવારના સભ્યોને મારી આપવીતી જણાવી નથી પરંતુ આજે હું તને મારા દિલની તમામ વાતો તને કરૂં છું. પરંતુ આ વાત તું કોઇને જણાવતો નહીં નહિતર સમાજમા મારી બદનામી થશે. તેમ જણાવી મને આ ભૂમિના પિતા પ્રવિણભાઈ તથા તેમના મમ્મી કવિતાબેન તથા તેમના કૌટુંબિક ભાઈ રમેશભાઈ આપણા સમાજના ભૂવાજી લક્ષ્મણભાઈ સાથે મળી મને અવાર નવાર ફોન કરી બોલાવે છે અને ફોન ઉપર કોઈ વાત ન કરી બહાર એકલા મળવા બોલાવી મારા વિરૂધ્ધમાં કરેલા કેસની પતાવટ માટે પ્રથમ એક કરોડ રૂપિયા માંગી માંડવાળ કરી છેલ્લે 75 લાખ માંગે છે.

બે દિવસમાં મળવા આવું છું કહ્યું પણ હવે ક્યારેય નહીં મળી શકે
જે પૈસા 5 જુલાઇ 2022 સુધીમાં નાગરવાડા દિલ્હી ચકલા ખાતે મળીને મને ચૂકવી દેવાના રહેશે નહીંતર તમે લોકો ફાંસીની સજા માટે તૈયાર રહો તેમ જણાવતા મેં મારા ભાઈને સાંત્વના આપી સમજાવી જણાવ્યું કે આપણે ખોટા નથી અને ન્યાયમાં વિશ્વાસ રાખજે. આપણે આપણી સચ્ચાઈ સાબિત કરી દઈશું, તું હતાશ થઈશ નહીં. હું તને બે દિવસમા મળવા આવું છુ, તેમ જણાવી મે સાંત્વના આપી હતી. ત્યારબાદ હું મારા કામમાં વ્યસ્ત હોવાથી મારા ભાઈને મળવા જઈ શક્યો નહતો.

રેલવે-ફાટક પાસે મારા મોટા ભાઈની લોહીથી ખરડાયેલી લાશ હતી
ત્યારબાદ ગઇ 13 જુલાઈ 2022ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે પોલીસ સ્ટેશનથી ફોન આવતા જાણવા મળ્યું કે “એક ભાઇએ જનતાનગર ફાટક પાસે ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી છે જેમના ખિસ્સામાંથી તમારો મોબાઇલ નંબર મળ્યો છે તો તમે આવીને જુઓ તેમ જણાવતા હું મારા મોટા ભાઇ મેવાભાઈ સાથે જનતાનગર રેલવે ફાટક આગળ ગયો, જયાં મારા સૌથી મોટા ભાઈ શ્વરભાઈની લોહીથી ખરડાયેલી લાશ પડી હતી.

7 પાનાની સુસાઇડ નોટ મળી
તેમના હાથેથી લખેલી સુસાઇડ નોટ વાંચવા મળી હતી જે સુસાઇડ નોટ કુલ 7 પાનાની આગળ પાછળ લખેલી હતી. જે સુસાઇડ નોટમા મારા ભાઇને આ ભૂમિના પિતા પ્રવિણભાઈ તથા તેમના મમ્મી કવિતાબેન તથા તેમના કૌટુંબિક ભાઇ ૨મેશભાઈ, સમાજના ભૂવાજી લક્ષ્મણભાઈ સાથે મળી મને અવાર નવાર ફોન કરી બોલાવી ફોન ઉપર કોઇ વાત નહીં કરી બહાર એકલામાં મળવા બોલાવી કરેલા કેસની પતાવટ માટે પ્રથમ એક કરોડ રૂપિયા માંગી માંડવાળ કરી છેલ્લે 75 લાખ માંગી શારીરિક માનસિક તેમજ આર્થિક ત્રાસ આપી આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરેલી જે ત્રાસ આ મારાભાઈ ઇશ્વરભાઈ સહન ન કરી શકતા 13 જુલાઈ, 2022ના રોજ સવારના સવા છ વાગ્યા પહેલા કોઈ પણ સમયે જનતાનગર રેલ્વે ફાટક આગળ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધો.