• Gujarati News
  • Business
  • Risk On Rs 3,000 Crore Investment In Pharma Formulations In Kovid, 50 Per Cent Units On Oxygen

ગુજરાત સરકારની અણઘડ નીતિ:કોવિડમાં ફાર્મા ફોર્મ્યુલેશનમાં થયેલા 3000 કરોડના રોકાણ પર જોખમ, 50 ટકા યુનિટો ઓક્સિજન પર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એપીઆઇની ઉંચી કોસ્ટ, વધુ પડતો સ્ટોક, જોબવર્ક નથી મળતું
  • 40000 કરોડનું ગુજરાતનું ફાર્મા માર્કેટ, API ઉત્પાદનમાં પણ ગુજરાત ટોચના સ્થાને
  • APIમાં ચીનના બદલે સ્થાનિકમાં મેન્યુ. શરૂ પરંતુ કોસ્ટ ચીન કરતા 10-15 ટકા ઊંચી
  • કોકાટે કમિટીના પ્રોડક્ટ લિસ્ટ મંજૂરી માટે આકરી નીતિ, ગુજરાતનો બિઝનેસ ઘટી જશે
  • ​​​​​​​પ્રોડક્ટ મંજૂરી માટે ગુજરાતમાં એક લાખ ફી, અન્ય રાજ્યોમાં માત્ર રૂ.300 જ
  • ​​​​​​​ગુજરાતમાં 2200થી વધુ ફાર્મા ફોર્મ્યુલેશન કંપનીઓ, મોટા ભાગના યુનિટો નોન-ફાર્માના

કોરોના વાયરસ મહામારીના કારણે વિશ્વના તમામ સેક્ટર ડિ-ગ્રોથ કરી રહ્યાં છે તેની સામે એક માત્ર ફાર્મા સેક્ટરમાં પોઝિટીવ ગ્રોથ રહ્યો છે. ફાર્મા સેક્ટરમાં કંપનીઓએ વિસ્તરણનો માર્ગ અપનાવ્યો હતો અને ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં ફાર્મા સેક્ટરમાં અંદાજે 5000 કરોડથી વધુ રોકાણ આવ્યું છે જેમાં ફાર્મા ફોર્મ્યુલેશન સેગમેન્ટમાં અંદાજે 3000 કરોડથી વધુનું રોકાણ આવવા સાથે 125-150 જેટલા યુનિટો ફોર્મ્યુલેશન (જોબવર્ક) સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. જેમાં 75-80 ટકા નોન ફાર્મા યુનિટોનો સમાવેશ થાય છે.

આ સેક્ટરમાં ઇન્વેસ્ટર્સને ધી-કેળા દેખાતા મોટા પાયે રોકાણ તો કર્યું પરંતુ અત્યારે પરિસ્થિતી સાવ બદલાઇ ચૂકી છે. ગુજરાતના યુનિટોને દવા મેન્યુફેક્ચરિંગ કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. કોકાટે કમિટી દ્વારા દવા ઉત્પાદન માટે મંજૂરી આપવામાં આવે છે પરંતુ ગુજરાતના યુનિટોને ઝડપી મંજૂરી મળતી નથી. પ્રોડક્ટ મંજૂરી માટે 300 રૂપિયાની ચલણ ફી છે જ્યારે ગુજરાતના ડ્રગ વિભાગ દ્વારા એક લાખની ફી વસુલવામાં આવી રહી છે જે નાના યુનિટોને પરવડે તેમ નથી. કેન્દ્ર સરકારનો નિયમ દરેક રાજ્યો માટે એક સરખો હોય છે તો અન્ય રાજ્યોમાં માત્ર 300 ચલણ ફી શા માટે? આ ઉપરાંત એપીઆઇની પણ ઊંચી કોસ્ટ મેન્યુફેક્ચર્સ માટે બોજ સમાન છે. ચીનથી આયાત થતી એપીઆઇ હજુ 10-15 ટકા કોસ્ટ ઇફેક્ટિવ છે. આ ઉપરાંત કંપનીઓ પાસે દવાનો સ્ટોક છે સામે માગ ઘટવા લાગી છે જેવા અનેક કારણોથી ગુજરાતમાં 50 ટકા ફોર્મ્યુલેશન યુનિટો અત્યારે ઓક્સિજન પર ચાલી રહ્યાં છે.

ગુજરાત ફાર્મા હબ છે ત્યારે એપીઆઇ (રો-મટિરિયલ)માં આત્મનિર્ભર બનવા માટે એક વર્ષમાં સરેરાશ 1500 કરોડનું રોકાણ આવી ચૂક્યું છે. ફાર્મા કંપનીઓને 30-40 ટકા રો-મટિરિયલનો આધાર ચીનથી આયાત થતા એપીઆઇ પર રાખવો પડે છે જોકે આયાત ધીમે-ધીમે ઘટી રહી છે પરંતુ જ્યાં સુધી સ્થાનિકમાં એપીઆઇની કોસ્ટ ચીન સાથે સ્પર્ધાત્મક નહીં બને ત્યાં સુધી સંપૂર્ણ આયાત બંધ થાય તેમ નથી. ગુજરાતનું ફાર્મા સેક્ટરનું માર્કેટ 40 હજાર કરોડથી વધુનું છે. ફોર્મ્યુલેશન કંપનીઓની સ્થિતી નાજુક હોવા છતાં આ સેક્ટરમાં આવનાર 6 માસમાં 75-80 કંપનીઓ રોકાણ કરવા માટે થનગની રહી છે. અનેક નાના-મોટા યુનિટો રોકાણ કરશે, એક નાના યુનિટમાં અંદાજે 20-25 કરોડનું જ્યારે મોટા યુનિટમાં 50-60 કરોડનું રોકાણ થાય છે તેમાં પણ જો ડબલ્યુએચઓ એપ્રુવ્ડ હોય તો 10 ટકાનો વધારાનો ખર્ચ થાય છે.

  • ગુજરાતમાં 2200થી વધુ ફાર્મા ફોર્મ્યુલેશન કંપનીઓ, મોટા ભાગના યુનિટો નોન-ફાર્મા
  • દેશમાં દવાના ઉત્પાદનમાં ગુજરાતનો 46%થી વધુ હિસ્સો, નિકાસમાં 35 ટકાનું યોગદાન
  • ઊંચા ટ્રાન્સપોર્ટેશન ખર્ચના કારણે દવાના સપ્લાઇ ચેઇનમાં વિક્ષેપ
  • 3500થી વધુ લાઇસન્સ ધરાવતા મેન્યુફેક્ચર્સ ગુજરાતમાં

APIની કિંમતોમાં સતત વધઘટથી ફોર્મ્યુલેશન યુનિટોને મુશ્કેલી
ફાર્મા ફોર્મ્યુલેશનની પરિસ્થિતિ અત્યારે નાજુક સ્થિતીમાં છે. એપીઆઇની કિંમતો છેલ્લા દોઢ માસમાં સરેરાશ 20 ટકાથી વધુ વધી ચૂકી છે. આ ઉપરાંત પેકેજિંગની કિંમતો અને એલ્યુમિનિયમ ફોઇલ્સની કિંમતોમાં પણ 30 ટકા સુધીનો વધારો થયો છે જેના કારણે ફોર્મ્યુલેશન યુનિટોને નુકસાન છે. મેન્યુફેક્ચરીંગમાં ઘટાડો આવ્યો છે. જોકે, લાંબાગાળાને ધ્યાનમાં લેતા આ સેગમેન્ટમાં ગુજરાતમાં પોઝિટીવ ટ્રેન્ડ જ રહેશે. જેનેરિક દવાને પ્રોત્સાહનથી કંપનીઓને મોટા પાયે કામ મળી રહેશે. વૈશ્વિક સ્તરે દેશમાંથી થતી નિકાસમાં ગુજરાત ટોચના સ્થાને છે. - કેતન જોટા, ચેરમેન, દવા ઇન્ડિયા જેનરિક ફાર્મસી

ફાર્મા મેન્યુફેક્ચરિંગ બિઝનેસ અન્ય રાજ્યોમાં ડાઇવર્ટ થઇ જશે
ગુજરાત સરકાર દ્વારા ફાર્મા મેન્યુફેક્ચરીંગ કંપનીઓને પ્રોડક્ટ મંજૂરી માટેની ચલણ ફીમાં રાહત નહિં આપે તો બિઝનેસ અન્ય રાજ્યોમાં ડાઇવર્ટ થઇ જશે. નવી પ્રોડ્કટ મંજૂરી માટે અન્ય રાજ્યોની કંપનીઓ ચલણ ફી માત્ર 300 ચૂકવી રહી છે તો ગુજરાતની કંપનીઓ પાસેથી સરકાર શા માટે એક લાખની જંગી ફી વસુલ કરે છે. જો સરકાર નહીં જાગે તો ફોર્મ્યુલેશન કંપનીઓ પોતાના યુનિટો હિમાચલ, ઉત્તરાખંડ, એમપી, રાજસ્થાનમાં ટ્રાન્સફર કરે તો નવાઇ નહીં. આ સેક્ટરમાં વધારાનું 3500-4000 કરોડનું રોકાણ આવી રહ્યું છે તે પણ અટકી શકે છે.

ઇનોવેશન અને પેટન્ટ ક્ષેત્રે ગુજરાતી કંપનીઓનો દબદબો
ફાર્મા સેક્ટરમાં ભારતનો ઉત્કૃષ્ઠ દેખાવ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યોછે જેની પાછળનું મુખ્ય કારણ ફાર્મા કંપનીઓ નવા-નવા ઇનોવેશન, સંસોધનો દ્વારા મેડિસીનનું ઉત્પાદન કરી રહી છે. ગુજરાતના ફાર્મા સેક્ટરમાં અનેક સ્મોલ સ્કેલ કંપનીઓ રોકાણ કરવા થનગની રહી છે. અન્ય રાજ્યોમાં ટેક્સ મુક્તિ મર્યાદા પૂરી થવા આવી હોવાથી સંખ્યાબંધ કંપનીઓ ગુજરાતમાં પાછી ફરી રહી છે. મધ્યમ કદની કંપનીઓ માટે ગુજરાત સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

નાજુક સ્થિતિ છતાં ગુજરાતમાં 75થી વધુ નવા ફોર્મ્યુલેશન યુનિટો આવશે
ફાર્મા ફોર્મ્યુલેશનની પરિસ્થિતિ અત્યારે અત્યંત દયનિય હોવા છતાં આગામી છ માસમાં આ સેગમેન્ટમાં 75થી વધુ નાના-મોટા યુનિટો આવે તેવી સંભાવના છે જેમાં અંદાજે 3500-4000 કરોડનું રોકાણ આવશે. આ સેગમેન્ટમાં યુનિટો માત્ર 5-7 ટકાના કમિશન ધોરણે મેન્યુફેક્ચરીંગ કરી રહી છે પરંતુ અત્યારે ઉત્પાદન કામ ન મળતા ત્રણ શિફ્ટના બદલે એક શિફ્ટમાં જ મેન્યુફેક્ચરિંગ થઇ રહ્યું છે. જેનરિક બિઝનેસના કારણે પ્રાઇઝ કોમ્પિટિશન પણ વધી છે. - ભાવેશ ઉપાધ્યાય, ફાર્મા એક્સપર્ટ

અન્ય સમાચારો પણ છે...