અમદાવાદ:શહેરમાં શાકભાજીનું મનમરજીએ વેચાણ, ભીંડા, દૂધી સહિતનો ભાવ રૂ.80થી રૂ.100એ પહોંચ્યો, ગરીબ પરિવારના બજેટ ખોરવાયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રસોઈમાં રોજ વપરાતા મરચા અને લીંબુના ભાવમાં વધારો થતા સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યા

શહેરમાં ધીરે-ધીરે કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સામાન્ય તેમજ ગરીબ પરિવાર સામે વધુ એક મુશ્કેલી ઉભી થતી જોવા મળી રહી છે. આ વર્ષે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મોટાભાગના પાકને નુકસાન પહોંચ્યું છે. પાકને નુકસાન પહોંચતા તેના ભાવમાં પણ અધધ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદ મોટાભાગ વિસ્તારોમાં બટાકા, ટામેટા, ડુંગળી, મરચા, ભીંડા, દૂધી સહિતની શાકભાજીના ભાવમાં 50 ટકાથી વધુના (60થી 100 રૂપિયા સુધી) ભાવે વેચવામાં આવે છે. જેના કારણે દરરોજ કમાઈને ખાનારા ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારના બજેટમાં મોટી અસર પડી છે.

વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકશાન થયું હોવાથી માલની અછત
સામાન્ય દિવસોમાં 15 રૂપિયે કિલો મળતા બટાકા હવે 30થી 40 રૂપિયે કિલો મળી રહ્યાં છે. જ્યારે ડુંગળી 40થી 60 રૂપિયે કિલો પહોંચતા મધ્યમ અને ગરીબ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. પહેલા લીલા શાકભાજી અને હવે રસોઈમાં રોજ વરરાતા મરચા અને લીંબુના ભાવમાં વધારો થતા સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકશાન થયું હોવાથી માલની અછત વચ્ચે આગામી સમયમાં છૂટક માર્કેટમાં ડુંગળીના ભાવ વધવાની શક્યતા છે.

લોકો મજબૂરીમાં ડબલ પૈસા આપીને ખરીદી કરી રહ્યા છે
શહેરમાં આવેલા જમાલપુર માર્કેટને શાકભાજીનું હબ માનવામાં આવે છે. અહીંથી જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજી પહોંચાડવામાં આવે છે. પરંતુ કોરોનાને લીધે માર્કટ બંધ હોવાથી ખેડૂતો તેમજ વેપારીઓને માલના ખરીદ-વેચાણમાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે માર્કટની આસપાસના વિસ્તારોમાં વેપારીઓ મનફાવે તેવા ભાવે શાકભાજી વેચતા હોવાની ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો મજબૂરીમાં ડબલ પૈસા આપીને ખરીદી કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો શાકભાજી છોડી કઠોળ તરફ વળ્યા છે.

ગુજરાતમાં ટામેટાના પાકને ભારે નુકસાન
ગુજરાતમાં કડી, કલોલ, ધોળકા, ધ્રાંગધ્રા, ઇડર, ખેડા, તારાપુર, આણંદ સહિતના વિસ્તારોમાં મોટાપાટે ટામેટા થતા હોય છે. પરંતુ આ વર્ષે સતત વરસાદ અને વાવાઝોડાની અસર હેઠળ કેટલાક વિસ્તારોમાં પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદના કારણે ટામેટાના છોડ પરના ફૂલ ખરી પડયા છે. તેથી ઉત્પાદન ઘટવાની શક્યતા છે. જેના કારણે ટામેટાના ભાવ પણ 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...